Entertainment

વેબસિરિઝ હોય કે ફિલ્મો શોભિતાને બસ શોભવું છે

શું શોભિતા ધૂલીપાલા અને નાગ ચૈતન્ય વચ્ચે કાંઈ ગૂપચૂપ ગૂપચૂપ ચાલી રહ્યું છે? થોડા મહિના પહેલા જ સમેન્થા રુથથી જુદા પડેલા નાગના જીવનમાં શોભિતા આવી પહોંચી છે? ફિલ્મ લાઈન છે. એક્ટર જો સ્ટાર હોય તો તેની સાથે આવા લફડા થવા શક્ય છે. શોભિતા અત્યારે મલયાલમ, તેલુગુ, તમિલ ફિલ્મોમાં ય કામ કરે છે. એટલે આવું કશુંક બન્યું હોય તો નવાઈ ન કહેવાય. હા, કોઈ એમ પણ કહી શકે કે ચર્ચામાં આવવા માટે પણ ઘણીવાર લફડા થાય છે અથવા લફડાની અફવા ચાલી નીકળે છે. ફિલ્મ જગતમાં પરણવાની શરતે પ્રેમ પ્રસંગો થતા નથી. તેના હેતુ બીજા પણ હોય છે. શોભિતા એક ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને અનુરાગ કશ્યપની ‘રામન રાધવ-2’ ફિલ્મમાં કામ કર્યા પછી સતત ફિલ્મો મેળવતી રહે છે.

હા, તે હજુ બહુ મોટી ફિલ્મોમાં સતત દેખાતી નથી, પણ હમણાં ‘મેજર’માં તે હતી. હિન્દી ફિલ્મો તો તેને મળતી જ રહે છે. ‘મેડ ઈન હેવન’, ‘બોર્ડ ઓફ બ્લડ’ પછી હમણાં ‘ધ નાઈટ મેનેજર’ની રિમેક વેબ સિરીઝ શૂટિંગમાં પણ તે રોકાયેલી છે. શોભિતા ધૂલીપાલા એકદમ બ્યુટીફૂલ છે. ભરતનાટ્યમ અને કુચીપુડી શીખેલી ડાન્સર પણ છે. સેક્સી તો છે જ અને એટલે સાઉથમાં તો તે કાયમ ડિમાન્ડમાં રહે છે. અદિવી શેષ સાથે ‘ગુડીચારી’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી શોભિતાને ‘મેજર’ મળી તે પણ અદિવી સાથે અગાઉ કામ કરેલું તે કારણે જ મળેલી. શોભિતાની હિન્દી ફિલ્મ ‘સિતારા’ પણ રેડી છે, જેમાં તે રાજીવ સિધ્ધાર્થ સાથે આવી રહી છે.

આ ફિલ્મમાં સ્વતંત્ર રીતે કામ કરતી ઈન્ટિરિયર ડિઝાઈનર અને શેફ વચ્ચેની કહાણી છે પણ તેને ‘ધ નાઈટ મેનેજર’માં પણ એવો જ રસ છે. જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર છે. શરૂમાં કહેવાતું કે ઋતિક રોશન સિરીઝમાં કામ કરશે પણ તેણે ના પાડી પછી આદિત્યને આ સિરીઝ મળી છે. તો હવે અત્યારે નાગ ચૈતન્ય સાથેના અફેરની વાત રહેવા દો. હકીકતે તેને પણ હિન્દી ફિલ્મના પ્રેક્ષકો વચ્ચે નામ થાય તેની જરૂર છે. ‘લાલસીંઘ ચઢ્ઢા’માં તે આવી રહ્યો છે અને પછી બીજી ય હિન્દી ફિલ્મ છે, તો શોભિતા તેને રોમેન્ટિકલી મદદ કરી શકે છે. શોભિતા પોતે અત્યારે બહુ બોલતી નથી. એટલે વધારે કહેવાનો અર્થ પણ નથી. લફડા તો ચાલ્યા કરે, ફિલ્મોમાં કામ ચાલતું રહેવું જોઈએ. •

Most Popular

To Top