Editorial

ચીન તરફ દોસ્તીનો હાથ: અમેરિકાની મજબૂરી

આજે અમેરિકા વિશ્વનું પ્રથમ ક્રમનું અને ચીન બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. લશ્કરી દષ્ટિએ પણ કદાચ અમેરિકા પછી વિશ્વમાં સૌથી બળુકો દેશ ચીન જ કહી શકાય તેમ છે. આ બંને દેશો વચ્ચે લાંબા સમયથી સંબંધો સુધરતા અને બગડતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે હતા તે સમયે તો ચીન સાથે અમેરિકાના સંબંધો ભયંકર હદે બગડ્યા હતા. કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો અને તે ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયો હોવાની વાત ચાલી તે પછી ટ્રમ્પે ચીનની વિરુદ્ધ જે બખાળા કાઢ્યા તેના પછી તો આ સંબંધો ખૂબ વણસી ગયા. બાઇડન અમેરિકી પ્રમુખ બન્યા પછી આ સંબંધો સુધરશે એવી આશા હતી પરંતુ અનેક ક્ષેત્રોમાં ચીનનું માથાભારે વર્તન ચાલુ રહેતા સંબંધોમાં તનાવ ચાલુ રહ્યો.

તેમાં વળી અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ ચીનની ચેતવણીઓને અવગણીને તાઇવાનની મુલાકાત લીધી તેના પછી સંબંધો ફરી એક વાર ખૂબ વણસ્યા. પેલોસીની આ મુલાકાત પછી ચીને અમેરિકા સાથેની વિવિધ ક્ષેત્રોમાંની વાતચીત બંધ કરી દીધી. હવે હાલમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર જી-૨૦ શિખર પરિષદમાં અમેરિકા અને ચીનના પ્રમુખો રૂબરૂ મળ્યા અને અમેરિકી પ્રમુખે ચીન તરફ દોસ્તીનો હાથ લંબાવવામાં પહેલ કરી તેના પછી એવું લાગે છે કે બંને દેશો વચ્ચે સંબંધો ફરી સુધરવા તરફ જઇ રહ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન અને તેમના ચીની સમકક્ષ ઝિ જિનપિંગે સોમવારે તેમની પ્રથમ રૂબરૂ બેઠક તાઇવાન પર અને ઇન્ડો-પેસેફિક પ્રદેશમાં બૈજિંગના આક્રમક અભિગમ વચ્ચે યોજી હતી જેમાં બંને નેતાઓએ તેમના મતભેદો હાથ ધરવા પર અને સંઘર્ષ નિવારવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાતમાં અમેરિકી પ્રમુખે જ ચીન તરફ દોસ્તીનો હાથ પહેલો લંબાવ્યો હોવાનું જણાઇ આવતું હતું.

બાઇડન અને ઝી વચ્ચેની બાલીમાં હાઇ પ્રોફાઇલ બેઠક લગભગ સાડા ત્રણ કલાક ચાલી રહી હતી જે બેઠક આ ઇન્ડોનેશિયન ટાપુ પર જી-૨૦ સમિટની સાઇડલાઇન પર યોજાઇ હતી. બાઇડન બે વર્ષ પહેલા અમેરિકાના પ્રમુખ બન્યા તેના પછી આ બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. જો કે તેમણે અગાઉ ફોન પર વાત કરી હતી અને બાઇડન ઉપપ્રમુખ હતા ત્યારે પણ આ ચીની નેતાને મળી ચુક્યા છે. પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં બાઇડને કહ્યું હતું કે તેઓ ઝિ સાથે સંદેશવ્યવહાર ખુલ્લો રાખવા માટે પ્રતિબધ્ધ છે.

આપણા બેની વચ્ચે અંગત રીતે જ નહીં પરંતુ બંને દેશોની સરકારો વચ્ચે પણ વાર્તાલાપ ચાલુ રાખવા હું પ્રતિબધ્ધ છું કારણ કે બંને દેશો પાસે એટલું બધું છે કે તે અંગે સાથે કામ કરવાની આપણી પાસે તક છે એ મુજબ બાઇડને કહ્યું હતું. પોતાના પક્ષે ઝિએ એમ કહ્યું હતું કે તેમની અને પ્રમુખ બાઇડન વચ્ચેની આ હાઇસ્ટેક બેઠક પર વિશ્વ ધ્યાન આપી રહ્યું છે. હાલમાં ચીન-અમેરિકાના સંબંધો એવી સ્થિતિમાં છે કે જેની આપણે બધા ઘણી દરકાર કરી રહ્યા છીએ કારણ કે આ સ્થિતિ આપણા બંને દેશો અને તેમના લોકોના હિતમાં નથી અને તે એવી નથી કે જેની અપેક્ષા આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી પાસેથી રાખી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું. બંને પક્ષોએ ગેરસમજને કારણે ઉભા થઇ શકે તેવા સંજોગો અંગે ભય વ્યક્ત કર્યો હતો.

બાઇડને આશા વ્યક્ત કરી હતી કે ચીન હાલ તરત તાઇવાન અંગે કોઇ આક્રમક પગલું નહીં ભરે, તે સાથે ચીનની વન-ચાઇના પોલિસીને અમેરિકાનો ટેકો દોહરાવ્યો હતો. બેઠક પછી બાઇડને પત્રકારોને જણાવ્યું હતું કે તાઇવાન અંગેની અમેરિકાની નીતિ બદલાઇ નથી, તેમનો ઇશારો દેખીતી રીતે ચીનની વન-ચાઇના પોલિસી તરફ હતો જેને અમેરિકા ટેકો આપે છે. ચીન તાઇવાનને પોતાનો જ ભાગ માને છે જે તાઇવાન હાલ એક સ્વશાસિત ટાપુ છે. ચીનની વન-ચાઇના પોલિસી એમ ઠરાવે છે કે તાઇવાન, હોંગકોંગ જેવા પ્રદેશો એક ચીનના જ ભાગ છે અને અમેરિકાએ આ પોલિસીને માન્ય રાખી છે પરંતુ તે સાથે તે આ પ્રદેશોની સ્વાયત્તતા પર પણ ભાર આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ આ તાઇવાનની મુલાકાત લીધી તેના પછી જ ચીને સંખ્યાબંધ ક્ષેત્રોમાં અમેરિકા સાથેની વાતચીત અટકાવી દેતા બંને દેશો વચ્ચે સંવાદ અટકી ગયો હતો. હવે અમેરિકા આ સંવાદ ફરી શરૂ કરવામાં પહેલ કરી રહેલું જણાય છે. બાલીમાં અમેરિકાએ જ ચીન તરફ દોસ્તીનો હાથ પહેલ લંબાવેલો સ્પષ્ટ જણાઇ આવે છે અને દોસ્તીની આ પહેલ કરવામાં અમેરિકાની કેટલીક મજબૂરી પણ છતી થઇ આવે છે.

પશ્ચિમી દેશોની ચેતવણીઓને અવગણીને રશિયાએ યુક્રેન પર ધરાર હુમલો કરી દીધો અને યુદ્ધ હજી ચાલુ જ છે. હાલ તો રશિયાની ફરી એક વાર પીછેહટ થતી જણાય છે પણ કશું કહી શકાય તેમ નથી. પુટિનનું વર્તન જોતા તેઓ કોઇ પણ હદે જાય તેવો ભય સેવાય છે આવા સંજોગોમાં રશિયાને ચીનનો નૈતિક ટેકો ઓછો થાય તે અમેરિકાને દેખીતી રીતે જ જરૂરી જણાય છે. વળી, ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગ જે રીતે ઉધામા કરી રહ્યા છે તે જોતા પણ અમેરિકાને ચીન સાથે સંબંધો સુધારવા જરૂરી જણાય છે અને તેથી જ બાઇડને જીનપિંગ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હોય તેમ જણાઇ આવે છે.

Most Popular

To Top