વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશન (Injection) સહેલાઇથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર (Collector) આર.આર.રાવલ દ્વારા મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના થકી રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માગતા દર્દીઓને હાલાકીમાંથી છૂટકારો મળ્યો છે અને હવેથી રોજે રોજ હોસ્પિટલમાં દર્દીના બેડ સુધી આ ઇન્જેકશનો પહોંચી જશે. રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવાની ગોઠવવામાં આવેલી સિસ્ટમથી છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં કોઇ એક પણ રેમડેસિવિર ઇન્જેકશન નથી મળ્યું એવી કોઇ ફરિયાદ મળી નથી.
સારવાર લઇ રહેલા દર્દીઓને ૩૫૫૭ રેમડેસિવિર ઇન્જેકશન એમના બેડ સુધી પહોંચતા કરવાનું કામ જિલ્લા કલેકટરની વ્યવસ્થાના પરિણામ સ્વરૂપ શકય બન્યું છે. આ વ્યવસ્થા દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઇ છે. જિલ્લાના સાંસદ- ધારાસભ્યો અને જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રજા માટેની રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધ્યાને લઈ ઇન્જેશનોનો મોકલી આપ્યા હતા.
દાનહ-દમણ-દીવની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના દર પ્રશાસને નક્કી કર્યા
દમણ : સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓની સારવારને મળેલી મંજુરી બાદ પ્રશાસને ખાનગી હોસ્પિટલો માટે સારવારના ખર્ચના દર નિર્ધારિત કર્યા છે. જેમાં દા.ન.હ.ની ખાનગી હોસ્પિટલ જે. કે. હોસ્પિટલ, ચૈતન્ય હોસ્પિટલ, મેરીગોલ્ડ હોસ્પિટલ અને મુક્તા હોસ્પિટલ તથા દમણની હંસા હોસ્પિટલ, કેર એન્ડ ક્યોર હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ અને લાઈફ કેર હોસ્પિટલને કોવિડના દર્દીઓના ઈલાજ હેતુ મંજુરી આપી હતી. પ્રશાસને આ ખાનગી હોસ્પિટલોમાં સારવારના દર કર્યા છે. જેમાં જનરલ વોર્ડમાં સારવારનો ખર્ચ 4000, અન્ય દર્દીઓ સાથેનો શેરીંગ બેડના 4500, સીંગલ બેડ સાથેના ખાનગી બેડનાં 5500, એચ.ડી.યુ – આઈ.સી.યુ. ના 7500 તથા વેન્ટિલેટર સાથેના આઈ.સી.યુ.નો ખર્ચ 12500 જેટલો ખર્ચ રાખવામાં આવ્યો છે. નિર્ધારીત કરેલી રકમમાં પી.પી.ઈ.કીટ, માસ્ક, સેનિટાઈઝર, ગ્લબ્ઝ, અન્ય સાધનો, રૂમ ચાર્જ, એડમિશન ચાર્જ, ડોક્ટર વિઝીટ, નર્સિંગ ચાર્જ, સર્વિસ ચાર્જ, ઈન્જેક્શન ચાર્જ, પલ્સ ઓક્સિમેટ્રી, ઈ.સી.જી. સહીતના અન્ય ચાર્જને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
જ્યારે ઉપચાર લઈ રહેલા દર્દીને જો જરૂર પડે તો આપવામાં આવતા ટોસીલિઝુમાબ ઈન્જેક્શન, ટેબલેટ તથા અન્ય મોટા એન્ટીબાયોટીકના ડોઝ, લેબોરેટરીની તપાસ, રેડિયોલોજિકલ પરિક્ષણ, અન્ય તપાસો, ચાઈ-નાસ્તા અને ભોજન ઉપરોક્ત નક્કી કરાયેલા ભાવોથી અલગ આપવાના રહેશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને રેમેડેસિવિરના ઈન્જેકશન પ્રશાસન કોવિડ-19 ના પ્રોટોકોલ અનુસાર ઉપલબ્ધ કરાવશે. ત્યારે ઉપરોક્ત જાહેર કરાયેલા દરો ખાનગી હોસ્પિટલ સંચાલકોએ દર્દી અને તેના સગાસંબંધિઓ જોઈ શકે એ પ્રમાણે મોટા અક્ષરે બોર્ડ પર દર્શાવવાના રહેશે. આ સારવારના ખર્ચનો લાભ ફક્ત દાનહ-દમણ-દીવમાં વસતા નાગરિકો જ લઈ શકશે. જેઓએ જરૂરી રહેણાંક અને ઓળખના આધાર પુરાવાઓ હોસ્પિટલમાં રજુ કરવાના રહેશે.