Columns

કર્ણાટકના હિજબ વિવાદનો ભાજપને ઉત્તર પ્રદેશમાં ફાયદો થશે?

આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિને લઈને જેટલા વિવાદો ચગાવવામાં આવતા હોય છે, તેમાં મોટા ભાગે રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. થોડા દિવસ પહેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મોઇના મિત્રાએ સંસદમાં કોઈ નિવેદન કર્યું તેને કારણે જૈનો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા, તેમાં પણ ભાજપનો હાથ હતો. જૈનો ભાજપના મતદારો છે. તેમને ઉશ્કેરીને ભાજપે પોતાની ખિચડી પકાવી લીધી હતી. ઘણાને સવાલ થતો હશે કે કર્ણાટકમાં અત્યારે તો કોઈ ચૂંટણી નજીક નથી; તો પછી ભાજપ દ્વારા હિજબનો વિવાદ કેમ ચગાવાઈ રહ્યો છે? તેનો જવાબ એ છે કે હિજબના વિવાદના પડઘા ભારતભરમાં પડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થઈ જાય છે. કર્ણાટકના મુસ્લિમો પર કોઈ પણ જાતનું નિયંત્રણ મૂકવામાં આવે ત્યારે તેઓ ઝનૂનમાં આક્રમક બનતા હોય છે. મુસ્લિમોની આક્રમકતાને કારણે હિન્દુઓમાં અસલામતી પેદા થાય છે, જેનો લાભ ભાજપને મતપેટીઓમાં થાય છે. લખનૌથી ઉડુપી ભલે દૂર હોય, પણ કર્ણાટકમાં પેદા થયેલો હિજબ વિવાદ ભાજપને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મતો રળી આપતો હોવાથી તેને ચગાવાઈ રહ્યો છે.

હિજબના વિવાદના રાજકારણની ચર્ચા કરીએ તે પહેલાં તેને લઈને કોર્ટોમાં કેવું યુદ્ધ ચાલી રહ્યું છે, તે પણ જાણવા જેવું છે. હિજબ પહેરવાના ધાર્મિક અધિકારની રક્ષા માટે આશરે ૬,૦૦૦ મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા કર્ણાટક હાઈ કોર્ટમાં રિટ પિટીશન કરવામાં આવી છે. ગુરુવારે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ વચગાળાનો આદેશ બહાર પાડવાના હતા કે જ્યાં સુધી કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી બંને પક્ષે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પહેરવેશ ન પહેરવો. મુસ્લિમોના વકીલો દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેને કારણે ચીફ જસ્ટિસ વચગાળાનો આદેશ બહાર પાડી શક્યા નહોતા. દરમિયાન મુસ્લિમો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે કર્ણાટક હાઈ કોર્ટમાં સુનાવણી ચાલુ થાય ત્યાં સુધી તેઓ આમાં પડવા માગતા નથી.

ભાજપ દ્વારા હિજબના વિવાદને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેમાં તેમને દેશભરમાં રાજકીય લાભ દેખાઈ રહ્યો છે. તેને ચગાવવા માટે ભાજપના નેતાઓ મેઇનસ્ટ્રિમ મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, શેરીઓ અને સંસદનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની જાટ અને મહાદલિત મતબેન્ક અખિલેશ યાદવે ઝૂંટવી લીધી તે પછી ભાજપના નેતાઓ હિન્દુ મતદારોને પોતાના ભણી આકર્ષવા માટે કોઈ લાગણીને ઉશ્કેરે તેવા મુદ્દાની તલાશમાં હતા. હિજબના વિવાદમાં તેમને તેના દર્શન થયા છે. ૨૦૧૭ માં કૈરાનામાંથી હિન્દુ પરિવારની હિજરતનો મુદ્દો તાજો હતો. તેણે ભાજપને ખોબા ભરીને હિન્દુ મતો અપાવ્યા હતા. વળી મુઝફ્ફરનગરનાં રમખાણોને કારણે જાટ અને મુસ્લિમો વચ્ચેની ખાઇ પહોળી બની તેનો પણ ભાજપને લાભ થયો હતો. આ ચૂંટણીમાં રોટી, કપડાં, મકાન અને રોજગારીનો મુદ્દો ભાજપને ભારી પડી રહ્યો છે. તેમાં કર્ણાટકમાં હિજબનો વિવાદ પેદા થતાં ભાજપને ભાવતું હતું ને વૈદે કીધું જેવો લાભ થયો છે. તેઓ આ વિવાદને જાણી જોઈને વકરાવી રહ્યા છે.

ભાજપને લાગે છે કે ઉત્તર પ્રદેશના હિન્દુ મતદારો મૂંઝવણમાં છે. એક બાજુ અયોધ્યામાં રામમંદિર બંધાઈ રહ્યું છે, પણ બીજી બાજુ બેકારીને કારણે યુવાનોમાં હતાશા ફેલાઈ ગઈ છે. બિહારમાં સરકારી નોકરીને કારણે જે હિંસક તોફાનો થયાં તેની છાપ પણ ઉત્તર પ્રદેશના યુવાનો પર થઈ છે. દેશમાં એક બાજુ ગરીબી વધી રહી છે તો બીજી બાજુ મોંઘવારી પણ વધી રહી છે. કિસાન આંદોલનને કારણે પણ ભાજપના વિરોધનો માહોલ પેદા થયો છે. ભાજપને લાગે છે કે જો તેવા વાતાવરણમાં હિન્દુઓમાં અસલામતી પેદા કરવામાં આવે તો તેઓ ભાજપ ભણી વળી શકે છે.

કર્ણાટકમાં અને ઉત્તર પ્રદેશમાં હિજબ વિવાદને ચગાવતા નેતાઓ હકીકતમાં ભાજપને  જ ફાયદો પહોંચાડી રહ્યા છે, જેની કદાચ તેમને ખબર પણ નહીં હોય. આઠ વિપક્ષના નેતાઓ હિજબના મુદ્દે સંસદમાંથી વોકઆઉટ કરી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ મુસ્લિમોમાં અસલામતી પેદા કરી રહ્યો છે. આ વિપક્ષી નેતાઓ વિવાદને ચગાવીને ભાજપના ટ્રેપમાં આવી ગયા છે. અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી સભામાં હિજબનો વિવાદ ચગાવતાં કહ્યું હતું કે હિજબ પહેરવો તે મુસ્લિમોનો મૂળભૂત ધાર્મિક અધિકાર છે. હકીકતમાં ભાજપને આ જ જોઈતું હતું. તેનો ઇરાદો હિજબના વિવાદની ઉત્તર પ્રદેશમાં આયાત કરવાનો હતો. અસદુદ્દીન ઓવૈસી તેમાં મદદરૂપ બન્યા છે. આ કારણે જ વિપક્ષો ઓવૈસીને ભાજપની બી-ટીમ તરીકે ઓળખતા થયા છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે ભાજપ સમક્ષ બે મુખ્ય પડકારો છે. પહેલો પડકાર સમાજવાદી પક્ષ દ્વારા જાટ-મહાદલિત મતોનું કરાયેલું હસ્તાંતરણ છે. જાટ નેતા જયંત ચૌધરી સમાજવાદી પક્ષના સહયોગમાં ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપના હાથમાંથી જાટ મતબેન્ક સરકી ગઈ છે. જયંત ચૌધરીને ભાજપ ભણી વાળવા અમિત શાહે મરણિયા પ્રયાસો કર્યા હતા, પણ તેમને સફળતા મળી નહોતી. વળી સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ જેવા ઓબીસી નેતાઓ સમાજવાદી પક્ષમાં જોડાઈ જતાં ભાજપને વધુ ફટકો પડ્યો હતો. તેને સરભર કરવામાં હિજબનો વિવાદ આંશિક રીતે સહાયક થઈ શકે છે. બીજો પડકાર મુસ્લિમ મતોનું સંગઠન રોકવાનો છે. ઉત્તર પ્રદેશમાં ૧૩૬ બેઠકો પર મુસ્લિમ વસતિ ૨૬ ટકા કરતાં વધુ છે. જો આ બધા મતો ભાજપની વિરુદ્ધના એક જ ઉમેદવારને મળે તો તે નિર્ણાયક બની શકે છે. ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષ વચ્ચે વહેંચાયેલા છે. સમાજવાદી પક્ષ તેને પોતાની તરફેણમાં સંગઠિત કરવા માગે છે. ભાજપ તેને વિભાજીત જ રાખવા માગે છે.

ઉત્તર પ્રદેશમાં જે બેઠકો પર તા. ૧૦ અને ૧૪ તારીખે મતદાન થવાનું છે, તેમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખ્યો નથી; જ્યારે સમાજવાદી પક્ષે ૧૨, કોંગ્રેસે ૧૧, બહુજન સમાજ પક્ષે ૧૬ અને ઓવૈસીના પક્ષે ૯ ઉમેદવારો ઊભા રાખ્યા છે. ઓવૈસીનો પક્ષ મુસ્લિમ મતોને વિભાજીત કરીને હકીકતમાં ભાજપને જ મદદ કરે છે. આ કારણે જ ઓવૈસી ઉત્તર પ્રદેશની જાહેર સભાઓમાં હિજબના વિવાદને ચગાવી રહ્યા છે. ઓવૈસીની મોટર કાર પર ગોળીબાર થયો તે મુદ્દો પણ ભાજપના લાભમાં પરિણમી શકે છે. કર્ણાટકના હિજબ વિવાદ બાબતમાં કોઈ જાહેર નિવેદન કરવાથી અખિલેશ યાદવ દૂર રહ્યા છે. તેનું રહસ્ય એ છે કે આ વખતે તેમનો મદાર મુસ્લિમ ઉપરાંત હિન્દુ મતબેન્ક ઉપર પણ છે, જેમાં જાટ, યાદવ, મહાદલિત વગેરેનો સમાવેશ થાય છે. જો તેઓ હિજબ વિવાદમાં મુસ્લિમોનો પક્ષ લે તો હિન્દુઓ નારાજ થઈ જાય તેમ છે. માટે તેઓ મૌન છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો પ્રચાર ચાલુ થયો ત્યારે અમિત શાહે કૈરાનામાં રોડ શો કરીને પલાયન કરી ગયેલા હિન્દુઓના ઘા તાજા કરવાની કોશિશ કરી હતી, પણ તે મુદ્દો જૂનો થઈ ગયો હોવાથી તેની બહુ અસર થઈ નહોતી. હવે તેમને હિજબનો તાજો મુદ્દો મળી ગયો છે. જો કે કર્ણાટકના વિવાદને કારણે ઉત્તર પ્રદેશમાં કેટલા હિન્દુ મતો મળશે, તેની તેમને પણ  ખબર નથી. લાગ્યું તો તીર, નહીં તો તુક્કોની જેમ તેઓ વિવાદ ચગાવી રહ્યા છે. પરિણામ મતપેટીમાં જોવા મળશે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top