Vadodara

શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા યથાવત્

વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે સેંકડો અકસ્માત થયા છે. જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેકનિકમા અભ્યાસ કરતો 18 વર્ષીય વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતા શિંગડું આંખમાં વાગ્યું હતું. જેમાં તેની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસના દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે. જેના કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલિટેકનિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવી રહ્યો હતો. તે સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યારબાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતા ગાયનું શિંગડું હેનીલની આંખમાં ખુંપી જતા લોહીલુહાણ થઇ ગયો હતો.કમ કમતી ભર્યું દ્રશ્ય જોઈ ને લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ ધટના સ્થળ પર ધસી આવ્યા હતા અને તેઓએ લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. જેમાં તેની આંખ ફૂટી ગઇ હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

વળતરની માગ કરીશું : ઈજાગ્રસ્તના પિતા
ઈજાગ્રસ્તનાં પિતા નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જ જવાબદાર છે. ઘણા લોકોને ઇજા પણ થઇ છે અને મૃત્યુ પણ થયા છે. આ લોકો એસી ઓફિસમાં બેસીને માત્ર વાતો જ કરે છે.કોઇ એક્શન લેવાતા નથી. અમે વળતરની માંગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું.

ફરસાણ લઈ ઘરે જતો હતો : વિદ્યાર્થી હેનીલ પટેલ
વિદ્યાર્થી હેનીલ પટેલે જણાવ્યું હતું કે, હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો હતો. જેથી ગાય ભાગતા તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગ્યું હતું. એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

તંત્રની નબળી કામગીરીને પગલે આંખ ગુમાવી : માતા
વિદ્યાર્થીની માતા ભાવનાબેન પટેલે રડતા રડતા જણાવ્યું હતું કે, હું બહુ દુઃખી છું કે, તંત્ર ની નબળી કામગીરી ના પાપે મારા વ્હાલસોયા પુત્રને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશને આ મામલે કડક મા કડક કાર્યવાહી કરવી જોઇએ. રખડતા ઢોરોને પકડવા જોઇએ અને રોડ પર રખડતા ઢોર બંધ કરાવવા જોઇએ. જેથી કરીને મારા પુત્ર ની જેમ બીજા કોઇના પુત્રને આંખ ન ગુમાવવી પડે.

Most Popular

To Top