Columns

ઝી ટી.વી. નેટવર્કના સ્થાપક સુભાષચંદ્રના ઉત્થાન અને પતનની કથા

ભારતની સર્વપ્રથમ ખાનગી ટી.વી. ચેનલના સ્થાપક સુભાષચંદ્ર ગોયેલ લગભગ દેવાળું ફૂંકવાની અણી પર મૂકાઈ ગયા છે. તેમની કંપની ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ઝીલ) ૮૩ કરોડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગઈ હોવાથી તેની સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ફડચામાં લઈ જવાની વિધિ શરૂ કરી હતી, પણ તે કંપની સોની ટી.વી. સાથે જોડાઈ જવાની વાટાઘાટો કરતી હોવાથી તેના પર કામચલાઉ મનાઇહુકમ આપવામાં આવ્યો છે. કોઈ સમયે ઝી ટી.વી.ના શેરના ભાવો ૧૩૫૦ રૂપિયા પર પહોંચી ગયા હતા તે આજે ઘટીને ૨૦૫ રૂપિયા પર પહોંચી ગયા છે.

ઝી ટી.વી.ના શેરો ખરીદનારાં રોકાણકારો પાયમાલ થઈ ગયાં છે. પાંચ વર્ષ પહેલાં ઝી ગ્રુપનું માર્કેટ કેપ વધીને ૩૫,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું, જ્યારે સુભાષચંદ્ર પાસે ઝી ટી.વી.ના ૪૨ ટકા શેરો હતા. આશરે ૧૪,૦૦૦ કરોડની મિલકત સાથે સુભાષચંદ્રની ગણતરી વિશ્વના ધનકુબેરોમાં થતી હતી. આજે ઝી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને ૧૯,૮૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. સુભાષચંદ્રના હાથમાં ઝી ગ્રુપના માત્ર ચાર ટકા શેરો જ રહ્યા છે. કંપનીનું દેવું ચૂકવવા તેમણે મોટા ભાગના શેરો ગિરવે મૂકી દીધા હતા કે વેચી માર્યા હતા.

તેમ છતાં ઝી ગ્રુપ બેન્કોનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયું હોવાથી તે દેવાળું ફૂંકવાની અણી પર મૂકાઈ ગયું છે. વચ્ચે મુકેશ અંબાણીની જિયો, એમેઝોન, ગૂગલ અને એપલ જેવી કંપનીઓ ઝી ગ્રુપ ખરીદવા તૈયાર હોવાની વાત આવી હતી. હવે સોની ટી.વી. સાથે મર્જરની વાતો ચાલી રહી છે. સુભાષચંદ્ર એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા હતા ત્યારે ૨૦૧૬માં તેમને ભાજપની મદદથી રાજ્યસભામાં સ્થાન પણ મળ્યું હતું. ૨૦૨૨માં તેઓ ફરીથી ચૂંટણી જીતી શક્યા નહોતા. હવે તો તેમની હાલત એવી ખરાબ છે કે રાજકારણીઓ સાથેની દોસ્તી પણ તેમની ડૂબતી નાવને ઉગારી શકે તેમ નથી. સુભાષચંદ્ર ગોયેલ ભારતના મિડિયા મોગલ મટીને આટલી બધી દયાજનક હાલતમાં શા માટે મૂકાઈ ગયા? તેનો ખરેખર અભ્યાસ કરવા જેવો છે.

ઝી ટી.વી. નેટવર્કની આજની તારીખમાં કુલ ૭૮ ચેનલો છે, જેના ૧૩૦ કરોડ દર્શકો ૧૭૩ દેશોમાં ફેલાયેલા છે. આ કંપની પાસે ફિલ્મોનાં ૪,૮૦૦ ટાઇટલો છે. સુભાષચંદ્રને બીબીસીની સ્પર્ધા કરે તેવી ઇન્ટરનેશનલ ચેનલ સ્થાપવી હતી, જે માટે તેમણે ‘વિયોન’ચેનલ શરૂ કરી હતી. સુભાષચંદ્રના પિતા ફ્લોર મિલના માલિક હતા. તેમણે ૧૮ વર્ષની ઉંમરે કોલેજનો અભ્યાસ છોડીને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું ત્યારે તેમની કંપનીના માથે પાંચ લાખ રૂપિયાનું દેવું હતું. ચાર વર્ષ સખત મહેનત કરીને તેમણે બધું દેવું ઉતારી દીધું હતું. ૧૯૮૩માં તેમણે રશિયામાં ચોખાની નિકાસના ધંધામાં ઝંપલાવી દીધું હતું. ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના માનીતા ધીરેન્દ્ર બ્રહ્મચારી પણ ચોખાની નિકાસનો ધંધો કરતા હતા. સુભાષચંદ્ર તેમની સાથે પણ ટકરાઈ ગયા હતા.

ચોખાની નિકાસના ધંધામાં કમાણી કરીને સુભાષચંદ્રે પેકેજિંગના ધંધામાં પોતાનું નસીબ અજમાવી જોયું હતું. તેમણે એસેલ પેકેજિંગ કંપનીની શરૂઆત કરી હતી. તે વખતે ટૂથપેસ્ટનું પેકિંગ કરવા માટે એલ્યુમિનિયમની ટ્યૂબનો ઉપયોગ કરવામાં આવતો હતો. સુભાષચંદ્ર તેના વિકલ્પ તરીકે પ્લાસ્ટિકની ટ્યૂબ લઈ આવ્યા હતા. આજે તો બધી ટૂથપેસ્ટો પ્લાસ્ટિકની ટ્યૂબમાં પેક થાય છે. સુભાષચંદ્રે મુંબઈ નજીક આવેલા ગોરાઈ ટાપુ ખાતે સેંકડો એકર જમીન પાણીના ભાવે ખરીદી રાખી હતી. ગોરાઈ નો ડેવલપમેન્ટ ઝોનમાં આવતું હોવાથી ત્યાં રહેઠાણનાં મકાનો બાંધી શકાય તેમ નહોતું. સુભાષચંદ્રે તે જમીન પર ભારતનો પહેલવહેલો મનોરંજન પાર્ક બનાવ્યો, જેને એસ્સેલ વર્લ્ડ નામ આપવામાં આવ્યું. ત્યાર બાદ ત્યાં વોટરપાર્ક પણ બન્યો, જે ભારે સફળતાને વર્યો હતો.

૧૯૯૦ના દાયકામાં ભારત સરકારે ઉદારીકરણની નીતિના ભાગરૂપે ટેલિવિઝનનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું કર્યું તેનો સૌથી વધુ લાભ સુભાષચંદ્રે લીધો. તેમણે ઝી ટી.વી. નામની ભારતની પહેલી ખાનગી ચેનલ શરૂ કરી. તેનું પ્રસારણ કરવા માટે તેમણે સ્ટાર ટી.વી.નો સેટેલાઈટ ભાડે કર્યો, જેનું વાર્ષિક ભાડું જ ૫૦ લાખ ડોલર હતું. સુભાષચંદ્રના ગાંધીપરિવાર સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતા. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઝી ટી.વી.ને સેટેલાઈટનું ભાડું ચૂકવવા માટે લંડનના મિત્ર પાસેથી ચાર લાખ ડોલરની લોન અપાવી હતી.

સ્ટાર પ્લસ દ્વારા ભારતમાં હિન્દી ચેનલો ચાલુ કરવામાં આવી ત્યારે સુભાષચંદ્ર સ્ટાર ગ્રુપના માલિક રૂપર્ટ મુર્ડોક સાથે પણ ટકરાઈ ગયા હતા. એક વખત તેમના મિત્ર મુકેશ પટેલે તેમને મુકેશ અંબાણીની વિરુદ્ધમાં કોઈ સ્ટોરી આપી હતી. તેને ઝી ન્યૂઝ ચેનલ પર બતાડીને તેમણે મુકેશ અંબાણી સાથે બાથ ભીડી હતી. મિડિયાની તાકાતનો ઉપયોગ કરીને ઝી ટી.વી.ના પત્રકારો ગોરખધંધા કરતા હતા, જેને કારણે સુભાષચંદ્રે બદનામી પણ વહોરવી પડી હતી. ૨૦૧૨માં નેશનલ મિડિયામાં કોલગેટની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ઝી ટી.વી. ઉપર કોંગ્રેસના સાંસદ નવીન જિન્દાલની કોલગેટમાં સંડોવણીની સ્ટોરી બ્રેક કરવામાં આવી હતી. આ સ્ટોરી પર પડદો પાડી દેવા માટે ઝી ન્યૂઝના પત્રકારો દ્વારા જિન્દાલ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.

નવીન જિન્દાલે પોલીસ ફરિયાદ કરી હતી, જેને કારણે ઝી ન્યૂઝના પત્રકારો સુધીર ચૌધરી અને સમીર આહલુવાલિયાને જેલની હવા ખાવી પડી હતી. સુભાષચંદ્રનો દાવો હતો કે આ પોલીસ ફરિયાદ ખુદ સોનિયા ગાંધીના કહેવાથી દાખલ કરવામાં આવી હતી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની જાહેરાત ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કરવામાં આવી ત્યારથી સુભાષચંદ્ર તેમના પ્રખર ટેકેદાર બની ગયા હતા. જ્યારે નેશનલ ચેનલો મોદીની વિરુદ્ધમાં હતી ત્યારે ઝી ગ્રુપે મોદીને સદ્ધર ટેકો આપ્યો હતો. ઝી ટી.વી.ના એન્કરો સતત હિન્દુત્વને સમર્થન આપતા હેવાલો પ્રગટ કર્યા કરતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની કદર કરીને ૨૦૧૬માં સુભાષચંદ્રને રાજ્યસભામાં પહોંચવામાં મદદ કરી હતી.

ભાજપના રાજમાં નવી દિલ્હીમાં સુભાષચંદ્રના નામના સિક્કા પડતા હતા. ૨૦૧૬માં તેમની આત્મકથાનું લોકાર્પણ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે, તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમારંભમાં ભાજપના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના સુશીલકુમાર શિંદે અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ પણ હાજર હતા. સુભાષચંદ્ર સત્યનારાયણ ગોયેન્કાને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે મુંબઈ નજીક ગોરાઈ ટાપુ ઉપર ભારતનું સૌથી ઊંચું ૩૨૫ ફીટનું શિખર ધરાવતું વિપશ્યના કેન્દ્ર બનાવ્યું છે. રાજકારણીઓ સાથેની નિકટતા જ સુભાષચંદ્રના પતનનું કારણ બની.

૨૦૧૬માં દેશમાં નોટબંધી જાહેર થઈ ત્યારે સુભાષચંદ્રના જૂથની એક કંપની પર ૩,૦૦૦ કરોડ રૂપિયાનું રોકડ નાણું બેન્કમાં જમા કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મિડિયામાં તેની બહોળી પ્રસિદ્ધિ થઈ તેને કારણે ઝી ગ્રુપના તમામ શેરોના ભાવોમાં કડાકો બોલી ગયો. આ શેરો સામે અબજો રૂપિયાની લોન હોવાથી તેને વેચવાનો વારો આવ્યો. સુભાષચંદ્ર આજે ઝી ગ્રુપના માલિક નથી અને સંચાલક પણ નથી. તેમની કંપનીઓ વેચાઈ જવાની તૈયારીમાં છે. સુભાષચંદ્રના પતન અને ઉત્થાનની કહાણી જીવનમાં સફળતા પામવા માગતા સૌ કોઈ માટે બોધપાઠ આપવાની ગરજ સારે તેવી છે.           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top