Comments

૨૦૨૩ ને હિંમતભેર આવકારો!

કોઇકને ગુલાબનું આખું ખેતર આપી દઇ શકાય અને તેઓ માત્ર કાંટા જ જુએ! કેટલાકને માત્ર એક કળી જ અપાય અને તેમને તેમાં માત્ર જંગલી ફૂલ જ દેખાય! જોનારની દૃષ્ટિ પર બધો આધાર છે. એટલે જ સવાલ છે કે નવું વર્ષ આપણા માટે કેવું રહેશે? આપણું જીવન બહેતર બનશે કે વધુ ખરાબ? રાજકારણ આપણને નિરાશાના મહાસાગરમાં ડૂબાડશે કે હુલ્લડ, હત્યાઓ અને અંગત સલામતીની આપણી સૌથી ખરાબ ભીતિને જીતી લેશે? એવી પણ શકયતા છે કે આપણી વચ્ચેના મુસીબતકર્તાઓને તેમની કવાયતની આગાહીની કયામત દેખાય અને તેમને ભાર પડે કે તમામ ધર્મો અને વર્ગો સહિતની સમગ્ર માનવજાત ઊર્ધ્વ પરિમાણ અને ધ્યેય માટે સક્ષમ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એક સ્થિર સરકાર હેઠળ વિરોધાભાસી રાજકીય મત પ્રવર્ત્યા હોવા જોઇએ, પણ સચ્ચાઇ એ છે કે આપણે ભારતીયો તરીકે સાથે મળીને રહેવાનું અને કામ કરવાનું ચાલુ રાખીશું. અંતરથી તો આપણે જાણીએ છીએ કે આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદ કંઇ અમીટ શીલાલેખ નથી. ભલે આપણને એવું લાગે. દરેકનાં કલ્યાણમાં જ આપણું કલ્યાણ છૂપાયેલું છે. ચૂંટણીઓ તો આવે અને જાય અને આપણા રાજકારણીઓ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ગૂંચવાય અને ગૂંચવે, આપણે ભયના ભાર હેઠળ દબાયેલા હોવા છતાં આપણી આકાંક્ષાઓ નવી ઊંચાઇ જોશે.

૨૦૨૨ ને વિદાય આપતી વેળા સૌ પ્રથમ તો આપણે આપણો ભય ખંખેરી નાંખવો જોઇશે. તમામ પડકારો વચ્ચે પણ બહેતર માટે પરિવર્તનની શકયતા છે. આખરે તો ભારતે વૈશ્વિક અર્થતંત્રમાં પ્રગતિના વળતા પ્રહાર અને મહામારીના અંતની આશા સાથે ૨૦૨૨ ની શરૂઆત કરી હતી અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને યુકેન પર હુમલો કરી યુરોપને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ઘેરી કટોકટીમાં ધકેલી દીધું. વૈશ્વિક વૃધ્ધિમાં ભયંકર મંદી અને યુક્રેન યુદ્ધને પગલે ભયંકર ઊર્જાકટોકટી છતાં ભારત એક આગવા રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું.

સરકારની સૌથી મોટી રસીઝુંબેશને કારણે આપણે કોવિડની અસર સારી રીતે ઝીલી શકયાં છીએ. આથી ૨૦૨૨-૨૩ ના વર્ષ માટેની વૃધ્ધિ ૭% ની આસપાસ રહેવાનું અનુમાન છે અને તેને માટે આભાર માનો ઘર આંગણે ફાટી નીકળેલી પ્રચંડ માંગનો! આપણું અર્થતંત્ર બેઠું થઇ રહ્યું છે એમાં શંકા નથી. ભારતની વૃધ્ધિ પાટા પર ચડી રહી છે એવું દર્શાવતા અન્ય નિર્દેશો છે. છૂટક અને જથ્થાબંધ ભાવનો ફુગાવો તીવ્રતાથી ઘટવા માંડતાં ફુગાવો કાબૂમાં આવતો લાગે છે. અર્થાત્‌ વ્યાજનો દર એકદમ નહીં વધે.

૨૦૨૩-૨૪ નું આગામી અંદાજપત્ર વૃધ્ધિને વેગ આપે અને વૈશ્વિક પરિબળો સામે અર્થતંત્રને વધુ રક્ષણ આપનાર હોય એવી સંભાવના છે. તેનાથી યુવાનો માટે રોજગારી વધશે? કદાચ જોરદાર હા? હકીકતમાં ઘણાં અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારત માટે ૨૦૨૩ નું વર્ષ મજબૂતી વર્ષ હશે. એ વાત બાજુ પર રાખો તો ય વૈશ્વિક પડકારો છતાં ભારત એક મજબૂત આર્થિક સત્તા તરીકે બહાર આવશે અને તે સિધ્ધિનું ચાલક બળ મજબૂત નેતાગીરી હશે. ચીનમાં ફરી કોવિડ ફાટી નીકળવાથી કેટલીક નવી અચોકકસતા પણ છે. પણ ભારતે રસીકરણ અપનાવતા તે ચીનની સરખામણીમાં સફળતા પુરવાર થઇ એટલે ભારતમાં નવો રોગચાળો નહીં આવે. ભારતે ચીનના નવા રોગચાળા સામે પૂર્વ સાવચેતીનાં પગલાં લીધાં જ છે. આખરે તો રસીકરણની આપણી કામગીરી બોલશે.

હા, વૈશ્વિક મંદીની વાતો દેશની નિકાસ પર ઓછાયો પાથરશે; અને આપણી નિકાસ ઘટી રહી છે પણ કેટલીક વિધાયક બાબતો છે જ. ઘર આંગણે આપણી માંગ પુષ્કળ છે. આપણું ખેતીવાડી ક્ષેત્ર કોવિડની સામે ટકકર ઝીલી ગયું છે. નવેમ્બરમાં ઇકિવટી બજારે ઊંચાઇ સર કરી હતી. શાકભાજી ભાવમાં ઘટાડાથી ફુગાવો નરમ પડયો છે. કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ વેરા અને જીએસટીની વસુલાતમાં મોટો કૂદકો માર્યો તે બતાવે છે કે કોર્પોરેટ ક્ષેત્રે ટકાઉ રીતે સારું થઇ રહ્યું છે. એકંદર ઘરેલુ પેદાશ પ્રત્યેનું કોર્પોરેટ ઋણ પંદર વર્ષમાં સૌથી ઓછું હોવાનું કહેવાય છે. સરકારની ઉત્પાદકતા સંલગ્ન યોજના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને ઇલેકટ્રીક વાહનો અને બેટરી ટેકનોલોજીમાં થોડું નવું રોકાણ થવાની સંભાવના છે. ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહનને પગલે વિદેશના કેટલાક સ્માર્ટફોન ઉત્પાદકો ભારતમાં આવ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓ માટે ભારત અવસરોનો પ્રદેશ બન્યો છે.

આનો અર્થ એ નથી કે કયાંય અવરોધ નથી. ભારતનું સૌથી મોટું નિકાસ બજાર યુરોપ છે પણ યુક્રેન યુદ્ધે ઊર્જાની કટોકટી સર્જી તેને ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકા પોતે ફુગાવામાં ભીંસાઇ રહ્યું છે. ભારતની વર્તમાન હિસાબી ખાધ એકંદરે ઘરેલુ પેદાશના ૪.૪% એટલે કે ૩.૬ અબજ ડોલરે પહોંચી છે. રૂપિયો ઝૂકી જવાથી ઘર આંગણેનો ફુગાવો વધે છે કારણકે વિદેશી માલ અને સેવાઓ તેમજ ઘર આંગણેના વપરાશ માટેની ઊર્જા મોંઘાં બન્યાં છે. ઉત્પાદન ક્ષેત્ર ઓકટોબરની તહેવારની મોસમમાં પણ ૨૬ માસની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું છે. ફુગાવાને નાથવા રીઝર્વ બેંક પોલીસી દર ગયા માર્ચથી વધારે છે અને કુલ ૨૨૫ ઉછાળાના પોઇંટનો વધારો થયો છે. દેશમાં નાની પેઢીઓની સામે મોટી પેઢીઓ સારો દેખાવ કરે છે. કહે છે કે કોવિડની મહામારીના સંદર્ભમાં અપાયેલી તાકીદની દર છ લોનમાંથી એક લોન ખાડામાં ગઇ છે.

છતાં પરિસ્થિતિ સાવ નાંખી દેવા જેવી નથી. ૨૦૧૪ માં મોદીએ દેશનું સુકાન સંભાળ્યા પછી ભારતે અગ્રણી સત્તા બનવાની પોતાની મહતત્ત્વાકાંક્ષા જાહેર કરી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં તે બ્રિટનને વળોટી વિશ્વમાં પાંચમું સૌથી અર્થતંત્ર બન્યું હતું. હજી દસ વર્ષ પહેલાં તે ૧૧ મા ક્રમે હતું. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ વર્ષે તેણે ૩.૫૩ પરાર્ધ ડોલરની એકંદર ઘરેલુ પેદાશ સિધ્ધ કરી આગામી બે-ચાર વર્ષમાં પાંચ પરાર્ધ ડોલરનું અર્થતંત્ર બનવા તરફ પ્રયાણ કર્યું છે.  આથી ૨૦૨૩ નું વર્ષ ધાર્યા મુજબનું બિહામણું તો નહીં જ હોય!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top