Editorial

કોવિડના ઉદભવ અંગેની સાચી માહિતી કદાચ ક્યારેય જાણવા નહીં મળે

વર્ષ ૨૦૧૯ના અંતભાગે ચીનના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગની શરૂઆત થઇ, તે સમયે આખી દુનિયામાં આ અંગે ઉત્સુકતા જાગી હતી. આ રોગની ઘણી ચર્ચાઓ શેષ વિશ્વમાં થઇ રહી હતી પરંતુ કોઇને કદાચ તે સમયે ખયાલ ન હતો કે આ રોગ ટૂંક સમયમાં જ આખા વિશ્વમાં ફેલાઇને હાહાકાર મચાવી દેશે. આ રોગ ચીનની બહાર ફેલાઇ શકે છે તેવો ભય તો હતો પરંતુ તેનો રોગચાળો આટલો બધો વ્યાપક અને આટલો ઘાતક નીવડશે એવો કદાચ કોઇને ખયાલ ન હતો. ૨૦૨૦ની શરૂઆતથી જ આ રોગ ચીનની બહાર અન્ય એક બે દેશોમાં દેખા દેવા માંડ્યો અને પછી તો ઝડપભેર અનેક દેશોમાં ફેલાવા માંડ્યો.

ઇટાલી, સ્પેનમાં અને પછી અમેરિકામાં તેણે હાહાકાર મચાવી દીધો. ભારત સહિત અનેક દેશોએ આ રોગને અંકુશમાં લેવા સખત લૉકડાઉન લાગુ પાડ્યા. જો કે સખત લોકડાઉન છતાં ભારતમાં પણ આ રોગના કેસો બાદમાં ખૂબ વધ્યા અને બીજી લહેર તો ભારતમાં ખૂબ ઘાતક પુરવાર થઇ. જે રોગને કારણે આટલી બધી જાનહાની અને આર્થિક નુકસાન થયું તેના ઉદભવ અંગે ચર્ચાઓ જાગવી સ્વાભાવિક હતું અને ચર્ચાઓ શરૂ થઇ જ. ચીને જાણી જોઇને આ રોગ ફેલાવ્યો છે એવી વાતો પણ વહેતી થઇ. જો કે આ થિયરીને તો બહુ સમર્થન નહીં મળ્યું પરંતુ આ રોગ ચીનની જૈવિક શસ્ત્રોની એક લેબોરેટરીમાંથી વાયરસ લીક થવાને કારણે ફેલાયો છે તેવી થિયરીને વ્યાપક ટેકો મળ્યો. ચીને જો કે સ્વાભાવિક જ આ થિયરીઓ નકારી કાઢી પરંતુ તે આ રોગના ઉદભવસ્થાનમાંથી મળેલા ડેટા વિશ્વને પારદર્શી રીતે પુરા પાડતું નથી તે તેની સામેની શંકાઓ દઢ કરે છે.

હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠને ૨૦૨૦માં વુહાનના બજારમાંથી લેવાયેલા સેમ્પલોને લગતી માહિતીઓ અટકાવી રાખવા બદલ ચીનની ટીકા કરી છે જે કોવિડ-૧૯ના રોગચાળાના ઉદભવ અંગે મહત્વની જાણકારી પુરી પાડી શકે છે, અને આ સંગઠને બૈજિંગને હાકલ કરી છે કે તે તેણે જે તપાસ કરી છે તેના પરિણામો આપવામાં પારદર્શી બને. મધ્ય ચીનના વુહાન શહેરમાં આવેલ હુઆનાન માર્કેટ એ રોગચાળાનું ઉદભવબિંદુ છે. ત્યાંથી તેના ઉદભવ સાથે સાર્સ કોવ-ટુ વાયરસ ઝડપભેર ૨૦૧૯ના અંતભાગે વુહાનમાં અન્ય સ્થળોએ ફેલાયો અને ત્યારબાદ બાકીના વિશ્વમાં ફેલાયો.

કોવિડ-૧૯ના મૂળ અંગેના અભ્યાસને લગતી માહિતીઓનો દરેક ટુકડો આંતરરાષ્ટ્રીય સમુદાયને તરત પુરો પડાવો જોઇએ. અને આ માહિતી ત્રણ વર્ષ પહેલા જ પુરી પડાઇ હોવી જોઇતી હતી એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના ડિરેકટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમે ગઇકાલે જીનીવામાં કહ્યું હતું. અમે ચીનને એ કહેવાનું ચાલું રાખીએ છીએ કે કોવિડ-૧૯ના મૂળના અભ્યાસને લગતી માહિતીનો દરેક ભાગ આંતરરાષ્ટ્રીય સમુદાયને પુરો પડાય તે જરૂરી છે. અમે તેને માહિતી આપવામાં પારદર્શી બનવાની હાકલ કરવાનું ચાલુ રાખીએ છીએ. રોગચાળો કઇ રીતે શરૂ થયો તે બાબતની સમજ નૈતિક અને વૈજ્ઞાનિક બંને રીતે અગત્યની છે એ મુજબ તેમણે કહ્યું હતું.

૨૦૧૯ના અંતભાગે ચીનના વુહાન શહેરના પશુ બજારમાંથી એક રહસ્યમય રોગની શરૂઆત થઇ હોવાનું જણાયું હતું, જે બાદમાં કોરોનાવાયરસજન્ય એક રોગ હોવાનું સમજાયું હતું જેને કોવિડ-૧૯ નામ આપવામાં આવ્યું હતું અને આ રોગ ૨૦૨૦ની શરૂઆતથી આખા વિશ્વમાં ફેલાઇ ગયો હતો જેમાં ૭૬ કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો અને ૬૮ લાખથી વધુ લોકોનાં મોત થયા હોવાનું આંકડાઓ કહે છે તે રોગના ઉદભવ અંગે હજી કોઇ સ્પષ્ટતા થતી નથી તે બાબતે સ્વાભાવિક રીતે જ ચીનને દોષ આપવામાં આવી રહ્યો છે કારણ કે તે પારદર્શી રીતે આ રોગના ઉદભવ અંગેની માહિતીઓ પુરું પાડતું નથી.
વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ અધાનોમે યોગ્ય જ કહ્યું છે કે રોગચાળો કઇ રીતે શરૂ થયો તે બાબતની સમજ સ્પષ્ટ થાય તે બાબત નૈતિક અને વૈજ્ઞાનિક બંને રીતે અગત્યની છે.

જો કોઇ રોગચાળાના ઉદભવ અંગે સ્પષ્ટતા થાય તો તેવા રોગચાળાનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય તે બાબતે પગલા ભરી શકાય. ઘણા વાયરસની બાબતમાં બને છે તેમ કોવિડ-૧૯નો વાયરસ સાર્સ કોવ ટુ પણ ચામાચીડિયામાંથી અન્ય માધ્યમો વડે કે સીધે સીધો માણસમાં આવ્યો હોવાની અટકળો છે પરંતુ આ માત્ર અટકળ છે. કેટલાક લોકો ચીની લોકોની ખાનપાનની અયોગ્ય ટેવોને પણ આવા વાયરસના ફેલાવા માટે જવાબદાર ગણે છે. અને સૌથી ગંભીર બાબત તો લેબોરેટરીમાંથી વાયરસ લીક થયો હોવાની થિયરી છે. જો ચીન વુહાન શહેરમાં જ્યાંથી આ રોગચાળો શરૂ થયો હોવાનું મનાય છે તે સ્થળે તેણે કરેલા અભ્યાસમાં બહાર આવેલા તારણો વિશ્વને આપે તો ઘણી જાણકારી મળી શકે એમ હુ કહે છે પરંતુ ચીન પારદર્શી રીતે માહિતી આપતું નથી અને કદાચ ક્યારેય આપશે નહીં.

Most Popular

To Top