વ્યારા: (Vyara) કુકરમુંડાના મસ્જિદ ચોક ખાતે રહેતા GSRTCનાં કન્ડક્ટરના પિતાનાં વડીલોપાર્જીત મકાન (House) મુદ્દે વિવાદ થતાં તેમના કૌટુંબિક ભાઇ-ભત્રીજાઓએ માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને (Accused) પકડવાની તજવીજ શરૂ કરી છે.
- કુકરમુંડામાં વડીલોપાર્જીત મકાન ખાલી કરાવવા કન્ટક્ટર પર ભાઇ-ભત્રીજાઓનો હુમલો
- હુમલામાં કન્ડક્ટરને આંખ પાસે ગંભીર ઇજા થતા પોલીસ ફરિયાદ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાની ફરિયાદ કુકરમુંડાના મસ્જિદ ચોક ખાતે રહેતા અને સુરત – કુકરમુંડા બસમાં કન્ટક્ટર તરીકે ફરજ બજાવતા અબ્દુલ શકુર ઐયુબ ઘાંચીએ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ કાલે બપોરે નોકરી પૂર્ણ થયા બાદ ઘરે આવ્યા હતા અને નમાઝ પઢીને મસ્જિદ પાસે ઊભા હતાં. તે સમયે તેમનો કૌટુંબિક ભાઇ મઝહર દાઉદ ઘાંચી તથા ભત્રીજો શમી હુલા મેહમુદ ઘાંચી તેમની પાસે આવ્યા હતા અને તમે જે મકાનમાં રહો છો, તે મકાન તથા પ્લોટ વડીલો પાર્જીત હોવાથી તેને ખાલી કરી દેજો તેમ કહ્યું હતું. ત્યારે તેમણે જે રીતે સ્ટેમ્પ થયા છે તે મુજબ આગળ વધવાનું કહ્યું હતું.
તેઓ વાતચીત કરી રહ્યાં હતાં તે દરમિયાન તેમના અન્ય ભત્રીજા હુસેન ઘાંચી તથા અબ્દુલ ઘાંચી પણ નમાઝ પઢીને બહાર આવ્યા હતા અને તેમની સાથે ઝગડો કરવા લાગ્યા હતા. તેમનો ઝગડો ચાલી રહ્યો હતો તે દરમિયાન મઝહરે ઉશ્કેરાઇને તેમની જમણી આંખ પાસે મુક્કો મારી દીધો હતો. જેથી તેઓ જમીન ઉપર પડી ગયા હતાં અને આંખ પાસેથી લોહી નીકળવા લાગ્યું હતું. દરિમાયન આરોપીઓ મઝહર, શમી કુલા તથા હુસૈન તથા અબ્દુલ જબ્બાર તેમના પુત્ર એમ.આમીર અબ્દુલ, નાનાભાઇ અબ્દુલ ગફુર તથા અતિકુરહેમાનને પણ મારવા લાગ્યા હતાં. જેથી તેમણે તમામ સામે ગુનો નોંધાવ્યો હતો.
કારમાં આવ્યા ચોર અને બકરાં-બકરી ચોરી ગયા
અંકલેશ્વર : ગઇકાલે રાત્રિ દરમિયાન અંકલેશ્વરના ટાંકી ફળિયામાંથી 12 જેટલા પશુઓ ચોરાતા આ બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં રસપ્રદ બાબત એ છે કે, જે લોકો પશુઓ ચોરવા આવ્યા હતાં તે કારમાં આવ્યા હતાં.
આ બનાવની મળતી માહિતી મુજબ અંકલેશ્વરના સ્ટેશન રોડ ટાંકી ફળિયામાં રહેતા ગુલશનબીબી સલીમ ઇબ્રાહીમ પટેલ બકરી પાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે સાત બકરાં, ચાર બકરી તથા પાંચ બચ્ચા હતાં. ગઇકાલે રાત્રે તેઓ પશુઓને ચારો આપીને પશુઓના રૂમને તાળુ મારીને ઉંઘી ગયા હતા. દરમિયાન તેમને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને પશુઓના રૂમનું તાળું તોડી તેમાંથી કુલ 12 બકરા-બકરી ચોરી ગયા હતાં. આ સમયે તેમની પડોશમાં રહેતી એક મહિલા જાગી જતાં તેણે બૂમાબૂમ કરતાં તસ્કરો ભાગી ગયા હતાં. અવાજ સાંભળીને તેઓ બહાર ગયા હતા અને તેમનો પશુઓના રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળતાં તેમણે ત્યાં જઇને તપાસ કરી હતી. તો રૂમમાં માત્ર ચાર બકર જ હતાં. આ બનાવ અંગે તેમણે અંકલેશ્વર પોલીસમથકમાં રૂપિયા 28,000ની કિંમતની બકરી, રૂપિયા 45,000ની કિંમતના ત્રણ બકરા તેમજ રૂપિયા 25,000ની કિંમતના બચ્ચા મળીને કુલ રૂપિયા 98,000ની કિંમતના પશુ ચોરાયા હોવાની ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.