Columns

જરા ધીમા પડો

જીવનમા પહેલી વાર એવું બન્યું કે નિહારે સોમવારની રજા રાખી. સામાન્ય રીતે નિહાર એટલો બધો ‘Work Conscious’અને મહેનતુ કે કોઈ ‘વર્કિંગ ડે’ના દિવસે કામ ન કરે તૌ તેને ગમતું નહિ અપરાધભાવ થતો . એમાંય સોમવારે તો તે ક્યારેય એબસન્ટ ન રહે. કારણકે તેને સોમવાર ખાસ ગમતો કારણ કે તેને તેનું કામ બહુ ગમતું હતું. જ્યારે તેના મિત્રો કહેતા કે સોમવાર ગમતો નથી.ફરી કામ પર જવું પડશે.તો નિહાર હસીને કહેતો,દોસ્ત, તો તારું કામ તને ગમતું નથી.કામ બદલ…મનગમતું કામ હશે તો મારી જેમ સોમવારની રાહ જોઈશ. પણ આવું માનનાર નિહારે આ વખતે સોમવારે કામ પર ન જવાનું નક્કી કર્યું.

આટલાં વર્ષ દરમ્યાન તેણે પહેલી વાર સોમવારે રજા પાડી. કારણ હતું તેની દીકરીનો જન્મદિવસ, જે નિહારને માત્ર દીકરી અને ફેમિલી સાથે વિતાવવો હતો. દીકરીની બધી ફરમાઈશ પૂરી કરવી હતી. અને હંમેશા બિઝી રહેતા નિહાર પાસે દીકરીએ ગિફ્ટમાં માગ્યો હતો આખો દિવસ. નિહારે રજા ષાડી. ફોન Switched off કરી દીધો અને લેપટોપ પણ બંધ. અને દીકરી માટે જાતે પત્ની સાથે મળી કેક બનાવી….ડેકોરેશન કર્યું……દીકરીએ ખુશ થઈને લવ યુ પાપા કહ્યું….અને નિહારને ક્યારેય અનુભવી ન હતી એટલી ખુશી મળી. પણ બધા આ ખુશી અનુભવી શકતા નથી. એવાં કેટલાંય લોકો છે, જેઓ રજા પાડતા જ નથી. કામ… કામ… પાછળ આંખ બંધ કરી…બધું ભૂલીને દોડતા રહે છે.

કદાચ મનમાં ડર છે કે જો થોડા દિવસ રજા પર ઊતરી જઈશું કે આરામ કરી લઈશું તો ધીમે ધીમે આપણી ઉપયોગિતા સમાપ્ત થઈ જશે.કોઈ અન્ય આપણું સ્થાન લઇ લેશે એટલે વિરામ નથી લેતા. દોડ્યા જ કરે છે મુઠ્ઠીઓ વાળીને દોડ્યા જ કરે છે. પૈસા, પ્રસિદ્ધિ, પ્રશંસા કે પદવી માટેની આ દોડ ક્યારેય પૂરી જ નથી થતી. આ જિંદગીમાં એવી અસંખ્ય બાબતો છે જેને નિહાળવા માટે ‘ધીમું પડવું’જરૂરી છે. સંતાનોના ચહેરા પર ખુશી, પત્નીની વાતો, પપ્પાના જોક્સ, મમ્મીનો સ્પર્શ. આ બધું ચૂકી જવાય છે કારણ કે આપણે ધીમા નથી પડતા જેમને માટે કમાતા હોઈએ, એમનાથી જ દૂર થતા જઈએ તો એ કમાણી શું કામની ? જો આપણા જ બાળકનું હાસ્ય કે પત્નીનો પ્રેમ, મમ્મી-પપ્પાના ચહેરા પર રહેલો સંતોષ માણી ન શકીએ તો જીવન શુ કામનું? યાદ રાખજો, જીવનમાં દરેક પળમાં રહેલી જિંદગી માત્ર એમના માટે જ અવેલેબલ હોય છે જેઓ સમયસર ધીમા પડે છે.માટે જરા ધીમા પડો.

Most Popular

To Top