SURAT

સુરતમાં લેબગ્રોન ડાયમંડની જાણીતી કંપની 500 કરોડમાં કાચી પડ્યાની ચર્ચા

સુરત: સુરતનાં વરાછા વિસ્તારમાં લેબગ્રોન ડાયમંડ મશીનરી અને CVD લેબગ્રોન ડાયમંડના વેપારમાં મોટું નામ ધરાવનાર કંપની નબળી પડી રહી હોવાની ચર્ચાને પગલે હીરા ઉદ્યોગમાં ચર્ચાનું બજાર ગરમ થયું છે. સુરતમાં સિન્થેટીક ડાયમંડમાં મોટું નામ અને માર્કેટિંગ કરીને સિક્કા પાડનારી કંપની ગંભીર નાણાકીય સંકટમાં સપડાઈ હોવાની વાતો ફેલાતા છેલ્લા ત્રણ દિવસથી રોકાણકારો, બેંકો અને જોબવર્ક કરાવનારાઓને બાકી પેમેન્ટ મેળવવા ભીંસ વધારી હોવાની વાત ચાલી રહી છે.

ચર્ચા એવી છે કે, કંપનીના લેણદારોને પેમેન્ટ ચુકવવા વધુ સમય આપવાની માંગણી થતાં પેઢી કાચી પડી રહી હોવાની વાતને બળ મળ્યું છે. ઇન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે,લેબગ્રોનનાં વેપારમાં ઝંપલાવનાર મોટાભાગની કંપની મની ક્રાઇસીસમાં છે. કારણ કે બજારમાં લેબગ્રોન ડાયમંડની કે લેબ મશીનરીની કોઈ ખાસ ડિમાન્ડ નથી. બીજી તરફ બેંકો અને ફાઈનાન્સિયલ કંપનીઓનું વ્યાજ ચઢી રહ્યું છે.

હીરા ઉદ્યોગના સૂત્રો કહે છે કે, 361 ડોલર પ્રતિ કેરેટના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે એવી વાતો કરીને આ કંપનીએ મશીનો ભાડે આપ્યા હતા, હાલમાં લેબગ્રોન ડાયમંડનો ભાવ પ્રતિ ડોલરના 32 ડોલર થઇ ગયો છે. લેબગ્રોનમાં કામકાજ બંધ થઇ ગયા છે. એટલે કંપની મશીનો પાછા લઇ રહી નથી જેમના નાણાં જામ થયા છે તે મોટાભાગના ઇન્વેસ્ટર્સ છે.

જાણકારો કહે છે કે,આ કંપનીને ધિરાણ આપનાર રાષ્ટ્રીય કૃત બેંકોએ ધિરાણ પરત મેળવવા દબાણ ઊભું કર્યું છે. આ કંપનીને ડાયમંડ મશીનરી ઉત્પાદનના નામે સુરતની જાણીતી સહકારી બેંકે કરોડોનું ધિરાણ આપવાનું જોખમ લીધું છે. એને લગતાં મેસેજ પણ બજારમાં ફરી રહ્યાં છે.

2013માં આ કંપનીએ સૌથી પહેલા લેબગ્રોન ડાયમંડ અને મશીનરી ઉત્પાદનના વેપારમાં ઝંપલાવી તગડો નફો રળ્યો હતો. જોકે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ પત્રકારોએ સંપર્ક કરતા જણાવ્યું હતું કે, હાલમાં જે વાત ચાલી રહી છે એ ખોટી છે. એ કંપનીને હું જાણું છું ત્યાં સુધી કાચી પડવાનો કોઈ સવાલ નથી. લોકો અફવાઓથી દૂર રહે.

કંપની કાચી પડી રહી હોવાની ચર્ચા આ કારણોથી ઉપડી

  • રોકાણકારો,બેંકો અને જોબવર્ક પર કામ કરનારાઓને સમયસર પેમેન્ટ ચૂકવવાને બદલે માર્કેટ સુધરતા સુધી સમય આપવા માંગ કરી.
  • 361 ડોલર પ્રતિ કેરેટના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે એવી વાતો કરીને આ કંપનીએ મશીનો ભાડે આપ્યા હતા, હાલમાં લેબગ્રોન ડાયમંડનો ભાવ પ્રતિ ડોલરના 32 ડોલર થઇ ગયો.
  • વેપારમાં મની ક્રાઇસીસ ઊભી થાય તો મોંઘી કિંમતની મશીનરી પરત લેવાની શરતનું પાલન થયું નહીં.
  • છેલ્લા એક વર્ષથી લેબગ્રોનનો વેપાર બેસી જતાં બેંકો, ફાયનાન્સ કંપનીઓ અને ઈન્વેસ્ટર્સનું વ્યાજ વધતું ગયું.
  • ધિરાણ આપનાર બેંકોએ પેઢીની સદ્ધરતા ચકાસવા હીરા ઉદ્યોગના મોટા માથાઓ પાસે માહિતી મેળવતા ચર્ચાઓને વેગ મળ્યો.
  • સુરતનાં મોટા ગજાના વેપારીઓને ડાયમંડ સ્કેનિગ સહિતની મશીનરી રૂપિયા સવાથી દોઢ કરોડમાં વેચવામાં આવી,પણ મશીનરીનો પ્રત્યક્ષ કબજો આપ્યો નહીં,ઇઝરાયલની કંપનીએ અબજોનો કોપી રાઈટનો કેસ પણ કર્યો.
  • કંપનીના પ્રમોટર્સ દ્વારા આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા
  • કંપનીના માલિકે તાજેતરમાં જ તેમના દિકરાને અમેરીકામાં 4 લાખ ડોલરની કિંમતની લક્ઝુરિયસ કાર બર્થડે ગીફ્ટ તરીકે આપવામાં આવી,અમેરિકામાં 130 કરોડનો બંગલો ખરીદવામાં આવ્યો,
  • અમેરિકા, દુબઇ ,હોંગકોંગ મુંબઈ,સુરતમાં ઓફિસો શરૂ કરવામાં આવી એને લીધે કેપિટલ ખર્ચ વધ્યો,પાછળથી કેટલીક ઓફિસો બંધ કરવામાં આવી.

બિઝનેસ મોડેલમાં મશીનરી ખરીદીને પણ કબજો મળતો નહીં
લેબગ્રોન ડાયમંડ મશીનરી વેચાણ અને સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનનું યુનિક મોડેલ કંપનીએ રજૂ કર્યું હતું. જેમાં રોકાણકારો મશીનરી ખરીદતા પણ પ્રત્યક્ષ કબજો લઈ શકતા નહીં આ મશીનરી પર પોતાના કારીગરો મોકલી રોકાણકારો જોબવર્કનું કામ મેળવતા હતા.પણ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીની મંદીમાં હીરા અને મશીનરીનાં ભાવો પડી જતા આ મોડેલ ફેઈલ થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top