સુરત (Surat) : ભારતના હીરા ઉદ્યોગમાં (Indian Diamond Industry) પહેલીવાર એવો નિર્ણય લેવાયો છે જેના લીધે સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી આવેલા આ સમાચારના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં મંગળવારે રાત્રે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ નિર્ણયના લીધે શું દિવાળીનું વેકેશન લંબાશે?, લાંબા સમય સુધી કારખાના અને બંજાર બંધ રહેશે?, રત્નકલાકારોની બેરોજગારી વધશે તેવા તરેહ તરેહના પ્રશ્નો ચર્ચાવા લાગ્યા હતા.
મુંબઈમાં ભારતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 સંગઠનોએ 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી નેચરલ રફ ડાયમંડની આયાત સ્વૈચ્છીક રીતે બંધ (Natural Diamond Import Ban) કરવાની જાહેરાત કરતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણયને ભારતના હીરા ઉદ્યોગનો સૌથી કપરો અને ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યોં છે. જેમાં વિશ્વની તમામ માઇનિંગ કંપનીઓને ઈમેલ મોકલી જાણ કરાઈ ભારતની ડાયમંડ કંપનીઓ લાંબો સમય નુકસાન વેઠી શકે નહીં, માટે સહયોગ કરો એવી જાણ કરવામાં આવી છે.
બીજી તરફ આ નિર્ણયની જાણ રત્નકલાકારોનાં સંગઠનો સુધી પહોંચતા તેમણે સવાલો ઊભા કર્યા છે કે વર્ષ 2008ની વૈશ્વિક મંદી અને કોવિડ કાળમાં 2020માં રફ ડાયમંડના ઇમ્પોર્ટને સામાન્ય અસર થઈ હતી. જેમાં માઇનિંગ કંપનીઓએ સાઇટ હોલ્ડરોને રફની ખરીદી નહીં કરવાની છૂટ આપી હતી. હવે એવું તે શું થયું કે ઇમ્પોર્ટ બેન્ડ કરવામાં આવી રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહ, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી (પટેલ), ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતા, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશનનાં પ્રમુખ ભરત શાહ, અને સુરત ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ જગદીશ ખુંટએ સંયુક્ત રીતે બે પાનાંનો સભ્યોને પત્ર લખી જાણ કરી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આપણા ઉદ્યોગમાં વર્તમાન પુરવઠાની માંગની ગતિશીલતા વિશે તમને અપડેટ કરવા માટે અમે આજે તમને સંબોધિત કરીએ છીએ. અમે હાલનાં બજારના પડકારોથી સારી રીતે વાકેફ છીએ અને પડકારોનો સામનો કરવાના અમારા સંકલ્પમાં વિશ્વાસ રાખીએ છીએ.
બધા જાણે છે તેમ, યુએસએ અને ચીન જેવા મોટા ઉપભોક્તા અર્થતંત્રોમાંથી છૂટક પોલિશ્ડ હીરા અને જ્વેલરીની માંગ છેલ્લા ઘણા ક્વાર્ટરમાં ખૂબ ઘટી છે. 2021 અને 2022ની તુલના એ 2023 નાં ઓર્ડરમાં દેખીતી મંદી જણાઈ રહી છે. પરિણામે, ભારતની નિકાસમાં જાન્યુઆરીથી ઓગસ્ટના સમયગાળામાં 25%નો ઘટાડો થયો છે, જે સપ્ટેમ્બર મહિનામાં પણ સમાન વલણ ધરાવે છે.
આવા પરિબળોને લીધે, છેલ્લા કેટલાક મહિનામાં પોલિશ્ડ હીરાનાં માલમાં ભરાવો થયો છે. પુરવઠા સામે માંગ ઓછી છે. GJEPC અન્ય તમામ વેપારી સંસ્થાઓ, સરકારની મદદથી નોંધપાત્ર બજારોમાં માંગને પુનઃજીવિત કરવા માટે સમર્પિત છે. ભારતની નેચરલ ડાયમંડ કાઉન્સિલ, રફ ડાયમંડ માઇનિંગ કંપનીઓ અને યુએસએમાં સમાન વિચારધારા ધરાવતી સંસ્થાઓ હકારાત્મક જાગૃતિ લાવવા પ્રયાસો કરી રહી છે. GJEPC, વિયેતનામ, કંબોડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ અને અન્ય જેવા વૈકલ્પિક બજારોની પણ શોધમાં છે.
ડાયમંડ માઇનિંગ કંપનીઓ બજારની અને માંગની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આવું કરે છે
પાંચે સંસ્થાઓના આગેવાનોએ પોતાના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે પુરવઠાના પરિપ્રેક્ષ્યમાં અમે જોયું છે કે ડાયમંડ માઇનિંગ કંપનીઓ નિયમિતપણે ખનન કરવામાં આવતા રફ હીરાનું વેચાણ કરી રહી છે પણ તેઓ બજારની સ્થિતિ અને માંગની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આવું કરી રહી છે.
તેઓ માને છે કે મિડસ્ટ્રીમ પાઇપલાઇનનો પરિપક્વ સેગમેન્ટ છે અને જો વાસ્તવિક માંગ હશે તો જ તેઓ રફ હીરાની ખરીદી કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ રફ હીરાની માંગને માપવા માટે મધ્યપ્રવાહ પર આધાર રાખે છે અને પુરવઠાના અનુરૂપ સ્તરો સાથે પ્રતિસાદ આપવામાં ખુશ છે. રફના સતત ઉત્પાદનથી વાકેફ થઈ અમે પહેલેથી જ તમામ મુખ્ય ડાયમંડ માઇનિંગ કંપનીઓ સુધી પહોંચી ગયા છીએ. તેમની સાથે વર્તમાન ટૂંકા ગાળાના પડકારો શેર કરી રહ્યાં છે. તેઓને ઓફરમાં સમજદાર અને જવાબદાર અભિગમ સાથે ઉદ્યોગને ટેકો આપવા વિનંતી કરી છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને, અમારા દ્વારા તમામ સંબંધિતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉદ્યોગના વ્યાપક હિતમાં આ અપીલને ધ્યાનમાં લે અને સ્વેચ્છાએ આ નિર્દિષ્ટ સમયગાળા માટે ભારતમાં રફ હીરાની આયાત કરવાનું બંધ કરે. આ પગલાં લીધા પછી, અમને કોઈ શંકા નથી કે અમે આ પડકારજનક સમયમાં પહેલા કરતાં વધુ મજબૂત થઈશું, આપણે ભારતીય હીરા ઉદ્યોગના સામૂહિક હિતમાં સાથે મળીને કાર્ય કરીએ જેથી કરીને આપણે વિશ્વાસપૂર્વક આગળની સારી સીઝન તરફ આગળ વધી શકીએ.
મુંબઈમાં ટૂંકી નોટિસથી બોલાવવામાં આવેલી બેઠકમાં 100 ડાયમંડ કંપનીઓના માલિકો, આયાતકારો અને નિકાસકારો નિર્ણયમાં સહમત થયાં
હીરા ઉદ્યોગની 5 મોટી સંસ્થાઓના આગેવાનોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે, આજે 100 થી વધુ ડાયમંડ કટિંગ-પોલીશીંગ કંપનીઓના માલિકો, વેપારીઓ, આયાતકારો અને નિકાસકારો અને મુંબઈ અને સુરતના વેપારી સંગઠનોના પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. તેમણે બજારની વર્તમાન સ્થિતિ મુજબ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેઓ દ્વારા પરિસ્થિતિની ફરી એકવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ જૂથનો સર્વસંમતિથી અભિપ્રાય હતો કે ઉદ્યોગના હિતની સુરક્ષા માટે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોના હિત માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સભ્યોને 15મી ઑક્ટોબરથી 15મી ડિસેમ્બર 2023 સુધી રફ હીરાની આયાત અટકાવવાની સલાહ આપવામાં આવી હતી.
એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે રફ હીરાની આયાત અટકાવવાથી ઉદ્યોગને માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ મળશે, જેનાથી અસ્કયામતોના મૂલ્યનું રક્ષણ થશે અને ગ્રાહક વિશ્વાસ વધારો.
બીજી સમીક્ષા બેઠક ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં ફરી યોજાશે
આગેવાનોએ જણાવ્યું હતું કે, અત્યારે જે નિર્ણય લીધો એની સમીક્ષા માટે ડિસેમ્બર, 2023 ના પહેલા અઠવાડિયામાં પરિસ્થિતિની ફરી સમીક્ષા કરવાનો અને પછી ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અપીલનો હેતુ માત્ર રફ હીરાની આયાતને સ્વૈચ્છિક રીતે રોકવાનો છે, જ્યારે હીરાના ઉત્પાદન કરતી ફેક્ટરીઓને કોઈપણ વિક્ષેપ વિના તેમની કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપે છે.
વધુમાં, અમે આ સમયગાળા દરમિયાન કારીગરોને ટેકો આપવા માટે પગલાં લેવા વિનંતી કરીએ છીએ, જેથી તેમની આજીવિકા પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય તેની ખાતરી કરી શકાય. GJEPC ના ડેટા અનુસાર ભારતની રફ-હીરાની આયાત વાર્ષિક ધોરણે 3% ઘટીને ઓગસ્ટમાં $1.32 બિલિયન થઈ છે, જ્યારે વોલ્યુમ 14% ઘટીને 12 મિલિયન કેરેટ થઈ ગયું છે.