Top News

ખાર્કિવ પર વેક્યુમ બોમ્બ વડે હુમલો: 11ના મોત, 44 ઈજાગ્રસ્ત

કિવ: યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાએ રોકેટ હુમલો કર્યો હતો અને રાજધાની કિવ પર વેક્યુમ બોમ્બનો ધડાકો કરવામાં આવ્યો હતો અને રશિયાને ત્રાસવાદી ગણાવતા યુક્રેનિયન પ્રમુખે રશિયન પ્રમુખ પુટિનને ચેતવણી આપી હતી કે કોઇ તમને માફી આપશે નહીં, કોઇ ભૂલશે નહીં.

મંગળવારે ખાર્કિવમાં સિવિલિયન પબ્લિક એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની અંદરના ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે તે ભારે નુકસાન થયું હતું, જેમાં છત તૂટી પડી હતી અને આસપાસ કાટમાળ ફેલાયો હતો. મધ્ય ખાર્કિવ પર ગઇરાત્રે ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પછી યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયાને એક ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર જણાવ્યું હતું. ગઇ રાત્રે એક સંબોધનમાં વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સામે ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં કામ ચલાવવું જોઇએ. તેમણે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન પર પૂર્વીય શહેર ખાર્કિવ પર હુમલા દરમ્યાન યુદ્ધ ગુનાઓ આચરવાનો આરોપ તો આ પહેલા મૂકયો જ છે.

ખાર્કિવ પર હુમલામાં ૧૧ના મોત
ખાર્કિવ પર સોમવારે કથિત રીતે ક્લસ્ટર બોમ્બ વડે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ જણા માર્યા ગયા હતા તથા અન્ય ૪૪ને ઇજા થઇ હતી. રશિયાએ ક્લસ્ટર બોમ્બનો તો ઉપયોગ કર્યો જ છે અને તેણે જો વેક્યુમ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હોવાનું સાબિત થશે તો તે એક યુદ્ધ ગુનો હશે. ફેસબુક પર મૂકવામાં આવેલા એક વીડિયોમાં બોલતા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ખાર્કિવના મધ્ય ચોકમાં કરવામાં આવેલો હુમલો એ એમ ખુલ્લો અને છૂપાવી નહીં શકાય તેવો ત્રાસવાદી હુમલો હતો અને પુટિનને ચેતવણી આપી હતી કે તમને કોઇ માફી આપશે નહીં, કોઇ ભૂલશે નહીં.

સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંનું એક
વેક્યુમ બોમ્બ એ થર્મોબેરિક શસ્ત્ર તરીકે પણ ઓળખાય છે. તે બિન-અણુબોમ્બ શસ્ત્રોમાં અત્યાર સુધીના સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંનું એક મનાય છે. જીનીવા કરાર હેઠળ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બોમ્બ વાતાવરણમાંની હવાનો જ ઉપયોગ કરીને વિસ્ફોટ સર્જે છે. આ બોમ્બ હવામાંનો ઓક્સિજન ખેંચી લે છે અને તેના વડે ભારે તાપમાનવાળો વિસ્ફોટ કરે છે. પરંપરાગત વિસ્ફોટકો કરતા તે નોંધપાત્ર લાંબા ગાળાનું વિસ્ફોટનું મોજું સર્જે છે. આ બોમ્બ જ્યાં ફાટે ત્યાં એવું સખત દબાણ સર્જાય છે કે તે વિસ્તારના લોકોના આંતરિક અંગો પણ કચડાઇ જઇ શકે છે. વધુ મોટો બોમ્બ હોય તો આખુ શહેર પણ કાટમાળમાં ફેરવાઇ શકે છે, માણસો અને પશુઓનું બાષ્પીભવન થઇ શકે છે.

૧૯૬૦ના દાયકામાં અમેરિકા અને સોવિયેટ યુનિયન – બંનેએ આવા બોમ્બ બનાવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૦૭મં રશિયાએ અત્યાર સુધીના આવા સૌથી મોટા બોમ્બનો ધડાકો કર્યો હતો જેનો વિસ્ફોટ ૩૯.૯ ટન જેટલી શક્તિનો થયો હતો. અમેરિકાનો આવો દરેક બોમ્બ ૧૬૦ લાખ ડોલરમાં તૈયાર થયો હોવાનું મનાય છે. ૨૦૧૭માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીબાનોના એક ગઢ પર આવો બોમ્બ ફેંક્યો હતો, જેનાથી ૩૦૦ મીટર પહોળી ફાંટ તે વિસ્તારની જમીનમાં પડી ગઇ હતી.

Most Popular

To Top