Charchapatra

વિવિધ ભારતી હવે પહેલા જેવી નથી

કોરોના કાળથી જેની બહુ ઉપાડે રેડિયો પર વારંવાર જાહેરાત થાય છે, એવી મુંબઈ સ્થિત વિવિધ ભારતીને ગ્રહણ લાગી ગયુ છે. એની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોય એવું એના શ્રોતાઓને પ્રતિત થઈ રહ્યું છે. એનું મહત્ત્વનું કારણ આ ચેનલ પણ અન્ય ધંધાદારી ચેનલોની હરિફાઈમાં ટકી રહેવામાં નથી. ફિલ્મોના બકવાસ ગીતોના રવાડે ચઢી ગયું છે. નવી પેઢી અને જૂની પેઢીના શ્રોતાઓને સાચવવામાં બેલેન્સ રહ્યુ નથી. એક સમય પર જેની ઓળખ ‘દેશ કી સૂરીલ ધડકન’ વિવિધ ભારતીની હતી જેના સદાબહાર ગીતોથી શ્રોતાઓના મન પ્રસન્ન થતા હતા. એવી આ ચેનલ હવે ધીમે ધીમે ‘બેસૂરીલી’ થવા લાગી છે. એ સાથે આ ચેનલના જૂના જાણીતા ઉદઘોષકોની સમય સાથે વિદાય થઈ ગઈ. જેના કારણે વર્ષોથી મહેંક મહેંક થતો સુંગધીદાર વિવિધ ભારતીનો સદા બહાર બગીચો સુનો પડી ગયો છે.

એની કાળજી લેવામાં નવી પેઢીના ઉદઘોષકો કાચા પુરવાર થઈ રહ્યા છે. તેઓની વાણીમાં કોઈ દમ નહીં હોવાથી શ્રોતાઓના દિલ જીતી શક્યા નથી. કાર્યક્રમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. સમયના નવા કાર્યક્રમથી લોકો એનાથી વંચિત રહી જાય છે. શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘હેલ્લો ફરમાઈસ’ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. ‘પત્રાવલિ’ અને ‘ત્રિવેણી’ કાર્યક્રમ પણ વિના કારણે પડતા મૂકવામાં આવ્યા છે. જૂની પુરાણી ફિલ્મોના મીઠા મધૂરા ગીતો ‘ફિલ્મ એક, ગાને અનેક’ નામનો કાર્યક્રમ પણ બંધ થઈ ગયો છે. ‘હવા મહેલ’નો હાસ્યનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે. જેની નોંધ લેવી પડે. બાકી દર મહિનાના અંતના રવિવારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’નું પ્રસારણ નિયમિત થાય છે. રસપ્રદ કાર્યક્રમની લોકપ્રિયતા હજુ આજે પણ બરોબર જળવાય રહી છે.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top