આમ તો સુરત મહાનગરમાં નાનાં મોટાં અનેક ઉપવનો રંગબેરંગી ફૂલો અને મધુર સુગંધથી સૌ ને પ્રસન્ન કરે છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનાં રંગમંચો પૂરા પાડનાર સ્થળોમાંના એકનું તો નામ જ રંગઉપવન છે, પણ તેમાંયે શિક્ષણ અને સંસ્કારના ધામ સમાન શાળાઓ પણ મનપાનું ગૌરવ વધારે છે. ભારતનાં રાજ્યોની વિવિધ ભાષાઓના માધ્યમથી શિક્ષણ પ્રદાન કરતી શાળાઓ છે. પોણા ત્રણસોથી વધુ પ્રાથમિક શિક્ષણની શાળાઓ ચલાવવા ‘‘નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ’’ કાર્યરત છે અને તેની વિદ્યાયાત્રા આગળ વધતાં સુમન શાળાઓમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની ગંગા પણ વહે છે. જો કે હાઈસ્કૂલો માટે શિક્ષણ સમિતિ ઉપરાંતની વ્યવસ્થા છે, જે મહાનગરપાલિકાના સીધા સંચાલન હેઠળ છે. આવી વિસંગતતા દૂર થાય તે માટે શિક્ષણ સમિતિમાં ચાલતો આવેલો ‘‘પ્રાથમિક’’ શબ્દ રદ કરી હાઈસ્કૂલોને પણ એક જ સ્કૂલ બોર્ડમાં સમાવી લેવી જોઈએ અને હાલમાં હાઈસ્કૂલો ચલાવવા પાલિકાને રાજ્ય સરકાર તરફથી વધારાની ગ્રાંટની રકમ મળતી હોય તે સ્કૂલબોર્ડને અપાય તો કોઈ આર્થિક સમસ્યા રહે નહીં.
મનપા દ્વારા હવે ડિજિટલ લર્નિંગ પેટર્ન ઉપર તમામ વર્ગોની કાયાપલટ કરી દેવાશે. સુમન શાળાઓના તમામ વર્ગોને સ્માર્ટ બનાવવામાં આવશે. પાલિકાની સુમન શાળાઓમાં વિદ્યા અભ્યાસ કરતાં તમામ બાળકોને પણ ખાનગી શાળાઓની એજ્યુકેશન પેટર્ન ઉપર અક્ષર જ્ઞાન મળે તે માટે તમામ સુવિદ્યા ઊભી કરવા પાલિકાએ કમર કસી છે. પાલિકા સંચાલિત સુમન શાળાઓમાં પાંચ પ્રાદેશિક ભાષાઓની સ્કૂલો મળી કુલ એકસો નેવ્યાસી ક્લાસ રૂમોમાં અગિયાર હજાર આઠસો સિત્તોતેર જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સ્માર્ટ ક્લાસ રૂમો તૈયાર કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થશે. કેલેન્ડર વર્ષ બે હજાર બાવીસના અંત સુધીમાં પાલિકા શહેરના ત્રણ વિસ્તારોમાં વધુ સુમન શાળાઓ શરૂ કરનાર છે. પ્રાથમિક શિક્ષણવાળી કેટલીક સ્કૂલો પણ મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન પણ થયું છે. સુરત મહાનગરપાલિકામાં વિદ્યાનાં ઉપવનો ખીલી રહ્યાં છે તે આનંદની વાત છે. કોઠારી શિક્ષણ પંચે તો કહ્યું જ છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે અને પાલિકા તે દિશામાં કાર્યરત છે, તેથી તે ધન્યવાદને પાત્ર ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.