Columns

સંતની સોનેરી સલાહ

એક યુવાનને જીવનમાં જે કામ કરે તેમાં નિષ્ફળતા મળતી. તે હવે ફરી ફરી પ્રયત્ન કરીને થાકી ગયો હતો. તે થાકી હારીને એક સંત પાસે ગયો અને પૂછ્યું, ‘બાપજી, જીવનમાં કંઈ પણ કરું, મને નિષ્ફળતા જ મળે છે અને ઘણા પ્રયત્નો કર્યા, ઘણા રસ્તા શોધ્યા, પણ મને સફળતા મળતી જ નથી. તો આપ મને રસ્તો બતાવો કે હું જીવનમાં સફળતા કઈ રીતે મેળવી શકું?’ સંત હસ્યા અને બોલ્યા, ‘યુવાન, એમ નાસીપાસ ન થા.જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલાં તારું ધ્યેય નક્કી હોવું જોઈએ અને તે ધ્યેય સુધી પહોંચવાનો સંકલ્પ મજબૂત હોવો જોઈએ.

તારો સંકલ્પ મજબૂત જ નથી અને મને લાગે છે કોઈ ખાસ ધ્યેય પણ નથી તારું, કારણકે જરા જેટલી નિષ્ફળતા મળે તો તું ડરી જઈને ધ્યેય જ બદલી નાખે છે.સૌથી પહેલાં તારે શું મેળવવું છે તે નક્કી કર અને પછી એથી વધારે તે ધ્યેય મેળવવાનો તારો સંકલ્પ મજબૂત કર તો તું અચૂક સફળ થઇ શકીશ.’ યુવાને કહ્યું, ‘પણ બાપજી,તમે કહો છો સફળતા મેળવવા સંકલ્પને મજબૂત કરો તો આ સંકલ્પોને મજબૂત કઈ રીતે કરી શકાય તે મને સમજાવો.’ સંત બોલ્યા, ‘યુવાન સંકલ્પ મજબૂત બનાવવા તારે ત્રણ રહસ્યો જાણવાં પડશે.સૌથી પહેલું રહસ્ય છે કે તારા વર્તમાનને બરાબર જોઈ લે, જાણી લે અને તેનો સ્વીકાર કરી લે.એટલે તારી પાસે જે છે તેનો સ્વીકાર કરી લે,જે પરિસ્થિતિ છે, તારા જે સંજોગો છે તેને જાણી લે, ઓળખી લે ,સમજી લે અને આત્મસાત કરી લે.

જે પણ સ્થિતિ છે તેનો જેમ છે તેમ કોઈ પ્રતિભાવ આપ્યા વિના સ્વીકાર કરી લે.તું જેવો છે તેવો જ રહે અને સંજોગોને પણ તેવા જ રહેવા દે.બીજું રહસ્ય ઓળખવાનું છે તે છે તારી પોતાની જાતને ઓળખ.તારી શક્તિ શું છે. ભણતર કેટલું છે. તને શું ગમે છે.તારી ઈચ્છા શું છે.કેટલી ઈચ્છા અને તીવ્રતાથી તું તારી શક્તિનો ઉપયોગ તારું ધ્યેય મેળવવા માટે કરવા માંગે છે અને તું પોતાનું જાતનિરીક્ષણ કરી આત્મશક્તિ અને ઈચ્છાશક્તિ સમજી લે અને તે પ્રમાણે આગળ વધ. તારા ધ્યેય માટે જો કંઈ ખૂટતું હોય તો પહેલાં તે શીખવા પર ધ્યાન આપ અને પછી પૂરી શક્તિ લગાડી મહેનત શરૂ કર અને ત્રીજું રહસ્ય છે આપણું મન.આ મન સમજો  અને તેને આપણા માલિક ન બનવા દો.મનના ગુલામ ન બનો.મનને ગુલામ બનાવો એટલે તું તારા મનની ગતિને જાણી લે અને મનની ઈચ્છા પ્રમાણે દોડવાને બદલે તારી ઈચ્છા શક્તિ મુજબ મનને મજબૂત બનાવી આગળ વધાર.મનની ઇચ્છાઓનો ગુલામ તું ન બન. તેને તારી ઈચ્છા પ્રમાણે ગતિમાન કર તો તારા સંકલ્પ મજબૂત બનશે અને  તું ચોક્કસ તારા ધ્યેય સુધી પહોંચી શકીશ અને તને સફળતા મળશે.’  સંતે ત્રણ સોનેરી સલાહ આપી.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top