Dakshin Gujarat

વલસાડ જીલ્લામાં કોરોનાનું બિહામણું સ્વરૂપ, કેસની સંખ્યા ઘટી પણ મોતની સંખ્યા વધી

valsad : વલસાડ જિલ્લામાં કોરોના ( corona) બિહામણું સ્વરૂપ લઈ રહ્યું છે. કેસો ઘટી રહ્યા છે, પરંતુ મોતની( death) સંખ્યા વધી રહી છે. શુક્રવારે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 103 નવા કેસો નોંધાયા છે. જોકે રાહતની બાબત એ રહી કે 105 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. આમ શુક્રવારે નવા કેસો કરતા રજા આપેલા દર્દીઓની સંખ્યા વધુ છે. તો વલસાડ શહેર અને તાલુકામાં પણ કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. નવા નોંધાયેલા કેસોમાં 67 પુરુષો અને 36 મહિલાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 4094 કેસો નોંધાયા છે, 2602 સાજા થયા છે, 1177 સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 97313 ટેસ્ટ કર્યા છે, જેમાં 93219 નેગેટિવ અને 4094 પોઝિટિવ ( corona positive) નોંધાયા છે. શુક્રવારે વલસાડ તાલુકામાં 3, પારડી તાલુકામાં 1, વાપી તાલુકામાં 3, ઉમરગામ તાલુકામાં 3 અને ધરમપુર તાલુકામાં 2 મોત નોંધાયા છે.


નવા નોંધાયેલા મોતમાં વલસાડ તાલુકામાં નવેરા દેરી ફળીયાનો 50 વર્ષીય પુરુષ, વલસાડ વશી ફળીયા ગુજરાતી શાળા નજીકની 49 વર્ષીય મહિલા, અટગામ મોટી ભોયાનો 50 વર્ષીય પુરુષ, પારડી તાલુકામાં સરોધી સિગા ફળીયાનો 46 વર્ષીય પુરુષ, વાપી તાલુકામાં છરવાડા ઇલવા ફળીયાની 60 વર્ષીય મહિલા, ચણોદ કોલોનીનો 36 વર્ષીય પુરુષ, સ્મિત એપાર્ટમેન્ટનો 75 વર્ષીય પુરુષ, ઉમરગામ તાલુકામાં ગાંધીવાડી માણેકનો 39 વર્ષીય પુરુષ, આદિત્ય દર્શન ટાઉનનો 42 વર્ષીય પુરુષ, ગાંધીવાડીનો 25 વર્ષીય પુરુષ, ધરમપુર તાલુકામાં ટીસકરી તલાતનો 46 વર્ષીય પુરુષ અને ઝરીયા ભૂંસારા ફળીયાના 61 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ નક્કી કરશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

જિલ્લામાં નવા નોંધાયેલા કેસ
વલસાડ 29
પારડી 08
વાપી 24
ઉમરગામ 24
ધરમપુર 17
કપરાડા 01

Most Popular

To Top