Dakshin Gujarat

વાલોડમાં લાગણી દુભાય તેવા મેસેજ વાયરલ કરનારા સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ

વ્યારા: (Vyara) વાલોડમાં મુસ્લિમ (Muslim) સમાજના આગેવાનોએ પોતાના સમાજની લાગણી દુભાય અને ધાર્મિક વિવાદ (Religious Controversy) છંછેડાય તેવા ખોટા અને લોકોને ગેરમાર્ગે દોરતા મેસેજ વાયરલ કરનાર શખ્સ સામે સખત પગલાં ભરવા પોલીસ (Police) ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

  • વાલોડમાં લાગણી દુભાય તેવા મેસેજ વાયરલ કરનારા સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ
  • જૂનું ઘર તોડી મદ્રેસાનું બાંધકામ કરાતું હોવાનો ખોટો મેસેજ વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસને રજૂઆત
  • ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો બદઇરાદો હોવાની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ
  • હાલ જે ઘર બની રહ્યું છે તે એક જૂનું અને જર્જરિત હાલતમાં હતું, તેને આ મદ્રેસા સાથે કશું લાગતું વળગતું નથી

વાલોડ મુસ્લિમ જમાતના પ્રમુખ અબ્દુલ રઉફ પઠાણે પોતાના સમાજના આગેવાનો સાથે પોલીસને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પુલ ફળિયાના વૈભવ સુમન ગામીત દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી ખાનગી વ્યક્તિ જે ઘર બનાવતો હતો, તે ઘરને મદ્રેસા બનાવવાના ખોટા આક્ષેપો કર્યા છે. જેથી સમાજમાં ખોટા મેસેજ વાયરલ કરનાર વૈભવ ગામીત વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. વધુમાં ઉમેર્યુ હતું કે, વાલોડ સુન્ની મુસ્લિમ જમાત સંચાલિત મદ્રેસા અંગેના આક્ષેપો સત્યથી વેગળા છે. મુસ્લિમ ધર્મના લોકો વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવા, ગામની એકતા સુલેહ શાંતિનો ભંગ કરવા, ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો બદઇરાદો હોવાની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે ઘર બની રહ્યું છે તે એક જૂનું અને જર્જરિત હાલતમાં હતું. તેને આ મદ્રેસા સાથે કશું લાગતું વળગતું નથી, ગામની શાંતિ, એકતા, ભાઇચારો તૂટે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે રાગદ્વૈષ ફેલાય તેવા મલીન અને નાપાક ઈરાદાથી વૈભવ ગામીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી, સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા ખોટી અરજી કરી હોવાના આક્ષેપો કર્યા હતા. આવું કરવાથી મુસ્લિમ સમાજ ઉશ્કેરાઈ જાય અને ગામમાં હિન્દુ મુસ્લિમ એકતામાં વિઘ્ન થાય તેવી વૃત્તિ કરનારની સામે સમાજ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ખોટી અરજીઓ કરી વાતાવરણ ડહોણવાનો પ્રયાસો કરવામાં આવે છે, તે નીંદનીય છે. આ કિસ્સામાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય સમાજમાં મોટો આક્રોશ હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કાર્યવાહીમાં વિલંબ થશે તો કોઈ અનિચ્છનિય બનાવ બને તેવી દહેશત પણ મુસ્લિમ સમાજ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

Most Popular

To Top