એક અતિ શ્રીમંત શેઠ એક સંત પાસે આવ્યા અને બોલ્યા, ‘સંતશ્રી મારે સાચો ધર્મ જાણવો છે અને તેનું પાલન કરી સાચું પુણ્ય મેળવવું છે તે માટે મને માર્ગ દેખાડો.’ સંત બોલ્યા, ‘તમારા પ્રશ્નનો જવાબ આમ તો સાવ સહેલો છે અને આમ અઘરો પણ.’ શેઠજી બોલ્યા, ‘એટલે? હું કંઈ સમજ્યો નહિ.’ સંત બોલ્યા, ‘શેઠ તમારા પર લક્ષ્મીજીની કૃપા છે જ એટલે તમે અચૂક ગયા જન્મમાં સારાં કર્મ કર્યાં હશે.આ જન્મમાં પણ સારાં કર્મો કરવાનું સતત ચાલુ રાખો.’ શેઠ બોલ્યા, ‘અરે બાપજી, એ તો ચાલુ જ છે. હું પૂજા પાઠ કરાવું છું.મંદિરોમાં અઢળક દાન આપું છું.મારા ગામમાં મેં મંદિર બંધાવ્યું છે.દર દિવાળીમાં છપ્પનભોગ કરાવું છું.બીજું કહો બાપજી, હજી શું કરું?’
સંત બોલ્યા, ‘શેઠજી, તમે હરિભજન અને ભક્તિનાં કાર્યો કરો છો. સારી વાત છે.પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળજો.હરિની ભક્તિ કરતાં કરતાં હરિના ભક્તો માટે, લોકો માટે પણ કામ કરો એ સાચો ધર્મ છે. તે તમને સાચું પુણ્ય કમાવી આપશે.’ શેઠજી બોલ્યા, ‘એટલે બાપજી, શું કરું? તમે જ માર્ગ દેખાડો.’ સંત બોલ્યા, ‘શેઠ તરસ્યાને પાણી પાવું બહુ પુણ્યનું કામ છે.તમે વટેમાર્ગુઓ માટે સ્વચ્છ પરબ બંધાવો.જ્યાં દરેક માટે પીવાના પાણીની વ્યવસ્થા હોય.’ શેઠજી તરત જ સાથે આવેલા મુનીમજીને કહેવા લાગ્યા, ‘મુનીમજી, આજે જ દસ પરબનું બાંધકામ શરૂ કરાવો.’ પછી શેઠજીએ સંતને પૂછ્યું, ‘બાપજી, પરબ બંધાવીશ. બોલો બીજું શું કરું?’ સંત બોલ્યા, ‘ભૂખ્યાંને ભોજન આપો કારણ કે જ્યાં ભૂખ્યાને રોટલો ત્યાં મારો હરિ ઢુંકડો એટલે કે જ્યાં ભૂખ્યાં જનોને ભોજન જમાડી તેમના પેટ ઠારશો ત્યાં આસપાસ જ ભગવાનનો વાસ હશે.’ શેઠજી બોલ્યા, ‘બાપજી, મંદિરમાં બધા માટે સદાવ્રત ભોજન શરૂ કરાવી દઈશ.’
સંત હસ્યા અને બોલ્યા, ‘જોયું, મેં કહ્યું હતું ને કે આ સાચા ધર્મ અને પુણ્યનો માર્ગ સાવ સહેલો છે અને અઘરો પણ.’ શેઠ વચ્ચે જ બોલ્યા, ‘બાપજી, આમાં કંઈ અઘરું નથી. બધું થઇ જશે.’ સંત બોલ્યા, ‘ના સાંભળો મારી વાત અઘરું શું છે તે હમણાં કહું છું સાંભળો.આ બધું પરબ અને સદાવ્રતમાં તમારે તમારું કે તમારાં પરિવાર જનોનું નામ ક્યાંય લખવાનું નથી.આ બધાં કાર્યો હું કરાવું છું તેવું અભિમાન એક ક્ષણ માટે પણ કરવાનું નથી. નહિતર કોઈ ફળ નહિ મળે.ઈશ્વરે તમને આ કાર્યો કરવાની તક આપી નિમિત્ત બનાવ્યા તે માટે સતત ઈશ્વરનો આભાર માનવાનો છે અને હા, માત્ર પૈસા આપીને નહિ પરબ અને સદાવ્રતમાં તનથી અને મનથી સેવા આપવી પણ જરૂરી છે.આ બધું કરવું અઘરું છે, પણ જો તેમ કરશો તો ચોક્કસ સાચો ધર્મ પાલન કરી સાચું પુણ્ય મેળવી શકશો.’ સંતે રસ્તો સમજાવ્યો અને સાચી સમજ આપી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.