National

લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં આ કાયદો લાગુ પડશે, અમિત શાહની મોટી જાહેરાત

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી મુક્યા છે. શાહે દેશમાં સમાન નાગરિક ધારો એટલે કે CAAનો કાયદો લોકસભાની ચૂંટણી પહેલાં જ લાગુ કરી દેવાશે એવો દાવો કર્યો છે. આ સાથે શાહે વિપક્ષ પર આક્ષેપ કર્યો કે, વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.

એક બિઝનેસ ગ્લોબલ સમિટને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ CAA લાગુ કરવા અંગેની જાહેરાત કરી હતી. શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે સિટિઝન એમેન્ડેન્ટ એક્ટ એટલે કે CAA કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેશે નહીં. આ કાયદાનો હેતુ માત્ર ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલાં પાકિસ્તાન, અફઘાની અને બાંગ્લાદેશી લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે.

આ સાથે અમિત શાહે કહ્યું કે, વર્ષો પહેલાં કોંગ્રેસે લઘુમતીઓને વચન આપ્યું હતું પરંતુ તેનું પાલન કર્યું નહીં. જ્યારે દેશનું વિભાજન થયું અને લઘુમતીઓ પર અત્યાચાર થયો હતો ત્યારે બધા પાકિસ્તાન છોડી ભારત ભાગી આવવા માંગતા હતા ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે, તમે અહીં આવો, તમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.

આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું, આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિશે ગેરમાર્ગે દોરી ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. CAA માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.

Most Popular

To Top