Charchapatra

જૈન સમાજે સાબિત કરી આપ્યું કે માંગ સાચી અને સંગઠન મજબૂત હોય તો સરકારે નમવું પડે

દરેક દેશમાં એક વાત મુદ્દો સામાન્ય હોય છે અને તેમાં એક જ વાત કહેવામાં આવતી હોય છે કે માઇનોરિટી ઉપર અત્યાચાર થાય છે. માઇનોરિટીને ન્યાય મળતો નથી. પરંતુ આ મુદ્દો ઊંચકનારા રાજકીય નેતાઓ ભૂલી જાય છે કે જો સમાજ જેટલો નાનો અને જેટલો સંગઠીત હોય અને તેમની માંગ સાચી હોય તો સરકારે પણ નમતું જોખવું પડે છે. દુનિયાની જો વાત કરીએ તો તેનું સૌથી મોટું ઉદાહરણ યહુદીઓ છે. આ કોમના દેશનું નામ ઇઝરાયલ છે. દુનિયાના નકશામાં આ દેશને શોધવો હોય તો બિલોરી કાચ લઇને બેસવું પડે. તેમ છતાં એક સાથે પડોશના છ મોટા દેશને હરાવવાનો ખિતાબ આ દેશ પાસે છે. તેનું કારણ એ છે કે તેઓ માઇક્રો માઇનોરિટીમાં હોવા છતાં સંગઠીત છે.

તેવી જ રીતે જો આપણા દેશની વાત કરીએ તો જૈન સમાજ માઇક્રોમાઇનોરિટીમાં આવે છે. આ સમાજ અહિંસક છે. પહેલી વાત તો એ કે આ સમાજના લોકો ધર્મ અને વેપાર સિવાયની બીજી કોઇ બાબતમાં પડવા માગતા નથી. પરંતુ હા જો અન્યાય થાય તો અહિંસક આંદોલન કરવામાં પણ પાછી પાની કરતાં નથી. તાજેતરમાં જ પાલિતાણામાં આવેલા શૈત્રુંજ્ય પર્વત ખાતે કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી અને તેમાં ન્યાય માટે જૈનો રસ્તા ઉપર ઉતર્યા હતાં. તેમની માગ ઉપર નજર કરીએ તો (1) અત્યંત નિંદનીય ઘટનામાં હાલમાં જ તા. ૨૬-૧૧-૨૦૨૨ ની રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા રોહિશાળામાં 3 ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવ્યા અને આજે ૨૦ દિવસ ઉપરાંત થઈ ગયેલ છે, તેમ છતાં પણ કોઈ પણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી.

(2) તળેટીમાં આવેલાં ડુંગરપુર, જીવાપુર અને આદપુર વિગેરે ગામોમાં પવિત્ર  શત્રુંજય ગિરિરાજ ઉપર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગેરકાયદેસર ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગે પેઢી અને અન્ય સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને ફરિયાદો લાગતાં વળગતાં ખાતાં, મિનિસ્ટરો વિગેરેને કરવામાં આવેલી છે. (3) હાલમાં  આણંદજી કલ્યાણજી પેઢીએ પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા મુજબના ગુનેગારો જેવા કેટલાક મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની ચડામણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય તેવાં પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યાં છે. શરણાનંદ બાપુના માધ્યમથી લોકોમાં ભાષણો તથા સોશ્યલ મીડિયા વિગેરે દ્વારા વૈમનસ્ય વધે તેવી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવાઈ રહી છે.

(4) લોકલાગણીને જૈનો વિરૂદ્ધ ભડકાવવા વડે આ લોકો દ્વારા ગિરિરાજ ઉપરની ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોની સંપૂર્ણ માલિકીના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના ગઢના અંદરની આશરે ૨ એકર જેટલી જગ્યા માલિકીહક્કના કોઈ પણ આધાર પુરાવા વગર કાયદા વિરૂદ્ધની રીતરસમો અજમાવી ગેરકાયદેસર રીતે પોતાના તાબામાં લેવાની પેરવી કરવામાં આવી રહી છે. આ ચાર માગ સાથે જૈનો રસ્તા ઉપર ઉતર્યા તેમની રેલી મૌન હતી પરંતુ ગુજરાતના જુદા જુદા શહેરોમાં નીકળેલી રેલીના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક ત્યાં 25 જેટલા પોલીસ કર્મચારીની નિમણૂક સાથે ટાસ્કફોર્સ અને ચોકી મૂકવાની જાહેરાત કરી દીધી હતી. તેમની બીજી માગ સંમેત શિખરજીને ફક્ત તિર્થ સ્થાન રાખી પર્યટક સ્થળ નહીં બનાવવાની હતી. તે માગ પણ તેમની રેલી જોઇને કેન્દ્ર  સરકારે માની લીધી છે આમ જૈન સમાજે સાબિત કરી આપ્યું છે કે, લઘુમતિ કે બહુમતિથી કોઇ ફેર પડતો નથી. જો માગ સાચી હોય અને સમાજ સંગઠીત હોય તો કોઇએ પણ નમવું પડે છે.

Most Popular

To Top