વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાનાં નિશાણા ગામે (Village) હજારો લિટરનો સંપ અને પાણીનો ઉંચો ટાંકો લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યો છે. પરંતુ આ ટાંકાનું પાણી (Water) નજીકમાં ઘરે ઘરે મુકેલા નળ તેમજ મીની ટાંકીઓ સુધી પહોંચતું જ નથી, જેથી ઉનાળાનાં શરૂઆતનાં તબક્કે જ આશરે ૭૦ થી વધુ ઘરોમાં (House) પીવાનાં પાણીની સમસ્યા ઉદ્દભવી છે. આ ગામમાં વાસ્મો સહિતની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ પાછળ કરોડોનો ધુમાડો કર્યો છે. પરંતુ તેનો મુળ આશય સાર્થક થયો નથી.
- નિશાણા ગામના ૭૦થી વધુ ઘરોમાં નળ છે પણ પાણી આવતું નથી
- સોનગઢનાં નિશાણા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પીવાનાં પાણીના ફાંફાં
- કરોડોનો ધુમાડો છતા વાસ્મો સહીતની યોજનાઓ નિષ્ફળ
- પાણીની સમસ્યા ફરી જૈસે થે : વાસ્મો સહિતની પાણી પુરવઠાની તમામ યોજનાની ઉચ્ચકક્ષાએથી તપાસ જરૂરી
નિશાણા ગામે વડ ફળિયામાં ૨૫ ઘરો માટે ખેંચેલી પાઈપ લાઈન રીપેરિંગનાં અભાવે છેલ્લા ઘણા સમયથી બંધ પડી છે. આમજી ફળિયામાં ૩૦ જેટલાં ઘરો માટે ખેંચેલી પાઈપ લાઈન અમુક જગ્યાએ લીકેજ છે. આછલવામાં મોટર બગડી છે. નિશાણા ગામમાં મોટા ભાગની મીની પાણીની ટાંકીઓ લીકેજ છે તો કેટલાંકની મોટરો બગડી ગઈ છે. જેને રીપેર કરાતી નથી. નિશાળ ફળિયામાં મોટા ભાગમાં નળ બંધ હાલતમાં પડ્યા છે. જેના કારણે પીવાનું પાણી અહીં પહોંચતુ જ નથી. ગત વર્ષે નિશાણા ગામમાં પાણીની સમસ્યા ઉનાળામાં ઉદ્દભવી હતી. ત્યારે સમ્પ સુધી પાણી પહોંચાડવામાં સફળ તો રહ્યા પણ ઘરો સુધી પાણી પહોંચ્યુ નથી.
ગૃહીણીઓને પીવાનું પાણી ભરવા એકથી દોઢ કિ.મી. દુર જવુ પડે છે
પીવાનાં પાણીની સમસ્યા ઉદભવતા ગૃહીણીઓને પીવાનું પાણી ભરવા એકથી દોઢ કિ.મી. સુધી ફાફા મારવા પડે છે. ઢોરો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ઉનાળામાં પાણીની સમસ્યા ઉદ્દભવે નહી તે માટે પાણી પુરવઠાની અનેક મીંટીગો યોજાઇ છે. પાણી પહોંચાડવા સુવિધાનાં નામે કરોડોનાં આંકડા પણ પ્રજા સમક્ષ મુકાય છે, પરંતુ પીવાનાં પાણીની સમસ્યા આ ઉનાળામાં પણ ‘જૈસે થે’ જ રહી હોય વાસ્મો સહિતની પાણી પુરવઠાની તમામ યોજનાની ઉચ્ચકક્ષાએથી તપાસ થવી જરૂરી છે.