Madhya Gujarat

ખેડા પાલિકાના અંધેર વહીવટથી નગરમાં અંધારપટ

નડિયાદ: ખેડા નગરપાલિકા તંત્ર બે કરોડ ઉપરાંતનું બાકી લાઈટબિલ ભરવામાં લાપરવાહી દાખવતાં, વીજતંત્રએ નગરમાં સ્ટ્રીટલાઈટના કુલ 12 જેટલાં કનેક્શન કાપી નાંખ્યાં છે. ત્યારે, આ વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હોવાથી નગરજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખેડા નગરપાલિકાનું નઘરોળ તંત્ર છેલ્લાં કેટલાક મહિનાઓથી લાઈટબિલ ભરવામાં લાપરવાહી દાખવી રહ્યું છે. જેને પગલે લાઈટબિલ બે કરોડ રૂપિયા કરતાં પણ વધુ ચઢી ગયું છે. ત્યારે, લાઈટબિલની બાકી નીકળતી આ રકમની વસુલાત માટે વીજતંત્ર દ્વારા અનેકોવાર નોટીસો મોકલવામાં આવી છે. પરંતુ, પાલિકાતંત્ર આ નોટીસોની સતત અવગણના કરતું હતું.

જેથી વીજતંત્રએ કાર્યવાહીના ભાગરૂપે નગરના ઈન્દિરાનગરી વિસ્તાર, શાંતિનગર, સાર્વજનિક દવાખાના પાસે, સોમનાથ મહાદેવ, ગેબનશાપીર દરગાહ, રાજા શોપીંગ સેન્ટર, બાલાપીર ભાગોળ તેમજ પરા દરવાજા સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટોના 12 કનેક્શનો કાપી નાંખ્યાં છે. જેને પગલે આ તમામ વિસ્તારોમાં ઘોર અંધકાર છવાઈ ગયો છે. અંધકારને પગલે નગરજનોને આ વિસ્તારમાંથી અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ખેડા નગરપાલિકાના અણઆવડત ધરાવતાં અધિકારીઓ તેમજ સત્તાધીશોને વાંકે નગરની ભોળી પ્રજા છેલ્લાં કેટલાક વર્ષોથી બિસ્માર રોડ-રસ્તા, ઉભરાતી ગટર તેમજ ગંદકી સહિતની અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. ત્યારે હવે પાલિકાના પાપે નગરમાં અંધકાર રૂપે વધુ એક સમસ્યાનો ઉમેરો થતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્ટ્રીટલાઈટના કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હોવાથી ખેડા શહેરના કેટલાક વિસ્તારોમાં ઘોર અંધકાર છવાઈ ગયો છે. ત્યારે અંધકાર ધરાવતાં આ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધવાની દહેશત પણ સ્થાનિકોમાં વર્તાઈ રહી છે.

અગાઉ પણ 10 કનેક્શન કપાયા હતાં
ખેડા નગરપાલિકાતંત્ર દ્વારા બે કરોડ ઉપરાંતનું બાકી લાઈટબિલ ભરવામાં છેલ્લાં ઘણાં મહિનાથી ઠાગાઠૈયા કરી રહ્યું હતું. જેને પગલે વીજતંત્રની ટીમે કાર્યવાહીના ભાગરૂપે જાન્યુઆરી-2023 માં નગરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટોના 10 જેટલા કનેક્શનો કાપી નાંખતા અંધારપટ છવાયો હતો. જે તે વખતે પાલિકાએ થોડું ઘણું લાઈટબિલ ભરી દેતાં, વીજતંત્ર દ્વારા પુનઃ વીજજોડાણ કરવામાં આવ્યું હતું.

લેખિત બાંહેધરી આપ્યાં બાદ પણ પાલિકાએ બિલ ન ભર્યું: વીજ કંપની
ખેડા એમજીવીસીએલના અધિકારી જી.જે.કાપડિયા જણાવ્યું હતું કે, ખેડા નગરપાલિકાના લાઈટબિલ પેટે બાકી નીકળતાં 2.02 કરોડ રૂપિયાની વસુલાત માટે વીજતંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી. જે બાદ તા.20-1-23 ના રોજ ખેડા પાલિકાના ચીફઓફિસર અને પ્રમુખે બાકી નીકળતાં લાઈટબિલની તમામ રકમ 6 મહિનામાં જ ભરી દેવાની લેખિત બાંહેધરી આપી હતી. જે તે વખતે પાલિકાએ દર મહિને 32 લાખ રૂપિયા ઉપરાંત ચાલું લાઈટબિલની રકમ જમા કરાવીશું તેમ જણાવ્યું હતું. પરંતુ, બાદમા પાલિકાએ બાકી વીજબિલના નાણાં ચુકવ્યાં ન હોવાથી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કુલ 12 સ્ટ્રીટલાઈટના કનેક્શન કાપ્યાં છે. આજે પણ વધુ 10 કનેક્શનો કાપવાના છે. તેમછતાં પણ વીજબિલના બાકી નાણાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા સામે કાર્યવાહી કરવામાં આવશે.

સ્ટ્રીટલાઈટો ચાલુ કરાવવા પ્રયત્નો કરીએ છે
ખેડા પાલિકાના ચીફઓફિસર ભદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નગરમાં બાકી નીકળતાં મિલ્કતોના વેરાની વસુલાતની કામગીરી રોજેરોજ કરવામાં આવી રહી છે. વેરા પેટે જે પણ રકમ પાલિકામાં જમા થાય છે તે તુરંત જ જી.ઈ.બીમાં ભરી દેવામાં આવે છે. સ્ટ્રીટલાઈટો ચાલુ કરાવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યાં છે.

મહેમદાવાદ પાલિકાના પાપે પ્રજા છતે પાણીએ તરસી રહેશે
નડિયાદ: મહેમદાવાદ નગરપાલિકાએ વીજ બિલના ભારણનું કારણ આગળ ધરી શહેરમાં હવે ઉનાળા સિવાયના 8 મહિના દરમિયાન માત્ર 1 ટાઈમ પાણી આપવાનો નવો ફતવો જાહેર કરી દીધો છે. જેના કારણે સામાન્ય નાગરીકોમાં ક્યાંક તેનો આવકાર તો ક્યાંક આ નિર્ણયથી આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચથી જૂન સુધી એમ ચાર મહિના સવાર-સાંજ પાણી મળશે. મહેમદાવાદ નગરપાલિકાએ 9 ફેબ્રુઆરી, 2023ની સામાન્ય સભાના ઠરાવ નં. 100 થકી પાણી મુદ્દો નવો કાયદો લાગુ કરી દીધો છે. આ કાયદા મુજબ હવે મહેમદાવાદ શહેરભરમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂન એમ ઉનાળાના ચાર માસ દરમિયાન સવાર અને સાંજ એમ બે ટાઈમ 1-1 કલાક પાણી પુરુ પાડવામાં આવશે. જ્યારે બાકીના આઠ મહિના દરમિયાન નગરપાલિકા સવારે માત્ર પાણી પુરુ પાડશે, તેમ જાહેરાત કરી છે.

નગરજનોને જાણ કરતો એક કાગળ રજૂ કર્યો છે, જેમાં અત્યાર સુધી મહેમદાવાદમાં 2 ટાઈમ પાણી અપાતુ હતુ, પરંતુ પાણી પુરવઠા માટે વપરાતી વીજળીના બિલોની રકમ વધી ગઈ હોવાથી નગરપાલિકાએ નક્કી કર્યા મુજબ હવેથી દૈનિક માત્ર સવારે એક જ વખત પાણી પુરવઠો આપવામાં આવશે. જેથી આ દરમિયાન પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા, નળ કનેક્શન ખુલ્લા રાખીને થતો પાણીનો બગાડ સદંતર બંધ કરવા અને પાણીનો સંગ્રહ કરવા પાણીની ટાંકીની વ્યવસ્થા કરવા માટે જાણ કરી છે. તો પાણીનો બગાડ કરતા રહેણાંક એકમને 100 રૂપિયા જ્યારે બિન રહેણાંક એકમને 200 રૂપિયા દંડ વસુલવા પણ ચેતવણી આપી છે. નગરપાલિકાનું વીજબિલનું ભારણ ઘટાડવા શહેરીજનો સહકાર આપે તેવી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા માગ કરાઈ છે.

Most Popular

To Top