Sports

IPLમાં કઈ ટીમનું પ્રદર્શન કેવું રહ્યું : મુંબઈ ઈન્ડિયન્સની સૌથી વધુ જીત છતાં વિજયની ટકાવારીમાં ટોચ પર ચેન્નાઇ સુપર કિંગ્સ

IPL 2023 તમે આ વાંચતા હશો તે દિવસથી શરૂ થઇ રહી છે. 2023ની સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચેન્નાઈ અને ગુજરાત ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 10 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આજે અમે તમને અહીં એ જણાવીશું કે અત્યાર સુધી રમાયેલી ટૂર્નામેન્ટમાં કઇ ટીમે કેટલી મેચ જીતી અને હારી છે.

મુંબઈ ઈન્ડિયન્સ : 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ છે. મુંબઈને 231 મેચમાં 129 જીત અને 98 હાર મળી છે. ચાર મેચ ટાઈ રહી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ IPLમાં 209 મેચ રમી છે. આમાં તેણે 121માં જીત મેળવી છે અને 86માં હારનો સામનો કરવો પડ્યો છે. એક કરતાં વધુ સિઝન રમનારી ટીમોમાં CSKની જીતની સૌથી વધુ 58.41 ટકાવારી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ : કોલકાતા નાઈટ રાઈડર્સે 223 મેચ રમી છે અને 113 મેચ જીતી છે. ટીમ 106 મેચમાં હારી છે. તેની ચાર મેચ ટાઈ પણ રહી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી આ ટીમે 227 મેચ રમી છે. તેને 107 જીત અને 113 હાર મળી છે. ટીમની ત્રણ મેચ ટાઈ રહી હતી અને 4 અનિર્ણિત રહી હતી.

દિલ્હી કેપિટલ્સ : દિલ્હી કેપિટલ્સે 224 મેચમાં 100 જીત મેળવી છે. IPLમાં સૌથી વધુ 118 મેચ હારવાનો રેકોર્ડ દિલ્હીના નામે છે. તેની 4 મેચ ટાઈ રહી હતી અને 2 અનિર્ણિત રહી હતી.
પંજાબ કિંગ્સ : હજુ પણ પહેલી ટ્રોફીની રાહ જોઈ રહેલી પ્રીતિ ઝિન્ટાની માલિકી હેઠળની પંજાબ કિંગ્સે 218 મેચમાં 98 જીત અને 116 હાર મેળવી છે. તેની ચાર મેચ ટાઈ રહી હતી.

રાજસ્થાન રોયલ્સ : પ્રથમ સિઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં 192 મેચ રમી છે. ટીમને 94 જીત અને 93 હાર મળી છે. તેની ત્રણ મેચ ટાઈ રહી હતી અને બે અનિર્ણિત રહી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કરનાર સનરાઈઝર્સ હૈદરાબાદે 152માંથી 74 મેચ જીતી છે. તે આટલી જ મેચોમાં હારી પણ છે. તેની ચાર મેચ ટાઈ રહી હતી.

ગુજરાત ટાઇટન્સ : હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ, જેણે તેની પ્રથમ સિઝનમાં ટ્રોફી જીતી હતી, તેની 16 મેચમાં 12 જીત અને 4 હાર છે. આ ટીમે ગયા વર્ષે રાજસ્થાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
લખનૌ સુપર જાયન્ટ્સ : લખનૌ સુપર જાયન્ટ્સે પણ ગુજરાત ટાઇટન્સની જેમ ગત સિઝનમાં જ ડેબ્યુ કર્યું હતું. ટીમને તેની 15 મેચમાં 9 જીત અને 6 હાર મળી છે.

Most Popular

To Top