Madhya Gujarat

ચરોતરના છ તાલુકાના ગામડાંની તરસ છીપાશે !

નડિયાદ, વિરપુર : ખેડા, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના 8 તાલુકા કપડવંજ, કઠલાલ, મહુધા, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ અને ગલતેશ્વરના કુલ 169 ગામનાં તળાવો ભરવા માટે સરકાર દ્વારા રૂ.1077.70 કરોડનો પ્રોજેક્ટ અંદાજવામાં આવ્યો છે. બે તબક્કામાં કુલ 7 તાલુકાના 169 ગામોના તળાવને પાઇપ લાઇન મારફતે જોડવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં મહી નદી આધારીત 120 ગામ માટે 852 કરોડ તથા બીજા તબક્કામાં 49 ગામ માટે 225.70 કરોડ સમાવેશ કરવામાં આવશે.

ખેડા, મહિસાગર અને અરવલ્લીના કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, લુણાવાડા, વિરપુર, બાયડ, મહુધા અને ગળતેશ્વર તાલુકામાંથી નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરની વચ્ચે આવેલી છે. જેની પૂર્વ દિશાએ મહી નદી છે. આ આઠ તાલુકાના મોટા ભાગના ગામોને કોઇ પણ સ્ત્રોતમાંથી સિંચાઇનો લાભ મળતો નથી. સિંચાઇથી વંચિત આ વિસ્તારના લોકો તેમની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. પરંતુ અનિયમિત ચોમાસુ અને કમાન્ડ વિસ્તાર પાસે સિંચાઇની કોઇ સુવિધા ન હોવાથી ખેતી માત્ર વરસાદ પર આધારીત છે. વરસાદ પણ સમગ્ર વિસ્તારમાં અસમાન પડતો હોવાથી આ વિસ્તારમાં પાક નિષ્ફળ જાય છે.

આમ, ખરીફ પાકોને રક્ષાત્મક સિંચાઇ માટે અને રવિ પાક માટે પાણી આપવાની માગ ઉઠતી રહે છે. આ વિસ્તારમાં જળસંચયથી ભૂગર્ભજળમાં વધારો થાય અને સિંચાઇ માટે પુરતું પાણી ઉપલબ્ધ થઇ શકે તે માટે આગામી પાંચ વર્ષમાં આશરે 200 કરોડના અંદાજીત કિંમતે રિચાર્જ વેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીનો તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે વર્ષ 2022-23માં રૂ.14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઇ વિભાગના બજેટ પ્રવચનમાં બાલાસિનોર, કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના 120 ગામો માટે તબક્કા-1ની કામગીરી માટે 28મી સપ્ટેમ્બર,2022ના રોજ 852 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

તેમજ બાલાસિનોર, લુણાવાડા, વિરપુર અને બાયડ તાલુકાના 49 ગામો માટે તબક્કા-2ની કામગીરી માટે 28મી ઓક્ટોબર,22ના રોજ વધુ રૂ.225.69 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આમ, બન્ને તબક્કામાં મળી કુલ 169 ગામોના તળાવોને પાઇપ લાઇનથી જોડવાની એકંદરે રૂ.1077.70 કરોડની મહત્વની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત મહુધા તાલુકામાં હયાત નહેરોની મરામત અને સુધારણાની કામગીરી માટે રૂ.38.87 કરોડની વહીવટી મંજુરી આપવામાં આવી છે.

આ યોજનાથી શું લાભ થશે ?
ખેડા, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના સાત તાલુકા કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ અને ગલતેશ્વરના કુલ 169 ગામનાં તળાવો ભરાવાથી આજુબાજુના વિસ્તારને સિંચાઇના પાણીનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ લાભ મળશે. આ ગામોના આજુબાજુના વિસ્તારના ભુગર્ભ જળનાં તળ ઉંચા આવશે. આ તળાવોને પૂરક પાણી આપવાથી પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. તમામ ઉપયોગો અને ગામની માનવ અને પશુ વસતીની આજીવિકા પણ ટકાવી રાખે છે. તે કૃષિ, ડેરી વગેરેમાંથી પણ વધુ આવક તરફ દોરી જશે અને ગામડાંઓનું જીવન ધોરણ ઉન્નત કરશે. આ યોજનાની કામગીરીના તબક્કા એકથી અંદાજે 8100 હેક્ટર તથા તબક્કા 2થી અંદાજે 4400 હેક્ટર એમ મળીને કુલ 12,500 હેક્ટર વિસ્તારને લાભ મળશે.

વિરપુર તાલુકાના 27 તળવામાંથી માત્ર એકજ તળાવ સિંચાઇથી ભરાતું હતું
વિરપુર તાલુકાના હાલના સમયે માત્ર ચોમાસું વાવેતર કરવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીનો કકળાટ અત્યારથી શરૂ થઈ ગયો છે. વિરપુર તાલુકાના 27 પૈકી એકજ તળાવ છે જે સિંચાઇ દ્વારા ભરવામાં આવી રહ્યું છે. બાકીના તળાવ માત્ર ચોમાસાના સમયે વરસાદી પાણીથી ભરાય છે એ પણ માત્ર બે ત્રણ માસમાં તળાવોના તળીયા દેખાવા લાગે છે.

શા માટે આ યોજના બનાવવામાં આવી ?
કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, ગલતેશ્વર અને બાયડ તાલુકાના ગામોને સિંચાઇનો અપૂરતો લાભ મળતો હોવાથી ખેડૂતો દ્વારા વારંવાર ઉગ્ર રજુઆતો કરવામાં આવે છે. જેને ધ્યાને રાખી કપડવંજ તાલુકાના પૂર્વ પટ્ટાના ગામોને સિંચાઇનો લાભ આપી શકાય તે બાબતે સર્વેક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રાથમિક સર્વેક્ષણ અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના 83 ગામો, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને વિરપુર તાલુકાના 80 ગામ તથા બાયડના 6 ગામ એમ મળી કુલ રૂ.169 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્યા તાલુકાના કેટલા ગામને લાભ મળશે ?
તાલુકો ગામો
કપડવંજ 57
કઠલાલ 20
ગલતેશ્વર 06
લુણાવાડા 09
બાલાસિનોર 39
વિરપુર 32
બાયડ 06
કુલ 169

મહુધામાં નહેરોનું સમારકામ કરાશે
મહુધા તાલુકા માં છેલ્લાં ઘણાં વર્ષોથી બનાવેલી નહેરો ઘણી બિસ્માર હાલતમાં છે. જેથી ખેડૂતો માટે શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ છે. આથી, સરકાર દ્વારા રૂ.38.87કરોડના ખર્ચે આ નહેરોનું સમારકામ કરવામાં આવશે. જેના પગલે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહેશે.

Most Popular

To Top