Charchapatra

આ લોકશાહી છે કે તાનાશાહી?

લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આજના વર્તમાન સમયમાં ચાલતા શાસનને શું લોકશાહી, કહી શકાય? ‘‘તારું મારું સહિયારુ, મારુ મારુ આગવું-’’આ રીતે શાસન ચાલી રહ્યું છે! પોતાના સ્વાર્થને સફળ બનાવવા માટે દેશના બંધારણના કાયદાને બદલી કાઢવામાં આવે છે. દેશભક્તિ નામે કરોડો રૂપિયાનો વેપાર કરવામાં આવે છે. ફરજિયાતપણે તેનું અમલીકરણ કરાવવામાં આવે છે. સાચી દેશભક્તિ આને કહેવાય? જાદુગર પોતાની જાદુની લાકડીથી નાચ નચાવે અને લોકો હોંશે-હોંશે નાચ કરે. જ્યાં તારીખો પર દેશભક્તિ જાગતી હોય ત્યાં કોઈ પણ નાચ નચાવી શકે! ફરજિયાતપણે કાયદાના બળે દેશપ્રેમ જગાડ્યો પરંતુ ત્યારપછીની જવાબદારી કોની?

આસપાસ નજર કરશો તો ઘર પરથી તિરંગાને ઉતારવામાં આવ્યા નથી, ક્યાંક પડેલો, વળેલો તિરંગો દેખાય છે. લોકો હજી વાહનો ઉપર લગાવીને ફરી રહ્યા છે. ‘‘શું આ છે તિરંગાની આન, શાન ને બાન?’’સામાન્ય કાગળ કાપડ જેવી હાલતછે. માત્ર રૂપિયા કમાવવાની નવી રીત સારી શોધી છે. દેશના નામે, ધર્મના નામે, વિકાસના નામે જ્યાં ફરજિયાતપણે કાર્ય કરાવવામાં આવતા હોય ત્યાં લોકશાહી કઈ રીતે જીવંત હોય? માટે જ સ્વિડન સ્થિત વી-ડેમ ઈન્સ્ટિટ્યૂટે ભારતની લોકશાહીને ચૂંટણીલક્ષી આપખુદશાહી’કહી છે. હવે તમે જ કહો કે આને લોકશાહી કહી શકાય કે તાનાશાહી…
સુરત     – મનિષા કે.પટેલ –આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top