નાતાલના દિવસે દેશમાં કેટલીક જગ્યાએ ક્રિસમસની ઉજવણી દરમિયાન કેટલાંક સનાતનીઓએ તનાતની બોલાવી એવા વિડિયો વાયરલ થયા છે. સનાતનપ્રેમીઓએ ભાંગફોડ અને તોડફોડ પણ કરી. વિશ્વ ગુરુ જો બે દેશો વચ્ચેના યુદ્ધને અટકાવી શકતા હોય, વિપક્ષના કદાવર નેતાઓને જેલમાં નાખી શકતા હોય તો આવાં ભાંગફોડિયાંઓને કન્ટ્રોલ ન કરી શકે? આ બધું મોદી સરકાર પ્રેરિત અને રહેમનજર હેઠળ થઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચની પ્રાર્થનાસભામાં ભાગ લીધો એવો વિડિયો પણ વાયરલ થયો છે.
મોદી સરકારના આવ્યા પછી દેશમાં કોમી સંવાદ અને સૌહાર્દ ખોરવાયાં છે, જ્ઞાતિવાદ વકરેલો છે. સરકાર સત્તાના નશામાં મદહોશ છે એટલે કાયદા કાનૂન બેહોશ અવસ્થામાં દેખાય છે. ચારે કોર ભ્રષ્ટાચાર અને અરાજકતાનો માહોલ છે. આ બધું જેને ન દેખાય એને અંધભક્ત કહેવાય. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવાય ત્યારે આપણે હરખપદુડાં થઈએ છીએ. કોઈ વિધર્મીના દેશમાં મંદિર બને ત્યારે આપણે ગૌરવ લઈએ છીએ. કોઈ ગોરો “હરે રામ હરે કૃષ્ણ” ગાય ત્યારે આપણે કોલર ઊંચા કરીએ છીએ પણ આપણી ધરતી પર અન્ય ધર્મના લોકોના તહેવારો ઉજવાય ત્યારે આપણી લાગણી દુભાય છે.
નાતાલ પર થયેલી ભાંગફોડના વિડીયો જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં ફરતા થશે ત્યારે તેઓના મનમાં હિન્દુ ધર્મ માટે કેવી છાપ ઊભી થશે એવું આ સનાતનીઓએ વિચાર્યું છે? આમ પણ અત્યારે વિદેશોમાં રહેતાં હિન્દુઓની હરકતોને કારણે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ટ્રમ્પ અત્યારે આમ પણ ભારત માટે આડા ફાટેલા છે એટલે હિન્દુઓની આવી હરકતો જોઈને હિન્દુઓને આડેહાથ લે તો નવાઈ નહીં. લગભગ દુનિયાના ઘણા બધા દેશોએ ખ્રિસ્તીઓએ આપેલું કેલેન્ડર સ્વીકારી લીધું છે અને દુનિયામાં વર્ષ પણ એ પ્રમાણે જ બદલાય છે.
સનાતનપ્રેમીઓને જો ખ્રિસ્તી ધર્મ માટે એટલો જ વાંધો હોય તો જાન્યુઆરી ટુ ડિસેમ્બરને બદલે ચલણમાં કારતકથી આસો જ ચાલુ કરી દેવું જોઈએ. હિન્દુ ધર્મની પરંપરા મુજબ રાંધવાનું, જમવાનું અને શૌચાલય આ ત્રણેય માં “બેઠક” હતી, હવે ખ્રિસ્તીઓના પ્રભાવ હેઠળ ઘરે ઘરે આ ત્રણેય બેઠક હવે “ઉભડક” બની ગઈ છે, તો એનો ત્યાગ કરવો રહ્યો ને? હિન્દુ ધર્મની છાપ અત્યાર સુધી શાંત અને સહિષ્ણુ તરીકે રહી છે પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોથી એમાં ઉન્માદ અને ઉશ્કેરાટ દેખાઈ રહ્યાં છે. ધર્મી નહીં પરંતુ માનવી બનીએ એવી નવા વર્ષની શુભેચ્છાઓ.
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે