દેહરાદૂન: ચીનમાં (China) કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. હવે કોરોનાનું જોખમ ધીમે ધીમે અન્ય દેશો પર પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારત (India) સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જે લોકો કોરોના સંક્રમિત થયા હોય તેમને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. દરેક રાજ્યે કોરોનાથી સાવધાન રહેવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. જો કે પહેલાની જેમ હજી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું નથી. પરંતુ ઉત્તરાખંડ સરકારે કોરોનાથી બચવા માટે શાળાઓમાં માસ્કને (Mask) ફરજિયાત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કોરોનાના વધતા ખતરાને જોતા ઉત્તરાખંડ સરકારે તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના મહાનિર્દેશક બંશીધર તિવારીએ કહ્યું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય તમામ કર્મચારીઓ માટે માસ્ક પહેરીને શાળામાં આવવું ફરજિયાત રહેશે.
તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આરોગ્ય વિભાગને કોરોનાવાયરસ રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે એન્ટી-કોવિડ -19 રસીના લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
ધામીએ કહ્યું હતું કે બૂસ્ટર ડોઝના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ અને લોકોને આ રોગચાળા સામે રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે જો નવા કેસ બહાર આવે છે, તો સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જોઈએ. તેમણે તમામ જિલ્લાઓમાં કોવિડ કંટ્રોલ રૂમને સક્રિય કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોરોનાના ખતરા વચ્ચે દેશ માટે આગામી 40 દિવસ મહત્વના, જાન્યુઆરીમાં કેસ વધી શકે છે
ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ખતરા વચ્ચે એક મોટી માહિતી સામે આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જાન્યુઆરીમાં (January) ભારતમાં કોવિડ-19ના કેસ (Case) ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે આગામી 40 દિવસ મહત્વના રહેવાના છે. સત્તાવાર સૂત્રોએ રોગચાળાના (Epidemic) ફેલાવાની અગાઉની ગતિને ટાંકીને આ માહિતી આપી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ રોગચાળાના ફેલાવાના ભૂતકાળના વલણોને ટાંકીને જણાવ્યું હતું કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે પૂર્વ એશિયામાં કોવિડ-19નો ભોગ બન્યાના 30-35 દિવસ પછી ભારતમાં રોગચાળાની નવી લહેર આવી હતી. તેવો એક ટ્રેન્ડ રહ્યો છે.
જોકે સ્વાસ્થ્ય મંત્રાલયના (Ministry Of Health) સૂત્રોએ એમ પણ કહ્યું કે સંક્રમણની ગંભીરતા ઓછી છે અને આવી સ્થિતિમાં કોવિડની નવી લહેર આવે તો પણ સંક્રમિત લોકોના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં ભારતમાં આવેલા 6,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 39ના રિપોર્ટ ‘પોઝિટિવ’ આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દિલ્હી એરપોર્ટની મુલાકાત લેશે અને ત્યાં કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓનું નિરીક્ષણ કરશે.