Madhya Gujarat

વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદ્રીનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

આણંદ : વડતાલધામને આંગણે ભવ્ય હિંડોળા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, ડો સંત સ્વામી (મુખ્ય કોઠારી, વડતાલ), શા. નૌતમ સ્વામી, શા.ધર્મપ્રસાદ સ્વામી, શા.હરિૐ સ્વામી વગેરે વડિલ સંતોના વરદહસ્તે 36 દિવસીય મહોત્સવનું સાંજે ફુગ્ગા સાથે બેનરો અને શ્રીફળ દ્વારા મંગલ ઉદઘાટન થયું હતું.

આ કાર્યમાં આર્થિક સેવા આપનારા શાસ્ત્રી સ્વામી પૂજ્ય નૌતમપ્રકાશદાસજીએ હિંડોળા મહિમાની વર્ણવ્યો હતો. બાદ પૂજ્ય આચાર્ય મહારાજ, શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, ભક્તિજીવન સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામવલ્લભ સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. આ હિંડોળા ઉત્સવના પ્રારંભનો સંયોગ સર્જાતા મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના, બંને પાસા ઉપસી રહ્યા છે. અહિં ધર્મની દ્રષ્ટીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે. આ નજારો ખડો કરવામાં 50 જેટલા સ્વયંસેવકોએ એવરેજ 15 હજાર કલાકનો શ્રમ કર્યો છે.

હિંડોળા મહોત્સવના આકર્ષણો
વડતાલ જ્ઞાનબાગમાં શ્રી હરિ જ્યાં બાર બારણાના હિંડોળે ઝૂલ્યા હતા તે પ્રસાદીનો હિંડોળો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શ્રી હરિની રંગોત્સવ લીલાની પ્રતિકૃતિ, દ્વારકા, રામેશ્વર, બદ્રીનારાયણ, જગન્નાથપુરી ચારધામના દર્શનની થીમ. • ભગવાનનો ઝૂલતો રાસના દર્શન મન હરિ લેશે. • પુલ્હાશ્રમની પવિત્ર યાત્રા. • મુક્તિનાથ મંદિરની પ્રતિકૃતિ. • ૧૦૮ ગૌમુખી ધારાના દર્શન. • ભગવાન નીલકંઠવર્ણિએ જ્યાં તપ કર્યું હતું તેના વિસ્તારનું આબેહૂબ દ્રષ્ય. મહારાજ જ્યાં ફર્યા હતા તે છપૈયાની ફૂલાચ્છાદિત ફૂલવાડી.! આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખી સાથે દેશભાવનાને ઉજાગર કરતા દ્રષ્યો–પ્રતિકૃતિઓ આકર્ષણરુપ હશે. હવે જુઓ હિંડોળા પ્રદર્શનનો પ્રવેશદ્વારે કલાત્મક છ ઝૂલા ઉભા કરાયા છે જ્યાં રામ શ્યામ અને ઘનશ્યામના દર્શન થશે…! અરે..! સાથે ઋષિમુનિઓના તપની પ્રતિકૃતિઓ પ્રભાવિત કરશે. ૧૦૦૦૦ ચો.ફૂટના બીજા ડૉમમાં સંપ્રદાયનું માહિતીઃ પ્રસારણ સાહિત્ય. વિશાળ ઍલીડી-ટીવી સ્ક્રીન વગેરે છે, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Most Popular

To Top