Vadodara

કોઠી પાસે ગણપતિ મંદિરમાંથી રોકડા અને ચાંદીના છત્તરની ચોરી કરનાર બે ઝડપાયાં

વડોદરા: શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી શાસ્ત્રી પોળમાં  વડેશ્વર ગણપતિ મંદિર સામે રહેતા કિશોરભાઇ યશવંતભાઇ આંગરે (ઉં.વ.58) 30 ડિસેમ્બરના રોજ તેમના દીકરો ભરત નોકરી જવા માટે નીકળ્યો હતો. સવારે તે પોળ સામે આવેલા ગણપતિ મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે વડેશ્વર મંદિરની જાળીને મારેલુ તાળુ તૂટેલુ હતું. જેથી તેણે મંદિરમાં જઇને તપાસ કરતા બંને જાળી પર લગાવેલી દાનપેટી પણ તૂટેલી હાલતમાં જણાઇ હતી તેમજ ગણપતિની મૂર્તિ પર લગાવેલું છત્તર પણ જોવા મળ્યું હતું. જેથી તેઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં દાન પેટીના અંદાજ રૂ. 10 હજાર અને ચાંદીનું છત્તર રૂ. 15 હજાર મળી 25 હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેથી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બુધવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન ખોડિયાર નગર પરના મુખીનગર ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં બે શખ્સો  કલભાઇ ઉર્ફે મુકેશ કચરુભાઇ કટારા અને વિજય અંબાલાલ વાદીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી એક બાઇક બે મોબાઇલ, ચલણીનોટો, સિક્કા મળી 16 હજારનો મુદ્દામાલ કબજે લઇને પૂછતાછ હાથ ધરી હતી. જેમાં બંને 29-30 ડિસેમ્બરે રાત્રે કોઠી ચાર રસ્તા પાસેના ગણપતિ મંદિરની દામપેટીમાંથી રોકડા તથા ગણેશની મૂર્તિ પરનું ચાંદીના છત્તરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે એક બાઇક અને રોકડ રકમ મળી 53 હજારનો મુદ્દામાલ કબજે લઇને કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top