SURAT

દિવ્યાંગ બાળક જન્મતા પિતાએ નદીમાં ફેંકી દીધું, સુરતની ઘટના

સુરત: સુરતના વરિયાવ ગામમાં તાપી નદીમાંથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ખોડખાંપણવાળું દિવ્યાંગ બાળક જન્મતા માતા-પિતાએ જ તે બાળકને તાપી નદીમાં ફેંકી દીધું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરિયાવ ગામમાં આવેલા એસએમસી વોટર પ્લાન્ટ નજીક તાપી નદી કિનારેથી એક નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. વોટર પ્લાન્ટમાં રહેતા પ્રભાત નિનામાએ આ બાળકની લાશ ગઈ તા. 7મી માર્ચે તાપી કિનારે જોઈ હતી. તેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોસ્ટમોર્ટમમાં એવો ખુલાસો થયો હતો કે મૃત બાળક ખોડખાંપણવાળું હતું. તે લગભગ 20 દિવસ પહેલાં જન્મ્યું હતું. તેને નદીમાં ફેંકી દેવાયું છે અથવા પાણીમાં ડુબાડી મોત નિપજાવી તેની લાશ ફેંકી દેવાઈ છે. આ રિપોર્ટના આધારે સિંગણપોર પોલીસે અજાણ્યા માતા પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી બાળકને ત્યજી દેનાર માતા પિતાને શોધવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

વલસાડમાં નવજાત શિશુને તરછોડી સગીર માતા ભાગી ગઈ
વાપી : ગયા અઠવાડિયે વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં (Hospital) વાપીની (Vapi) સગીર વયે બનેલી માતા તેના નવજાત શિશુને સારવાર માટે લઈને આવી હતી. બાળકને શ્વાસની તકલીફ વધતા તેને કાચની પેટીમાં અને ત્યારબાદ વેન્ટિલેટર પર મૂક્યુ હતું. જે અંગેની જાણ માતાને તબીબોએ કરી હતી. શિશુનું મોત (Death) નિપજ્યા બાદ તબીબોએ માતાની શોધખોળ કરતા મળી ન હતી અને સરનામું તથા ફોન નંબર પણ ખોટા હોવાનું નીકળતા બનાવ અંગેની ફરિયાદ પોલીસ મથકે કરવામાં આવી હતી. જેમાં વાપી ઉદ્યોગનગર પોલીસે સગીર માતા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપીની સરકારી હોસ્પિટલમાં એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને શ્વાસની તકલીફ હોય વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળકને શ્વાસની તકલીફ વધતા વેન્ટિલેટર પર મૂકયું હતું. જે અંગેની જાણ માતાને કરી હતી. શિશુનું મોત નિપજ્યા બાદ તબીબોએ તેની સગીર માતા અને તેની સાથે આવેલી નાનીની શોધખોળ કરતા બંને મળ્યા ન હતાં. રજીસ્ટરમાં લખાવેલો નંબર પણ બંધ આવતો હતો અને વાપી સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા સરનામું પણ ખોટું હોવાનું જણાયું હતું. આ બાબતે વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબે પોલીસ મથકે જાણ કરી હતી અને ઈરાદાપૂર્વક નવજાત શિશુના મૃતદેહને ત્યજી જનાર સગીર માતા સામે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top