Entertainment

સાઉથ તરફ ખાન-કપૂરની પા… પા… પગલી

સાઉથની ફિલ્મો હિન્દીમાં ખૂબ સફળ થવા માંડી પછી હિન્દી અને સાઉથના ફિલ્મોદ્યોગ વચ્ચે ‘ભાઇ-ભાઇ’ સંબંધ વધવા લાગ્યો. કિચ્ચા સુદીપની ‘વિક્રમ રાના’ ફિલ્મ હિન્દીમાં રજૂ થઇ તો તેને સલમાને પ્રેઝન્ટ કરી. તેના પ્રમોશનમાં પણ તે હાજર રહ્યો. એ ફિલ્મમાં સલમાનની ખાસ જેકલીન ફર્નાન્ડિસ છે તે ખરું પણ તેણે સામે ચાલીને સાઉથની ફિલ્મની સફળતા માટે પ્રયત્ન કર્યો. એવું અહીં બન્યું તો સાઉથના ટોપ સ્ટાર ચિરંજીવીએ આમીરખાનની ‘લાલસીંઘ ચઢ્ઢા’ના તેલુગુ વર્ઝનને તેલુગુ પ્રેક્ષકો સામે પ્રેઝન્ટ કરી. તેણે તો એમ પણ કહ્યું કે તેલુગુના પ્રેક્ષકો આ ફિલ્મને પ્રેમ કરશે. વાત અહીં જ અટકી નથી. ચિરંજીવીની આવી રહેલી ‘ગોડફાધર’ ફિલ્મમાં સલમાનખાન એક ભૂમિકા કરવાનો છે.

અત્યારે પાન ઇન્ડિયા ફિલ્મનો સમય શરૂ થયો છે એટલે સાઉથની ફિલ્મો હિન્દીમાં રજૂ થાય છે તો હવે હિન્દી ફિલ્મો પણ ડબ્ડ થઇ સાઉથમાં રજૂ થાય છે એટલે એકબીજાની ફિલ્મોનું પ્રમોશન ન થાય તો કોઇને લાભ નથી થવાનો. સાઉથના સ્ટાર્સ હિન્દીમાં ઝીરો છે તો હિન્દીના સ્ટાર્સ સાઉથમાં ઝીરો છે. અહીં એ પણ કહેવું જોઇએ કે આ પાન ઇન્ડિયા ફિલ્મની દિશા ‘બાહુબલી’થી મળી છે એટલે કે હિન્દી ફિલ્મના નિર્માતા કે સ્ટાર્સને આ આઇડિયા નથી આવ્યો. સાઉથવાળાઓને આવ્યો છે. તેઓ હવે ડબીંગનો મકિસમય લાભ લે છે અને તેથી હિન્દીવાળા પણ પોતાની ફિલ્મોના ડબીંગ કરાવવા તરફ વળ્યા છે. અત્યારે ડબીંગ ઉદ્યોગ જોરમાં આવી ગયો છે.

ફિલ્મ બને કે તરત તેના વિવિધ ભાષામાં ડબીંગનું કામ શરૂ થઇ જાય છે. બીજું કાંઇ નહીં આ રીતે સાઉથમાં હિન્દી ફિલ્મોનો અને ફિલ્મસ્ટાર્સનો પ્રવેશ શકય બન્યો છે. વડાપ્રધાન મોદી જેમ ત્યાંના રાજકારણમાં પ્રવેશ માટે યોજના બનાવે છે તેમ ફિલ્મસ્ટાર્સ પણ યોજનાબધ્ધ રીતે આગળ વધી રહ્યા છે. પાન ઇન્ડિયન ફિલ્મના કારણે હવે આખા દેશના પ્રેક્ષકોને મંજૂર હોય એવા વિષયો પર મોટા લેવલે કામ શરૂ થયું છે. આ કારણે ફેન્ટસી ફિલ્મો, ધાર્મિક અને ઇતિહાસના વિષય ધરાવતી ફિલ્મો બનવા માંડી છે.

જોકે સાઉથવાળા પાન ઇન્ડિયા ફિલ્મ માટે તૈયાર છે તેવું બંગાળી, મરાઠી યા ગુજરાતી ફિલ્મોવાળા તૈયાર નથી. સાઉથવાળા મોટા બજેટ સાથે કામ કરી શકે છે તે આ બંગાળી, મરાઠી કે ગુજરાતીવાળા ન જ કરી શકે. ગુજરાતી ફિલ્મવાળા તો આખું ગુજરાત જોઇ શકે એવી ય ફિલ્મ નથી બનાવી શકતા તો આખું ભારત જુએ એવી ફિલ્મો તો કેવી રીતે બનાવવાનાં? હિન્દીના કરણ જોહર, આદિત્ય ચોપરા, રોહિત શેટ્ટી જેવા જ આવી ફિલ્મો માટે રૂપિયા ખર્ચી શકે. હમણાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ હિન્દી ઉપરાંત અન્ય ભાષામાં ડબ થયેલી. અલબત્ત તેને નિષ્ફળતા મળી છે. તેમની ‘પઠાણ’ તમિલ, તેલુગુમાં ય રજૂ જવાની છે. મોટું બજેટ તો મોટું રિસ્ક ને મોટો ફાયદો પણ ખરો. ‘ટાઇગર-3’ પણ તમિલ, તેલુગુમાં ય રજૂ થશે. ‘બ્રહ્માસ્ત્ર’ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રજૂ થશે. હવે નિર્માતાઓ આ રીતે વિચારતા થઇ ગયા છે. એટલે હવે હિન્દી ફિલ્મના સ્ટાર પણ હવે ખરા અર્થમાં ભારતીય સ્ટાર થશે. જોકે અનેક રાજયો તો તો પણ છૂટી જશે. પણ હવે ફિલ્મો બદલાઇ રહી છે ને સ્ટાર્સ મોટા થઇ રહ્યા છે એ પાકુ. •

Most Popular

To Top