Charchapatra

હિંસક મહત્ત્વાકાંક્ષા

અકબરથી લઇને પુટિન સુધીના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં હિંસક મહત્ત્વાકાંક્ષા નજરે ચઢે છે. આમ તો ‘અકબર’ નામમાં જ મહાનતાનો સંકેત છે અને તેના સમકાલીન રાણા પ્રતાપના નામનો શબ્દ અકબર સાથે જોડીએ તો તે પણ પ્રતાપી પણ હતો જ. આમ છતાં અકબરને તો તેના ખંડિયા રાજા જ જોઇતા હતા, રાજપૂત માનસિંહ જેવા ફરમા બરદાર તે ચાહતો હતો, જયારે રાણા પ્રતાપ સ્વાભિમાની, સ્વતંત્ર મિજાજનો રાજપૂત રાજા મેવાડનું તેનું સ્વતંત્ર રાજય ઇચ્છતો હતો. બંનેની મહત્ત્વાકાંક્ષા હિંસક નીવડી.

એક જ ભારત માતાના બંને સપૂતો અલગ અલગ મિજાજના રહ્યા. જેને મોગલે આઝમ તરીકે ઉલ્લેખાયો તે શહેનશાહ અકબર મહાન મોગલ રાજા તો હતો, નવરત્નો જેવી વ્યકિતઓથી તે કલાકદરદાન પણ હતો, છતાં રાણા પ્રતાપના ઉચ્ચ આદર્શને ઓળખી શકયો નહીં. સત્તાભ્રષ્ટ થઇ, વનવાસ અને ભૂખમરો વેઠવા છતાં રાણા પ્રતાપ નમ્યો નહીં. અત્યારે રશિયાના પુટિને પણ યુક્રેન પર આક્રમણ કરી ઝેબેન્સકીને નમાવવા કોશિશ કરી છે. સોવિયેટ સંઘમાંથી જ છૂટા પડેલા આ બે દેશો છે, પણ પુટિન યુક્રેનને રશિયાનો જ ભાગ માની રશિયા જેવી વ્યવસ્થા ઇચ્છે છે અને રશિયાના આધિપત્યનો આગ્રહ રાખે છે.

પશ્ચિમી દેશો, નાટો કે અમેરિકા સાથેનો યુક્રેનનો નાતો પુટિનને ગમતો નથી, જે રીતે અકબરને ભારતના પેશ્વાઇ જેવા અન્ય સ્વતંત્ર શાસકો અનિચ્છનીય હતા. પોતાના રાજયની સમૃધ્ધિ જોઇને ત્યાંનો શાસક સ્વતંત્રતા અને સ્વાયત્તતાનો આગ્રહી રહે છે, તેને પરિણામે વિચાર અને વ્યવસ્થાનો ભેદ હિંસક બને છે. મહાસત્તા અમેરિકા રાજકીય દાવપેચ હિંસાની પરિસ્થિતિ જન્માવે છે. અકબરના સમયમાં તો યુદ્ધો રણમેદાનમાં જ થતાં હતાં અને ત્યારે અણુશસ્ત્રો પણ નહોતાં, આથી નિર્દોષ પ્રજાને જાનમાલની હાનિ વેઠવી પડતી ન હતી. અત્યારે યુક્રેન અને રશિયા બંને તરફે શહેરોમાં ભારે તબાહી સર્જાઇ છે. હિંસાચારે માઝા મૂકી છે. હિંસક મહત્ત્વાકાંક્ષાથી તો દુ:ખદ ઇતિહાસ જ સર્જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top