Vadodara

વર્ટિકલ (ઇનડોર) ફાર્મિંગ દેખાય છે એટલું રૂપાળું અને સરળ હોય છે?

દુનિયાની વધી રહેલી અનહદ વસતિ માટે શાકભાજી, ફળ, અનાજ વગેરે ઊગાડવા વધુ અને વધુ જમીનની જરૂર પડવાની. વધેલી વસતિના આવાસો અને નગરો માટે વધુ જમીનની જરૂર પડશે. જો કે હાલમાં દુનિયા હજી ખેતીલાયક જમીનની તંગી અનુભવી રહી નથી. રશિયા, અમેરિકા, આફ્રિકા, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં હજી વણખેડાયેલી પુષ્કળ જમીન છે. છતાં હાલમાં યુક્રેન-રશિયા યુધ્ધની આડઅસરરૂપે દુનિયાને ખાદ્ય સામગ્રીની સપ્લાય મળવામાં અડચણો નડી રહી છે. યુધ્ધ પ્રથમ ટકવાનું નથી પરંતુ જગતમાં હવામાનના પરિવર્તન સાથે અતિવૃષ્ટિ, દુકાળ, આગ, ગરમી, ઠંડી વગેરેની કોઇ સીમા રહી નથી.

વિજ્ઞાનીઓ આશા રાખે છે કે આવી અણધારી આફતોના સમયમાં મહાનગરો અને શહેરોમાં જ બહુમાળી ખેતરો બાંધીને ખેતી થઇ શકશે અને વરદાનરૂપ નીવડશે. આ પુરવાર કરવા માટે ભવિષ્યની રાહ જોવાની હવે જરૂર પણ નથી. વર્તમાનમાં જ વર્ટિકલ (ઉધર્વગામી) અથવા ઇનડોર ખેતીવાડી શકય બની છે. અમુક અપવાદોમાં તેના સારા પરિણામો મળી રહ્યા છે છતાં ઇનડોર ફાર્મિંગની કેટલીક નકારાત્મક બાબતો છે તેથી તેની સફળાની ગુંજાઇશ સામાન્ય સંજોગોમાં રહેતી નથી. અમુક અસામાન્ય સંજોગોમાં ઉર્ધ્વગામી ખેતી પૂરક મદદકર્તા જરૂર બનશે પણ તેના પર સઘળો મદાર રાખી શકાશે નહીં. સિવાય કે કોઇ અસાધારણ ટેકનોલોજીની શોધ થાય.

હાલમાં અમેરિકામાં કેલિફોર્નિયા જેવા રાજયોમાં દૂકાળ ચાલી રહ્યો છે. હોલીવૂડના લોકોને પાણીકાપ સહન કરવો પડી રહયો છે જયાંના લગભગ તમામે ઘરોમાં સ્વીમિંગ પૂલો,જાકૂઝી વગેરે છે. અમેરિકનો પાણીનો અસહય વેડફાટ કરવા માટે જાણીતા છે. દૂકાળની સ્થિતિમાં અમેરિકનોને લીલા શાકભાજી મળી રહે તે માટે લગભગ બે હજાર જેટલા ફાર્મિંગ માટેના ટાવરો અથવા વર્ટિકલ ખેતરોમાં શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. એવું નથી કે દૂકાળ પડયો એટલે તાબડતોબ ઊંચા ખેતરો બાંધવામાં આવ્યા. હકીકતમાં આ બાબતની ટેકનોલોજીમાં અમેરિકનો આગળ વધી રહ્યા હતાં અને છેલ્લાં થોડા વર્ષોથી એલઆઇડી લાઇટના પ્રકાશનાં સાધનોની કિંમતમાં ભારેખમ ઘટાડો થયો તેની અમેરિકાની ઘણી કંપનીઓએ વર્ટિકલ ફાર્મિંગના ધંધામાં મૂડીરોકાણ કર્યું છે. બરાબર તેમાં હાલનો દૂકાળ આવ્યો એટલે એ ઊભા ખેતરો વધુ મદદરૂપ પુરવાર થયા.

ઇનડોર ટાવર ફાર્મોમાં ખેતીવાડી ખૂબ અત્યાધુનિક રીતે થાય છે. ઉપજ સારી આવે છે. સ્વચ્છતા શ્રેષ્ઠ રીતે જાળવી શકાય છે. રોબોટ દ્વારા પૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય તેના ફાયદા ઘણા છે. પણ ઇનડોર ખેતીને નિરૂત્સાહ બનાવે તે માટેનું સૌથી મોટું પરિબળ છે, વીજળી અને ઊર્જા વપરાશ. તેમાં વીજળીની એટલી હદે જરૂર પડે છે કે સામાન્ય સંજોગોમાં લોકો વર્ટિકલ ખેતી કરવાનું ટાળશે. મોટા શહેરોમાં ખૂબ સંપન્ન પરિવારો માટે કદાચ શાકભાજી ઉગાડવાના કામમાં આવશે. પણ આજે જગતની સામાન્ય પ્રજા જેઓ પર્યાવરણ માટે ખર્ચાળ અને નુકશાનકારક ફૂટપ્રિન્ટ ઊભી કરે છે તેનો સખત વિરોધ કરવા માંડયા છે.

અમેરિકા, ફ્રાન્સના શ્રીમંતો નાની નાની બિનજરૂરી મુસાફરીઓ માટે ખાનગી વિમાનો વાપરે છે. તેઓને હમણાથી સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. તેઓએ અગાઉ પર્યાવરણ બાબતે જે ખેવનાઓ વ્યકત કરી હોય તેને યાદ અપાવીને તેઓનો દંભ ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે. એક દિવસ એવું પણ બને કે વર્ટિકલ ફાર્મમાંના ઉગાડેલા શાકભાજી ખાનારાઓની યાદી જાહેર કરીને તેઓને શરમમાં મુકવવામાં આવે. છતાં જયારે પોષાય એવી રીતે પેદા કરી શકાશે ત્યારે વર્ટિકલ શાકભાજી વરદાન બનશે. તે શકયતા વિસારે પાડી દેવામાં આવી નથી. સંશોધનો ચાલુ જ છે.

સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાના એક 445 ચોરસ મિટરમાં ફેલાયેલા વીસ ફીટ ઉંચા મકાનમાં ‘પ્લેન્ટી’ નામક એક કંપની એક ઇનડોર ફાર્મ ચલાવે છે. ખાસ વાત એ છે કે આ ફાર્મમાં કોઇ જમીન, ખેતીના પરંપરાગત સાધનો જેવા કે ટ્રેકટર કે સૂર્યપ્રકાશ પણ નથી. પણ લટકી રહેલા પાકની કતારો છે. તેની વચ્ચે વિવિધ રંગી પ્રકાશનાં બલ્બો અને લાઇટસ છે. એ પાક પર ચીટવટપૂર્વક નજર રાખતા કેમેરા, સેન્સરો અને કૃત્રિમ બુધ્ધિ (આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ) ધરાવતા સાધનો છે. જયારે મશીનો દ્વારા એ નક્કી કરવામાં આવે કે શાકભાજીનો અમુક ચોક્કસ ટાવર લણણી માટે યોગ્ય બની ગયો છે ત્યારે કન્વેયરો બેલ્ટો આપોઆપ શરૂ થાય. એ ટાવર ચારેક રોબોટની વચ્ચે આવીને ઊભો રહે. રોબોટ એ ટાવરને સિફતપૂર્વક હેન્ડલ કરીને એક બાજુએ ઢાળી દે અને તેના પરથી ભાજી, ફળ, ટમેટાં, બોર વગેરે ચૂંટી લે.

એ ચૂંટાયેલો પાક આપોઆપ પેકિંગ થાય. એ કોઇ સુપર માર્કેટમાં પહોંચે. તેના પર બારકોડ અને બીજી વિગતો આપોઆપ છપાયેલી હોય. માર્કેટમાં પણ તે પોતાની રીતે પોતાની જગ્યાએ ગોઠવાઇ જાય. ગ્રાહક ખરીદીને રસોડામાં શબ્જી બનાવવા તે પેકેટ ખોલે ત્યારે એ શાકભાજી, ફળ ને જીવનમાં પ્રથમ વખત માનવીના હાથનો સ્પર્શ થાય. ત્યાં સુધી તેનાપર કોઇ બાહ્ય ગંદકી ન હોય. પશુના છાણ, માટી વગેરેનો તેને કયારેય સ્પર્શ થયો ન હોય. જયારે કન્વેયર બેલ્ટ પરથી ટાવરને લણવા માટે લાવવામાં આવે ત્યારે નિષ્ણાત ટેકનિકલ કર્મચારીઓ દ્વારા તેના શાકભાજી, રીંગણાં, ટામેટાં, ભીંડી વગેરેમાં કોઇ ક્ષતિ તો નથી ને? તેની તપાસ થાય અને કયારેય કોઇ ક્ષતિ જોવા મળતી નથી.

માટી વગર, હાઇડ્રોપોનિકસ જેવી પધ્ધતિથી આ પાક ઉગાડાય. હાલમાં કદાચ આ રીતે શાકભાજી ઉગાડવાની જરૂર ભલે ઓછી હોય પણ ગણતરી મુજબ વરસ 2050 સુધીમાં અર્થાત આજથી અઠાવીસ વરસ બાદ જગતની આબાદી દસ અબજ લોકોની થશે અને તેમાંના મોટા ભાગના લોકો મોટા શહેરોમાં વસતા હશે. નિષ્ણાતોના હિસાબ પ્રમાણે આજે જગતને જેટલાં અન્ન-ખોરાકની જરૂર પડે છે તેના કરતા સિત્તેર ટકા વધુ અન્ન ખોરાકની જરૂર ત્યારે પડશે અને જમીન તો દિવસે દિવસે ઘટવાની જ છે. ત્યારે આ પ્રકારની બહુમાળી ઇનડોર ખેતી આશીર્વાદ બનશે.

આજે અમેરિકામાં પ્લેન્ટી, બોવેરી, કાલેરા અને એરોફાર્મ્સ જેવી કંપનીઓ બહુમાળી ખેતીના ધંધામાં પડી છે. તેઓ બે હજારથી વધુ ફાર્મ ચલાવે છે. યુરોપના દેશો અને ગલ્ફના દેશોમાં પણ બહુમાળી ફાર્મિંગ શરૂ થયું છે. ઘણાં મહાનગરોની વિશાળ બિલ્ડીંગોની વિશાળ ટેરેસો પર પણ શાકભાજીની ખેતી થાય છે. મકાનોની દિવાલો પર પણ શાકભાજી ઉગાડાય છે. તેનાથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. મકાનોની અંદરનું તાપમાન પણ ઘટાડી શકાશે. પણ હજી તો આ નમૂના છે પણ નમૂનાઓ આશાસ્પદ છે.

વર્ટિકલ ફાર્મિંગની સારી વાત એ છે કે બહારનું હવામાન ભલે ગમે એટલું ખરાબ હોય, ઇનડોર ખેતી પર તેની કોઇ બૂરી અસર પડતી નથી. વરસના 365 દિવસે પાક લઇ શકાય છે. તેના વડે ઉપજનું પ્રમાણ પણ ઘણું આવે છે જેટલું પરંપરાગત ખેતીમાં આવતું નથી. ગયા વરસે અમેરિકન કંપનીઓએ વર્ટિકલ ફાર્મિંગમાં એક અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ કર્યું હતું અને 2026ના વરસ સુધીમાં વરસનું આઠ અબજ ડોલરનું મૂડી રોકાણ થતું થશે. પરંતુ વર્ટિકલ ટાવરો અને ગ્રીન હાઉસ ચલાવવા માટે વધુ પડતી વીજળીની જરૂર પડે છે જેથી આ ખેતીવાડી ઇકો-ફ્રેન્ડલી બનતી નથી.

તેની સારી બાજુ જોઇએ તો પરંપરાગત ખેતીવાડીમાં પાકને જેટલા પાણીની જરૂર પડે છે એટલી નવી પધ્ધતિમાં પડતી નથી. સરખામણીમાં માત્ર પાંચથી ત્રીસ ટકા જેટલાં જ પાણીની જરૂર પડે. કારણ કે આ પધ્ધતિમાં એકનું એક પાણી વારંવાર વાપરી શકાય છે. તે જમીનમાં દ્રવી કે આકાશમાં ઊડી જતું નથી જેમ જમીન પરની ખેતીવાડીમાં બને છે. આ પધ્ધતિથી મળતા પાક સાથે બેકટેરિયા કે બીજા નુકશાનકારક તત્વોનો સંપર્ક થતો નથી તેથી તે પ્રમાણમાં ઘણા લાંબા સમય સુધી તાજા રહે છે. ખેતીવાડીના પાકને ખેતરમાંથી બજારમાં અને ઘણા કિસ્સામાં વિમાન દ્વારા બજારમાં પહોંચાડવામાં ઘણો ખર્ચ થાય છે જે આ નવી પધ્ધતિમાં થતો નથી. શહેરમાં જ આવા ખેતીવાડીના કારખાનાં હોય. એ રીતે વીજળી અને ઊર્જામાં બચત થાય.

કંપનીઓ દ્વારા આધુનિક સાધનો, કોમ્પ્યુટર વડે ખેતી થાય. પરિણામે પરંપરાગત ખેતીમાં ખેડૂતોને કોઇ ચોક્કસ જાતના પાક વિષે માહિતી અને જ્ઞાન એકઠાં કરતાં વરસોનાં વરસ લાગી જાય, તે જ્ઞાન એઆઇ દ્વારા માત્ર થોડા સમયમાં, વરસોમાં એકઠું કરી શકાય તેથી પાકની પેટર્ન, તેને માફક આવતું તાપમાન વગેરેને ફરીવાર ઉપયોગમાં ઝડપથી મૂકી શકાય. અમુક અમેરિકન બહુમાળી ખેતી કંપનીઓએ એવી કોમ્પ્યુટર સિસ્ટમો ગોઠવી છે કે તેઓ જે હજારથી બારસો સ્ટોરમાં પોતાની પ્રોડકટસ (શાકભાજી) સપ્લાય કરે તેની રજેરજની લાઇવ વિગતો તુરંત મળતી રહે. કયા સ્ટોરમાં કેટલો માલ છે? કાલે કેટલી જરૂર પડશે?

ફાર્મમાં કેટલો તૈયાર થશે વગેરે તમામ વિગતો આંગળીના ટેરવા પર હોવાથી તેની કિંમત વગેરે પણ અગાઉથી નક્કી કરી શકાય છે. દુર્વ્યય અટકાવી શકાય છે. છતાં એકંદરે ઊર્જાના વપરાશને કારણે હાલમાં આ ફાર્મિંગ મોંઘું પડે છે. લેટિસ નામની ભાજી અમેરિકનો ખૂબ ખાય છે. સામાન્ય ખેતરમાં ઉગાડવાને બદલે ગ્રીન હાઉસમાં તે વીસ ગણી વધુ મોંઘી પડે છે અને વર્ટિકલ ફામમાં ઉગાડાય તો એક સો ગણી વધુ મોંઘી પડે છે. બીજી તરફ વિશ્વની હવામાં જે કાર્બન ડાયોકસાઇડ ભળે છે તેમાં ખેતીવાડીની પ્રવૃત્તિઓનું યોગદાન અથવા પ્રદાન ત્રીસ ટકા છે. જો વર્ટિકલ ફાર્મિંગથી તે પ્રમાણમાં અનહદ વધારો થવાનો હોય તો ફાયદા કરતા નુકશાન મોટું છે. હાલમાં તો ખેતરોનો કોઇ ફાયદાકારક પર્યાય નથી.

Most Popular

To Top