Comments

શિક્ષણનું સ્વરૂપ અને ઉપલબ્ધિઓનું શહેરીકરણ કયાં પહોંચાડશે?

ગુજરાત રાજ્યના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૦માં લેવાયેલ ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨નાં પરિણામોની જાહેરાત થઈ છે. રાજ્યમાં ૭૩૭ પરીક્ષા કેન્દ્રો ઉપરથી લેવાયેલ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર ૮,૬૫,૫૬૪ વિદ્યાર્થીઓમાંથી ૫,૨૬,૩૦૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. ૨૮૦ ગેરરીતિઓના કિસ્સાઓ વચ્ચે પણ ૬૦.૮૧% વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે. ૯૮ કેન્દ્રો ઉપરથી લેવાયેલ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૦,૬૮૩ વિદ્યાર્થીઓએ ઝુકાવેલું. તે પૈકી ૬૮,૧૪૭ વિદ્યાર્થીઓ બારમું પાર ઊતર્યાં છે.

મા-બાપ અને કુટુંબના આગ્રહને વશ ડૉકટર કે ઈજનેર થવાના કોડ સાથે વહેલી સવારે પાંચ વાગ્યાથી ટયુશન, શાળા, પ્રેકટિકલ અને ગૃહકાર્યમાં રાત્રે ૧૧ વાગ્યા સુધી ચોપડીઓ નીચે દબાયેલાં રહેતાં વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થીઓમાંથી ૨૨,૫૩૬ વિદ્યાર્થીઓએ નિષ્ફળતાનું મુખ જોવું પડ્યું છે. સરવાળે પોતે મા-બાપની અપેક્ષામાં ઊણાં ઊતર્યાં છે. તેમનું સ્વપ્ન સાકાર કરવામાં નિષ્ફળ ગયાં છે તેવું માનતાં ૭ વિદ્યાર્થીઓએ છેલ્લા દોઢ માસમાં પોતાનાં જીવનની દોરી જ કાપી નાખી છે.
રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ – ૧૨નાં પરિણામો જોતાં જણાય છે કે વાલીઓ પોતાની અધૂરી આકાંક્ષાઓનું દર્શન પોતાનાં યુવાન સંતાનોમાં ઉતારી તેની મુગ્ધાવસ્થાની લાગણીઓને ઉશ્કેરીને દિવાસ્વપ્ન બતાવે છે અને સરવાળે અનુકૂળ પરિણામ ન આવતાં સંતાન નિરાશાની ગર્તામાં ઊતરી જાય છે.

આ સ્થિતિને નિવારવા તમામ જાગ્રત મા-બાપે બાળકની ક્ષમતા અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પછીના ખર્ચની તૈયારીનો અંદાજ પહેલેથી જ મેળવવો જોઈએ. મા-બાપ વિવેક ચૂકી જાય છે ત્યારે સરવાળે સંતાનોને સહેવું પડે છે. આવી સામાજિક અસંતુલનની સ્થિતિનું ઉદાહરણ ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના પરિણામમાંથી મળે છે. બીજી તરફ, રાજ્ય શિક્ષણ બોર્ડનાં પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યનાં શિક્ષણવિદોએ ગુજરાત રાજ્યનાં ધોરણ-૧૦ અને ૧૨નાં તાજેતરનાં પરિણામો જોવાની અને તેનું સામુહિક ચિંતન કરવાની આવશ્યકતા જણાય છે.

પ્રથમ બાબત શિક્ષણ સાથે નિસ્બત ધરાવતા યુવકોની સંખ્યાલક્ષી છે. વર્ષ ૨૦૧૦માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં કુલ ૩૦, ૬૯, ૮૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા સુધી પહોંચ્યાં છે. રાજ્યમાં ૨.૫થી ૪ ટકાના દરે વસ્તી વધી છે. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીની ઝુંબેશ વ્યાપક બનાવી પ્રાથમિક શિક્ષણને રાજ્યના વિકાસના અગ્ર એજંડામાં રાખવામાં આવતું હોવા છતાં, ગુજરાતની કુલ વસ્તીના ૫.૫ ટકા યુવકો જ ઉચ્ચ શિક્ષણ તરફ જાય છે. ઘટનાથી તંત્રે જાગવાની જરૂર છે.
બીજી બાબત ઉચ્ચ શિક્ષણનાં પરિણામો અને શહેરીકરણ સંબંધે છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના પાઠયક્રમોમાં પસંદ થતી વિષયવસ્તુ, ઉપયોગમાં લેવાતી ભાષાનું સ્વરૂપ અને પરીક્ષા પદ્ધતિ એ પ્રકારે ગોઠવાયા છે કે ધોરણ – ૧૦નાં ટોપ ટેનમાં આવતાં ૫૬ પરીક્ષાર્થીઓમાંથી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચ મહાનગરપાલિકાઓનાં ૩૦ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે બાકીનાં આણંદ, જૂનાગઢ, પાટણ, સુરેન્દ્રનગર, જેવી નગરપાલિકાઓમાંથી ઝળકયાં છે. આમ ઈજનેરી, ડૉકટરી કે ઔદ્યોગિક વ્યવસ્થાપન જેવાં આશાસ્પદ ક્ષેત્રો હાંસલ કરવામાં માત્ર શહેરી ક્ષેત્રનાં વિદ્યાર્થીઓને સ્થાન મળી રહ્યાં છે. જ્યારે બિનશહેરી વિસ્તારોને શિક્ષણના આ માળખામાં જગ્યા મળતી નથી.

ત્રીજી બાબત વિદ્યાર્થીઓની ગુણવત્તા અને તેમના શહેરી ઉછેરને સંબંધકર્તા છે. માર્ચ ૨૦૧૦ના માધ્યમિક વિભાગનાં પરિણામોની જિલ્લાવાર સ્થિતિ જોતાં અહીં ફરી ફરી એ સ્થિતિ જોવા મળે છે કે ગુજરાતનાં તાલુકા મથકોનાં અને તેની નીચેનાં ગામડાંઓનાં બાળકો, શિક્ષકો, શાળાઓ અને પરીક્ષાલક્ષી તૈયારીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનાં માળખાની રચનાને અનુરૂપ (ફીટ)નથી.

પંચવર્ષીય યોજના પછી ભારત સરકારનો વિકાસલક્ષી અભિગમ ગ્રામલક્ષી બનતો જોવા મળ્યો છે. આ બાબત રાષ્ટ્રમાં નિર્મિત હરિયાળી ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના ચાર દાયકાની તુલનાથી પણ સ્પષ્ટ થઈ છે. ગુજરાત રાજ્યનાં માળખાગત વિકાસ તેમજ રોજગારીની તકો અંગેના રાજ્ય સરકારના અભ્યાસોમાં પણ નિશ્ચિત થયું છે કે શહેરો કરતાં ગામડાંઓનાં લોકોને વધુ સ્થિર સામાજિક જીવન આપી શકે છે. ત્યારે વિકસતા સમાજ માટે શિક્ષણ એ એક અસરકારક ઉપાય બન્યો છે. આમ વિચારની દિશા સાચી છે. છતાં, શિક્ષણનું સ્વરૂપ નહીં બદલાય અને તેની ઉપલબ્ધિનું શહેરીકરણ થતું રહેશે તો પરિણામો એકાંગી બની જશે.

તાજેતરનાં પરિણામો ઉપરથી જણાય છે કે વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ ગંભીરતાથી અભ્યાસ કરી ૭૯ ટકાથી વધુ પરિણામ લાવીને બતાવી આપ્યું છે કે ગુજરાતના ભવિષ્યની એક લગામ નિશ્ચિત રીતે બહેનો પાસે રહેશે. સવિશેષ જ્યાં વિજ્ઞાન પ્રવાહનાં કેન્દ્રો ઉપર નબળું પરિણામ આવ્યું છે, તે જ કેન્દ્રો ઉપર સામાન્ય પ્રવાહનું પરિણામ આશાસ્પદ જણાય છે. કૃષિ, યાંત્રિક અને ગૃહવિજ્ઞાન જૂથમાં પણ ગુજરાતનાં ધોરણ-૧૨ના યુવકોએ સંતોષકારી પ્રભાવ પાડ્યો છે ત્યારે શિક્ષણમાં સ્પેશ્યલાઈઝેશનની ગુંજાઈશ પ્રાથમિક વિભાગથી અમલી કરવા તેમજ ટૂંકા ગાળાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોને પ્રચલિત કરવા વિચારવું જોઈએ.

આમ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનાં વિશ્લેષણથી ઊપસી આવતાં ચિત્રો અંગે વાલીઓ વિચારે તો ગુજરાતનાં વિદ્યાર્થીનું ભવિષ્ય બિનજરૂરી આશાઓ વચ્ચે રહેંસાઈ જતું અટકશે. શિક્ષણ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તજજ્ઞો અને પદાધિકારીઓ પણ વિચારે અને શિક્ષણ એટલે શહેરીકરણ તેવી સ્થિતિનું વિચ્છેદન કરવા પોતાનાં મંતવ્યો જણાવે તો રાજ્યમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ નિશ્ચિત અને ન્યાયી બની રહેશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top