કેનેડામાં અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોના લોકો કેનેડા જવાનાં સપનાં જોતા હોય છે, પરંતુ એવું લાગે છે કે કેનેડા લોકોને આકર્ષવા માટે પોતાનું મહત્ત્વ ગુમાવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ જીવનનિર્વાહનો વધતો ખર્ચ, મકાનની કિંમતો અને ભાડામાં ભારે વધારો છે, જેના કારણે લોકો કેનેડા જવાનું ટાળી રહ્યાં છે, એટલું જ નહીં હવે રિવર્સ માઈગ્રેશન પણ શરૂ થઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે જે લોકો પહેલાં કેનેડામાં રહેતાં હતાં તેઓ હવે અન્ય દેશો તરફ જઈ રહ્યાં છે. કેનેડાના જ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની વૃદ્ધત્વ અને ઘટતી વસ્તીના મોટા પડકારનો સામનો કરવા માટે ઈમિગ્રેશનને તેમનું મુખ્ય હથિયાર બનાવ્યું છે. આનાથી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડા અનુસાર આ વર્ષે કેનેડાની વસ્તી છ દાયકામાં સૌથી ઝડપી ગતિએ વધી છે, પરંતુ હવે આ ટ્રેન્ડ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે ૨૦૨૨ અને ૨૦૨૩ પછી આ વર્ષે પણ લોકોનો કેનેડા છોડવાનો ટ્રેન્ડ ચાલુ છે. ભારતનાં જે નાગરિકો કોઈ કારણસર અમેરિકામાં પ્રવેશવા સક્ષમ ન હોય તેમની બીજી પસંદ કેનેડા હતું. કેનેડામાં ફુગાવો અને ભાડા ઇમિગ્રન્ટ્સ માટે અસ્તિત્વની લડાઈમાં ફેરવાઈ રહ્યા છે.
આનાથી લોકોને કેનેડા તરફ પીઠ ફેરવવાની ફરજ પડી રહી છે. જો છેલ્લાં કેટલાંક વર્ષોના ડેટા પર નજર કરીએ તો, સત્તાવાર આંકડાઓ અનુસાર ૨૦૨૧ માં ૮૫,૯૨૭ લોકોએ કેનેડા સિવાય અન્ય દેશોમાં આશરો લીધો હતો. ૨૦૨૨માં ૯૩,૮૧૮ લોકોએ કેનેડા છોડી દીધું હતું. તે જ સમયે, ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે ૨૦૨૩ માં લગભગ ૪૨,૦૦૦ લોકોએ કેનેડા છોડી દીધું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર કેનેડિયન સિટિઝનશિપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૯માં બે દાયકામાં કેનેડા છોડનારાં લોકોની સંખ્યા સૌથી વધુ છે. જો કે તે સમયે કોરોના અને લોકડાઉનને તેની પાછળનું કારણ માનવામાં આવતું હતું, પરંતુ હવે ફરી એક વાર આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર કેનેડિયન સિટિઝનશિપનો રિપોર્ટ કહે છે કે કેનેડામાં સ્થળાંતરમાં સતત વધારો કેટલાક નિરીક્ષકો માટે ચિંતાજનક છે. કેનેડાની કુલ વસ્તીની ટકાવારી તરીકે ઇમિગ્રેશન ૧૯૯૦ના દાયકાના મધ્યમાં ૦.૨ ટકાના ઊંચા સ્તરે પહોંચ્યું હતું. હાલમાં તે ૦.૦૯ ટકાની આસપાસ છે. વસાહતીઓ દ્વારા કેનેડા છોડવાના નિર્ણય માટેના સૌથી મોટા કારણ તરીકે આસમાનને આંબી જતી મકાનોની કિંમત ગણાવાય છે.
કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેમનો દેશ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રહેઠાણની નાણાંકીય જરૂરિયાત બમણી કરશે. કેનેડાના શરણાર્થીઓ અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે જીવનનિર્વાહની નાણાંકીય જરૂરિયાતની લઘુતમ કિંમત ૧૦ હજાર કેનેડિયન ડોલરથી વધારીને ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે દેશમાં વિદ્યાર્થીઓને કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આવું કરવામાં આવી રહ્યું છે.આ પગલું ભારત સહિતના દેશોમાંથી આવતાં વિદેશી વિદ્યાર્થીઓના આગમનને અસર કરશે.
કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતીય વિદ્યાર્થીઓ પર આ ફેરફારની મોટી અસર પડશે. મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનના મનદીપે આ નવા નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. આઇઇએલટીએસ પરીક્ષાઓ અને કૉલેજની વધેલી ફી અને ઊંચા ભાડાને કારણે વિદ્યાર્થીઓ પહેલેથી જ તણાવમાં છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શરતો હળવી કરવાને બદલે કેનેડિયન સરકાર વિદ્યાર્થીઓના ખર્ચ માટે બેંકોમાં જરૂરી સિક્યોરિટી ડિપોઝિટ બમણી કરી રહી છે.
પહેલાં આ ન્યૂનતમ રકમ ૧૦ હજાર કેનેડિયન ડોલર હતી, જે હવે બમણી થઈ ગઈ છે. આ રકમ જમા કરાવ્યા બાદ બેંકો ગેરંટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ જારી કરે છે. હાલમાં ખર્ચના આધારે આ ખાતામાંથી માત્ર ૬૭૦ ડોલર જ ઉપાડી શકાય છે. ફુગાવો અને સુધારેલી લઘુતમ સુરક્ષા રકમમાં વધારાને ધ્યાનમાં રાખીને આ મર્યાદા બમણી કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ આ વધારાનો બોજ વિદ્યાર્થીઓને કેનેડામાં તેમનું શિક્ષણ લેવાથી અટકાવશે, કારણ કે નાણાંકીય સંસાધનો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
કોલેજની ફી ઘટાડવા, ભાડાંને નિયંત્રિત કરવા અથવા સસ્તા પબ્લિક ટ્રાન્સપોર્ટ આપવાને બદલે કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર બોજ વધારી રહી છે. કોરોના કાળ પહેલાં જ્યારે કેનેડાને કામદારોની અછતનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઇમિગ્રેશન નિયમો હળવા કરવામાં આવ્યા હતા, જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેનેડા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો. હવે કેનેડા નિયમો કડક કરી રહ્યું છે. કેનેડિયન સરકારને ખબર છે કે કેટલાંક ભારતીયો કેનેડામાં ઘૂસવા સ્ટુડન્ટ વીસાનો દુરુપયોગ કરી રહ્યા છે. કેનેડામાં અભ્યાસ કરવા ગયેલાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને ચિંતા છે કે ત્યાંનું વહીવટીતંત્ર તેમને ભારત પરત મોકલી શકે છે.
વાસ્તવમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એજ્યુકેશન વીસા પર કેનેડા ગયા હતા. તપાસ દરમિયાન તેનો એડમિશન ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આવાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૭૦૦ છે, જેમને ભારત પરત મોકલવાનું જોખમ છે. પરંતુ સવાલ એ છે કે ૭૦૦ વિદ્યાર્થીઓ સાથે આટલી મોટી છેતરપિંડી કેવી રીતે થઈ અને તેઓને તેની ખબર પણ ન પડી. પંજાબ સરકારનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનારા આવા બદમાશ ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં કેન્દ્ર સરકારે સહકાર આપવો જોઈએ.
ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા અને યુક્રેનમાં મોટી સંખ્યામાં શિક્ષણ મેળવે છે. જ્યારે યુક્રેન યુદ્ધમાં ફસાયું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પાછા ફર્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં રહે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે તેમનું ભવિષ્ય અંધકારમાં છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ખાલિસ્તાન પ્રત્યેના પ્રેમને કારણે ભારત સાથેના સંબંધો પાતાળ સુધી પહોંચી ગયા છે. કેનેડા પણ આ હાઉસિંગ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કેનેડાએ પણ વિદેશી વિદ્યાર્થીઓ પર વીસા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ કારણોસર ભારતીય વિદ્યાર્થીઓ એવા દેશની શોધમાં છે, જ્યાં રહેવાની સાથે સાથે અભ્યાસ પણ સસ્તો હોય.
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે બંને દેશોના સંબંધો પર દેખાઈ રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા જવાથી દૂર રહેવા લાગ્યાં છે. યુરોપના અન્ય દેશોએ તેનો ભરપૂર લાભ લેવાનું શરૂ કર્યું છે. આ બધાની વચ્ચે ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એવી જાહેરાત કરી છે, જેનાથી વિદેશમાં ભણવાનું સપનું જોનારાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયાં છે. ભારતના ૭૫મા પ્રજાસત્તાક દિને હાજરી આપતાં પહેલાં તેમણે એક ટ્વીટમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ફ્રાન્સના પ્રમુખે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે ‘‘વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ પેરિસમાં શિક્ષણ માટે આવશે. આ એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે, પરંતુ અમે તેને હાંસલ કરીશું.’’એક નોંધ જાહેર કરતી વખતે તેમણે કહ્યું કે ‘‘અમે ફ્રેન્ચ શીખવા માટે ફ્રેન્ચાઇઝીનું નેટવર્ક વિકસાવીશું, જેમાં ફ્રેન્ચ શીખવા માટે નવાં કેન્દ્રો હશે. અમે આંતરરાષ્ટ્રીય વર્ગો બનાવીશું જેથી કરીને જે લોકો ફ્રેન્ચ બોલી શકતાં નથી તેઓ પણ ફ્રેન્ચ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે. આ સાથે અમે અગાઉ ફ્રાન્સમાં અભ્યાસ કરી ચૂકેલાં લોકોને વીસા આપવામાં મદદ કરીશું.’’