એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર ઘર …રીમામાં ઘર સજાવટની સૂઝ સારી એટલે ઘર સુંદર લાગે..પતિ પત્ની બંને ખૂબ પ્રેમથી પોતાના ઘરસંસાર અને બાળકોને જાળવે.રાઘવ ખૂબ જ હોંશિયાર અને મહેનતુ ….અને રીમા પણ દરેક કામકાજમાં અવ્વલ …. બંને જાણે પ્રેમલગ્ન કરી સાથે સંસાર માંડ્યો ત્યારથી ખૂબ જ મહેનત કરીને …શૂન્યમાંથી પોતાની નાનકડી દુનિયાનું સર્જન કર્યું….દિન રાત ખૂબ જ મહેનત કરી હતી અને હજી પણ કરતા હતા …પોતાનાં બંને બાળકોને દુનિયાભરની ખુશી આપવા રીમા અને રાઘવ સતત કામકાજમાં રહેતાં …..
પોતાના શોખ ભૂલીને પણ બાળકોના બધા શોખ પૂરા કરતા…બે બાળકોને સારી શાળામાં ભણાવવાં ….તેમનાં કપડાં …અન્ય વસ્તુઓ વગેરેનો ઘણો ખર્ચ થતો અને દિવસે દિવસે વધતો હતો,રાઘવ નોકરી કરતો …..તેમાં ઓવરટાઇમ પણ કરતો ..નોકરીના કલાકો બાદ ઘરે કામ કરતો અને રવિવારની રજા પણ ન લેતો. તે દિવસે પણ જે મળે તે નાનાં મોટાં કામ કરી લેતો……..ન કયારેય થાકતો ..ન કયારેય આરામ કરવો છે તેમ બોલતો કારણ બાળકોનો ખર્ચ.વ્યવહાર અને ઘરખર્ચ ઉપરાંત રીમાનાં નાનાં નાનાં સપનાં પૂરાં કરવાની તેની ઈચ્છા રહેતી.તેથી તે વધુ ને વધુ કામ કરતો રહેતો.રીમા પણ રાઘવનાં નાનાં સપનાં પોતે પૂરાં કરી શકે તે માટે ઘર અને બાળકો સંભાળવાની સાથે સાથે બીજાં ઘણાં કામ કરતી અને હમેશાં રાઘવને સરપ્રાઈઝ આપતી.પોતાના નાનકડા સંસારમાં તેઓ ખૂબ ખુશ હતાં.
એક રવિવારે સવારે રીમા બાળકોને ભણાવતી હતી અને રાઘવ કામ પર જવા તૈયાર થયો …તેના શરીરમાં દુખાવો હતો છતાં પણ તે તૈયાર થઇ ગયો પછી બધા સાથે ચા નાસ્તો કરવા બેઠા.રીમાએ કહ્યું, “રાઘવ, ઘણા દિવસથી તેં આરામ કર્યો નથી. આજે કામ પર ન જા, આરામ કરી લે.”રાઘવ હસ્યો અને બોલ્યો, ‘તેં છેલ્લી રજા કયારે લીધી હતી યાદ છે અને મારા અને બાળકો અને ઘરકામમાંથી તો તને ક્યારેય રજા મળતી જ નથી ખરું ને.” બાળકો મમ્મી પપ્પાની વાતો સાંભળતાં હતાં.મોટા દીકરા કિયાને પૂછ્યું, “મમ્મી પપ્પા હું તો થોડું રમીને કે ભણીને થાકી જાઉં છું અને આ ક્રિશા તો બે મિનીટ દોડે ત્યાં થાકી જાય છે.પણ તમે તો ક્યારેય થાકતાં જ નથી.એવું તે કયું ટોનિક તમે બંને લો છો?” રીમા અને રાઘવ બંને જન સાથે બોલી ઊઠ્યા, “દીકરા, એ ટોનિક છે પ્રેમ અને જવાબદારી..તે અમને કયારેય થાકવા દેતી નથી.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.