રાજ્યના પોલીસ કર્મચારીઓ ગ્રેડ પે વધારવા મામલે છેલ્લાં એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યાં છે. પોલીસના પરિવારો પણ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી તેઓના ગ્રેડ પે વધારવા મામલે કોઈ નિર્ણય આવ્યો નથી, બીજી તરફ રાજ્યના એસટી નિગમમાં નોકરી કરતા કર્મચારીઓને સરકારે દિવાળીની ભેટ આપી છે.
દિવાળી (Diwali) પહેલા એસટીના (ST) ડ્રાઈવર (Driver) અને કંડક્ટર (Conductor) ને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં (Grad Pay) વધારાનો ઠરાવ કરાયો છે. ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડકટરને 1650 ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.નોંધનીય છે કે, ગુજરાતમાં પોલીસ ગ્રેડ વધારવાના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકાર પોલીસ ગ્રેડ પે વધારવા કમિટી બનાવી છે. ત્યારે એસટી વિભાગની દિવાળી સુધરી ગઈ છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલ, શાકભાજી સહિત તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. મોંઘવારી એ હદે વધી છે કે મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. મહિનાનો ખર્ચો પણ કાઢી શકતા નથી. સરકારી કર્મચારીઓની હાલત પણ બુરી થઈ છે. ક્યારેય આંદોલન નહીં કરતી અને શિસ્તને વરેલાં પોલીસ કર્મચારીઓએ પણ પગાર વધારા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. સરકાર હવે ગ્રેડ પે મામલે નરમ થઈ છે. એક કમિટી બનાવી છે. આજે એસટી કર્મચારીઓના ગ્રેડ પે સુધર્યા બાદ હવે પોલીસના ગ્રેડ પે પણ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે.