Gujarat

ચોમાસા પહેલા જ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારો વર્તાયો રહ્યો છે. જેની વચ્ચે મંગળવારે બપોર બાદ સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાં વાતાવરણમાં (Atmosphere) પલટો આવ્યો હતો, અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સાંજ થતાં જ જોરદાર પવન સાથે અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain) પડ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચથી વધારે લાઠી તાલુકામાં પોણા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ અને લાઠી તાલુકામાં પોણા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં (Shetrunji river) પાણીની આવક થતાં નદી છલોછલ થઇ ગઇ હતી ને પૂર આવ્યું હતું. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલાં જ નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા.

  • સાવરકુંડલામાં બે ઇંચથી વધુ વરસાદ સાથે કરા પડ્યા
  • પાટણ-બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ
  • અમરેલી, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મંગળવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં જોરદાર પવનો સાથે વરસાદ તૂટી પડયો હતો. અમરેલીના સાવરકુંડલા તાલુકા વંડા, શેરણા, મેવાસા, વાસિયાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા સ્થાનિક લોકોએ વાતાવરણની મજા પણ માણી હતી.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાનાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને જેસરની આસપાસના ભૂતિયા, રંઘોળા, લીમડા, ધરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તેવી જ રીતે બોટાદ અને અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં પણ વાતાવરણ વરસાદી બની ગયું હતું.

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના બામરોલી, નપુરા, વારાહી વિસ્તારમાં ધીમો ધીમો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને સાંજ થતાં થતાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા, અને ઠંડા પવન સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું.

રાજ્યમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે
અમદાવાદ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જો કે રાજ્યમાં ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે, તેવો હવામાન ખાતાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ સર્જી શકે તેવી કોઈ જ સિસ્ટમ સક્રિય નથી હાલમાં રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે, જેને પગલે તારીખ 8થી 11 જૂન સધીમાં સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં તીવ્ર પવન ફુંકાવા સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.

Most Popular

To Top