Charchapatra

મેદાન મળ્યું છે તો સર કરો

સુરત જિલ્લાના યુવા ભાઇ બહેનો રમતગમત ખેલ કૂદની પ્રવૃત્તિઓમાં અગ્રેસર બને તેવા શુભ ઇરાદા સાથે યુવાનોને પ્રેરિત કરવા ગ્રામ્ય સ્તરે રમતગમત વિકસે તે માટે પ્રારંભિક તબક્કે અઢાર જેટલા રમતગમતના મેદાનો ઉમરપાડા, મહુવા, બારડોલી, માંગરોલ, માંડવી તાલુકા જેવા ઉંડાણના વિસ્તારોમાં રમતના મેદાનો વિકસાવવા સૂરત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અને રાજય સરકારે જે પહેલ કરી છે તે આવકાર્ય, સરાહનીય છે. કસરત અને જીમના સાધનો પણ ત્યાં ક્રમશ: મુકવાનો નિર્ણય છે.

તથા તાજેતરમાં રાજય સરકારે ધો.10 પછી ડિપ્લોમા માટે અને ડિગ્રી માટે છાત્રોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ટયુશન ફીના 50 ટકા અથવા એક લાખ રૂપિયા વાર્ષિક સાડા ચાર લાખ આવક ધરાવતા પરિવારોને આપવાનો સ્તુત્ય નિર્ણય લીધો છે. રાજયના તેજસ્વી મધ્યમ વર્ગના ઉચ્ચ અભ્યાસ ક્રમોમાં અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમને આ શિષ્યવૃત્તિ અપાશે. નિયમો પણ વધુ સરળ બનાવ્યા તે યોગ્ય છે. વિશ્વભરમાં યોજાતા ખેલકૂદ મહોત્સવોમાં આપણા યુવાધન પણ હવે સારુ કાઠુ કાઢી ચંદ્રકો મેળવી રહ્યા છે તે આનંદની વાત છે. રમતોના માધ્યમ દ્વારા શરીર ફીટ રહે છે.

ખેલદિલીની ભાવના વિકસે છે. તાજેતરમાં જ સુરતની વિકલાંગ દિકરીનું ઉચ્ચસ્તરે સન્માન થયું છે. ભૂતકાળમાં ઝીણાભાઇ નાવિક, નાથુભાઇ પહાડેએ વિશ્વ સ્તરે અતિ મુશ્કેલ તરણ સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેક ઇનામો મેળવ્યા હતા. જાણીતા નાટય મહર્ષિ, હાસ્યકાર પદ્મશ્રી યઝદી કરંજીયા પણ પ્રૌઢ વયે કોઝવે પણ નિયમિત વહેલી પરોઢે તરવા આવે છે. જે આપણા યુવાઓ માટે પ્રેરણાદાયી છે. આશા છે ગ્રામ્ય યુવા ભાઇ બહેનો આ વિકસીત મેદાનોનો લાભ લઇ પોતાનું આગવું કૌશલ બતાવશે જ.
સુરત      – તૃપ્તિ અશોકભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top