Charchapatra

ગુજરાતના તમામ રાજ્ય ધોરી માર્ગની બિસ્માર હાલત માટે જવાબદાર કોણ?

આજે ગુજરાત રાજ્યમાં કોઈપણ નાગરિકને જાહેર કે માલિકીના વાહનોથી રાજ્યના કોઈપણ રાજ્ય ધોરી માર્ગ પરથી જવું હોય ત્યારે નાગરિકોને ખુબ જ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગો પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો પોતાનું સમતોલન ખોઈ બેસતા હોવાના કારણે પોતાનું જીવ ગુમાવી દેતા હોય છે. અતિશય વરસાદ પડવાના કારણે માર્ગોની હાલત ખુબ જ ખસ્તા હાલમાં જોવા મળી રહી છે. ત્યારે રાજ્યનું માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ માર્ગોની દુરસ્તી માટે કોઇ પણ રીતે યોગ્ય અને સચોટ કાર્યવાહી કરતા ન હોવાને કારણે બિસ્માર માર્ગોના લીધે નાગરિકોને મોટા પાયે હાડમારીનો સામનો કર કરવો પડતો હોવાનું જણાઈ આવે છે.

દરેક નાગરિક રોડ ટેક્સ સરકારશ્રી ભરતો હોય ત્યારે તેને તેના વળતર સ્વરૂપે આવા બિસ્માર માર્ગો પરથી પસાર થવું પડે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? આવા ખખડધજ માર્ગો પરથી પોતાના અત્યંત મોંઘા ફોર વિહિલર વાહનોને આર્થિક નુકશાન થાય ત્યારે તેના ખર્ચ માટે સરકાર જવાબદારી લેશે ખરી? ચોમાસા અગાઉ આ વિભાગ કેમ માર્ગોના સમારકામ અર્થે યોગ્ય કામગીરી બાબતે પગલા ભરતી નથી? જાગૃત સંસ્થાઓ અને વિવિધ એનજીઓ દ્વારા રજૂઆતો છતાંય આ બિસ્માર માર્ગોની મરામત કરવામાં ન આવતા રાજ્ય ધોરી માર્ગ પર જીવલેણ અકસ્માતોની વણઝાર બંધ થવાનું નામ લેતી નથી.
વડોદરા   – રાજેશ ગોડિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

બેરોજગારી એ ગુન્હાખોરી વધારી છે
સુરત શહેરમાં હિરા-કાપડ અને બીજા અન્ય ક્ષેત્રોમાં આર્થિક મંદીના પરિણામે મોટી સંખ્યામાં રત્નકલાકારો અને કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા આ સમાચારો નિરંતર સાંભળવા અને દૈનિક ન્યૂઝ પેપરમાં વાંચવા મળે છે. જેના વિપરીત પરિણામની અસર હેઠળ રત્નકલાકારો અમે ભણેલા ગ્રેજ્યુએટ વ્યક્તિઓ પણ પરિવારની જવાબદારીની મજબૂરી નિભાવવા ગુન્હાખોરી અમે ગેરકાયદેસર કાર્યો કરી રહ્યા છે જેની અનેક ઘટનાઓ બની રહી છે. ઉદાહરણ સ્વરૂપે તાજેતરમાં જ વરાછાનો રત્નકલાકાર અફીણ સાથે ઝડપાયો હતો. ટુંકમાં વધી રહેલી બેકારી ગુન્હાખોરી વધારી રહી છે. જે સુરત શહેરની જનતા માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે.
મોટામંદિર, સુરત     – રાજુરાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top