Dakshin Gujarat

બારડોલીનાં આપના ઉમેદવાર પાસે 20 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા?

બારડોલી: બારડોલી(Bardoli)માં પોલીસ મથકની સામેથી જ કાર(Car)નો કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી બેગ(Bag)ની ચીલઝડપ બાદ યુવકે પીછો કરતાં મોટરસાઇકલ પર જતાં ચોર પકડાઈ જવાની બીકે બેગ દોઢ કિમી દૂર ફેંકીને નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસે આમ આદમી પાર્ટી(AAP)ના બારડોલીના ઉમેદવારની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ઇન્કમટેક્સ વિભાગ(IT) પણ જોડાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  • બારડોલીમાં કારમાંથી 20 લાખ ઉઠાંતરીના પ્રયાસના મામલે આઇટી વિભાગ તપાસમાં જોડાયો
  • આમ આદમી પાર્ટીની રકમ હોવાની હકીકત સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ

બુધવારની સાંજે બારડોલીના પોલીસમથક બહાર ઊભેલી કારના કાચ તોડી બાઈકસવાર બે ગઠિયાઓ રોકડા રૂપિયા ભરેલી બેગ ચોરીને ભાગી ગયા હતા. પરંતુ બારડોલીના યુવકે પીછો કરતાં બાઇકસવાર શખ્સો બેગ ફેંકીને ભાગી ગયા હતા. આ પ્રકરણમાં બારડોલી પોલીસમથકમાં જમા કરાવેલી બેગમાંથી મળી આવેલા રોકડા રૂ.20 લાખ મળી આવ્યા હતા. કારચાલકની પૂછપરછમાં રકમ બારડોલી વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની હોવાનું બહાર આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને કોને મોકલી એ તપાસનો વિષય હોય પોલીસે આવક વેરા વિભાગને જાણ કરી હતી. આવક વેરા વિભાગની ટીમ પણ આ તપાસમાં જોતરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ રકમ કડોદરા મુકામે બે દિવસ પહેલાં યોજાયેલી જાહેર સભાના આયોજનનાં વિવિધ ચૂકવણાં માટે આંગડિયા મારફતે બારડોલી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા આ મામલે આંગડિયા પેઢીના સંચાલકની પણ પૂછપરછ કરી છે. આટલી મોટી રકમ આંગડિયા દ્વારા કોણે, કોને અને શા માટે મોકલી તે પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના વકીલ પણ સુરતથી બારડોલી આવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બારડોલીની આંગડિયા પેઢી મારફતે અમદાવાદથી રૂપિયા મોકલાયા હતા
બારડોલીની એક આંગડિયા પેઢી મારફતે અમદાવાદથી આ રૂપિયા મોકલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. કારમાંથી ચોરીના પ્રયાસની 20 લાખ રૂપિયા ઉપરાંત અગાઉ 21 લાખ રૂપિયા મળી કુલ 41 લાખ રૂપિયા બારડોલી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ તપાસ ચાલી રહી હોવાથી પોલીસ અધિકારીઓ પણ આ મુદ્દે બોલવા તૈયાર નથી.

પોલીસે માહિતી આપવામાં ગલ્લાતલ્લા કર્યા
તપાસ અધિકારી PSI રાઠોડને ફોન કરતાં તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. આ ઉપરાંત મોડી સાંજ સુધી મીડિયાને માહિતી આપવામાં પોલીસે રાહ જોવડાવ્યા બાદ પણ સમગ્ર મામલે વિગતો આપવામાં પોલીસે ગલ્લાતલ્લા કર્યા હતા. જેને કારણે બારડોલી પોલીસ આ મામલે ભીનું સંકેલવાની ફિરાકમાં હોવાનું લાગી રહ્યું છે.

Most Popular

To Top