એક સમાચાર મુજબ ચીન એના એશિયન પાડોશીઓ પાસેથી ખરીદી ઘટાડી રહ્યું છે. ચીન ૨૦૦૧માં WTOમાં દાખલ થયું. એની સાથોસાથ કેટલીક આર્થિક નીતિઓ બદલાઈ, જેને કારણે બીજી એશિયન અર્થવ્યવસ્થાઓને આકર્ષક ફાયદો થયો છે, પણ હવે આ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. એશિયન અર્થવ્યવસ્થાઓ માટે ચીનનું નિકાસબજાર તરીકેનું મહત્ત્વ ઘટ્યું છે. ચીન હવે તેમની પાસેથી અને વિશ્વમાંથી ઓછી આયાત કરે છે.
કારણ કે, ચીનની ઘરઆંગણાના બજારની માંગ ઘટી છે. તે ઉપરાંત સપ્લાય ચેઇન પણ બદલાઈ રહી છે. એશિયન અર્થવ્યવસ્થાઓને ચીનની માંગ ઘટતાં નવાં બજારો શોધવાની ફરજ પડી છે જ્યાં નિકાસ કરીને ચીનની ઘટેલી આયાતોનો ખાડો પૂરી શકાય. સાથોસાથ આ એશિયન દેશોમાં ચીનની વધતી જતી નિકાસ સામે ઊભા રહેવા માટે પણ વ્યૂહરચના ઘડી શકાય.
આમ કરવું હોય તો એ વાતનો પણ ખ્યાલ રાખવો પડે કે, ચીનમાંથી આયાતો ઉપર પશ્ચિમી દેશોનાં નિયંત્રણો વધુ ને વધુ કડક બનતાં જાય છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ લગભગ બે વર્ષ કરતાં વધુ વર્ષથી ચાલે છે. એ પહેલાં પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન માટેની નીતિ ચીની ઉત્પાદનોને અમેરિકન બજારમાં ઓછો ને ઓછો પ્રવેશ મળે તે માટે તેમના ઉપર ભારે ટેરીફ (આયાત ડ્યૂટી) નાખવાની રહી હતી. સામા પક્ષે ચીને એના વળતા જવાબ તરીકે અમેરિકાની આયાતો ચીનમાં પ્રવેશે તે માટે આકરાં નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું હતું.
તે સમયે ચીનની અર્થવ્યવસ્થા તેજીમાં હતી અને એટલે અગાઉ રશિયા અને અમેરિકા બંને જુદા જુદા છેડાની મહાસત્તાઓ ગણાતી હતી તેને બદલે હવે એ સ્થાન ચીન લઈ રહ્યું હતું. ચીન, રશિયા, તૂર્કી, ઇરાન તેમજ અન્ય દેશોની એક ધરી સામે અમેરિકાના જૂથમાં પશ્ચિમી દેશો તેમજ ઑસ્ટ્રેલિયા બીજી ધરીમાં સામેલ હતા. યુક્રેન યુદ્ધ શરૂ થયું એટલે અમેરિકાએ રશિયા ઉપર ભારે નિયંત્રણો લાદ્યાં હતાં અને ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ રશિયામાંથી બહાર નીકળી ગઈ હતી. જો કે રશિયાએ આયાત માટેની સમાંતર ચેનલ ખોલીને એની અસર શક્ય તેટલી ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો.
બીજી બાજુ ચીન જે પોતાના માટે ક્રુડ ઑઇલનો મોટો જથ્થો સાઉદી અરેબિયા પાસેથી લેતું હતું તેના બદલે પોતાની જરૂરિયાત માટે ઘણા કન્સેશનલ ભાવે ક્રુડ ઑઇલની ખરીદી રશિયા પાસેથી કરે છે. આ જ રીતે જાપાન અને ફ્રાન્સ એકબીજા સાથે સંરક્ષણની બાબતો અંગે સહકાર સાધવા ચર્ચાઓ કરી રહ્યા છે. આ ચર્ચાના અનુસંધાને જાપાન સેલ્ફ ડિફેન્સ ફોર્સીસ અને ફ્રેન્ચ મિલિટરી એકબીજાના દેશની મુલાકાતે જવાની તેમજ વધુ યુદ્ધઅભ્યાસ અને તાલીમ માટે સહકાર સાધવાની વાત થઈ હતી. આમ, એક બાજુ ચીન WTOમાં દાખલ થયા બાદ લગભગ બે દાયકા પછી એના એશિયન પાડોશીઓ સાથે આયાત-નિકાસ વ્યાપારનાં સમીકરણ બદલી રહ્યું છે, જે આવનાર સમયની બદલાઈ રહેલી પરિસ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેની એપ્લિકેશન બાબતે અત્યારે અમેરિકા દુનિયામાં સૌથી આગળ છે. ઑપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ‘ચેટ જીપીટી’ સંદર્ભે ચીન પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ચીનની ચાર સ્ટાર્ટઅપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે અગ્રેસર છે અને તેમની કિંમત ૧.૨ અબજથી ૨.૫ અબજ વચ્ચે મૂકવામાં આવે છે, જે છેલ્લા ત્રણ મહિનાનો આંકડો છે. ૨૬૦થી વધુ ચાઈનીઝ કંપનીઓ OpenAI અને એન્થ્રોપિક ક્ષેત્રે તેમના અમેરિકન હરીફોને માત કરવા કમર કસી રહી છે. આ ચાર સ્ટાર્ટઅપમાં ઘરઆંગણાનાં રોકાણકારો નાણાં રોકી રહ્યાં છે અને આ માટે જરૂરી નિષ્ણાતોને રોકવા અને તે થકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રોડક્ટ ડેવલોપ કરવા માટે ચીન અગ્રેસર બની રહ્યું છે. આમ ચીનનો આ ક્ષેત્રે પ્રવેશ અમેરિકન કંપનીઓ માટે ચિંતા કરાવે તેવા સમાચાર તો છે જ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.