Charchapatra

બ્રિટનમાં સત્તા-પરિવર્તન  શું સૂચવે છે?

હમણાં થોડા દિવસ પર બ્રિટનના પ્રધાનમંત્રી લીઝ ટ્રસના રાજીનામું આપવાના બનાવથી ખરેખર આશ્ચર્ય થયું કારણ કે આપણા દેશમાં એક સમયના રેલ્વે પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ રેલ દુર્ઘટનામાં થયેલ જાનહાનિને કારણે મંત્રીપદેથી રાજીનામું આપેલ (જેમાં તેઓ સીધા જવાબદાર નહોતા) એ એક અપવાદ સિવાય અન્ય કોઇ પણ પક્ષના નેતા કે મંત્રીએ એમના કોઇ ખોટા નિર્ણય કે ખાતાની ભૂલને કારણે સત્તા છોડવાનો નિર્ણય લીધો હોય એવું જોવા કે સાંભળવા નથી મળ્યું. એક સમયે જે અંગ્રેજો દુનિયા પર રાજ કરતા હતા એ અંગ્રેજોનો દેશ આજે આર્થિક મુસીબતોનો સામનો કરી રહ્યો છે અને એ આર્થિક મુસીબતોના પરિણામે એક સમયના અત્યંત શક્તિશાળી અને શિસ્તના આગ્રહી ગણાતા એવા બ્રિટનમાં એમના પ્રધાનમંત્રી લીઝ ટ્રસે સત્તા ગ્રહણ કર્યા પછીના અત્યંત ટૂંકા કાર્યકાળ દરમિયાન લાગુ કરેલ આર્થિક નીતિ દેશહિતમાં યોગ્ય ન લાગતાં એમના જ પ્રધાનમંડળના અમુક સભ્યોએ આપેલ રાજીનામાં અને પક્ષના સભ્યો દ્વારા આર્થિક નીતિ અંગે શરૂ થયેલ વિરોધને કારણે એમની પીસ્તાળીસ દિવસની ટૂંકી અવધિમાં એમણે પ્રધાનમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું.

આ ઘટનાને આપણા લોકશાહીને (ટોળાશાહીને) વરેલ દેશની ઘટનાઓ સાથે સાંકળીએ તો આપણા દેશમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારના નોટબંધી જેવા અમુક આર્થિક નિર્ણયોને કારણે સામાન્ય પ્રજાએ ન ધારેલી કે કલ્પેલી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને એ પરિસ્થિતિમાં વેપાર-ધંધામાં મુશ્કેલી ઊભી થતાં અસંખ્ય લોકોના ધંધાને નુકસાન થયું અને ઘણાં લોકો બેકાર થયાં પરંતુ એને કારણે સત્તાધારી પક્ષને કે એની નેતાગીરીને કોઇ આંચ આવી નથી. એમની સત્તા કોઇ પણ જાતની તકલીફ વિના સલામત જ નથી રહી પરંતુ એમને પાર્ટીના પદાધિકારીઓ/સભ્યો દ્વારા મળતા સાથ અને સહકારમાં પણ કોઇ કમી નથી આવી. પરંતુ તાજેતરના લીઝ ટ્રસે આપેલ રાજીનામાના બનાવ પરથી એવું લાગે છે કે અંગ્રેજો ભલે આર્થિક રીતે નબળા પડ્યા હોય તો પણ કાવાદાવાથી કે અન્ય કોઇ પણ પ્રકારે સત્તા ટકાવી રાખવાનું એ લોકો ન સ્વીકારે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પેન્શન પર આવકવેરો શા માટે?
સિનિયર સિટિઝનને મળતી પેન્શનની આવકને આવકવેરામાંથી મુકિત આપવાની માંગણી પેન્શનરો છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યાં છે. વર્ષો સુધી રાષ્ટ્રની સેવા કરનારને નિવૃત્તિ બાદનું જીવન સુચારુ રીતે ચાલી શકે તે માટે પેન્શન આપવામાં આવે છે. આવી પેન્શનની આવક ઉપર આવકવેરો નાંખવો કેટલા અંશે યોગ્ય અને વ્યાજબી ગણાય? પેન્શન એ નોકરી કે સેવા કરવા બદલ થતી આવક નથી. સંસદસભ્ય અને ધારાસભ્યના પેન્શન કરવેરાપાત્ર નથી તો પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને મળતા પેન્શનને શા માટે ઇન્કમટેક્ષ ભરવા પાત્ર બનાવ્યું છે? સરકારે આ હકીકતને લક્ષમાં લઇ યોગ્ય ઘટતું કરી પેન્શનને આવકવેરામાંથી મુકત કરવું જોઇએ.
પાલનપુર                 – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top