ખૂબસૂરત યુવતીઓ રીઢા ગુનેગારો પ્રત્યે શા માટે આકર્ષાતી હોય છે? તે ઊંડા સંશોધનનો વિષય છે. આ પ્રકારની કથા પરથી અનેક હિન્દી ફિલ્મો બની છે. આ યુવતીઓ કદાચ માફિયા ડોનની મર્દાનગી પર ફિદા હોય છે; અથવા તેમના પૈસાને પ્યાર કરતી હોય છે. તેમનો પ્રેમી સમાજવિરોધી કામ કરતો હોય તેનાથી તેમને કાંઇ ફરક પડતો નથી. તાજેતરમાં હિન્દી ફિલ્મમાં નહીં પણ બોલિવૂડમાં તેવી રિયલ લાઇફ સ્ટોરી પેદા થઈ રહી છે. મશહૂર અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખર નામના ગુંડાના પ્રેમમાં પડી ગઈ છે. સુકેશ ૨૦૦ કરોડના ખંડણી રેકેટનો મુખ્ય સૂત્રધાર છે.
તેણે જેક્વેલિનને આશરે દસ કરોડ રૂપિયાની ભેટસોગાદો આપી હતી. સુકેશ તિહાર જેલમાં બંધ હતો ત્યારે પણ પોતાના આઇ ફોન વડે નિયમિત જેક્વેલિન સાથે પ્રેમગોષ્ઠિ કરતો હતો. ૨૦૦ કરોડના ખંડણી કૌભાંડમાં જેક્વેલિન આરોપી નથી પણ સાક્ષી છે. તેની સામે ઇડી દ્વારા લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. અર્થાત્ તે ભારત છોડીને ક્યાંય જઈ શકતી નથી. તાજેતરમાં તે વિદેશમાં કાર્યક્રમ આપવા માટે ફ્લાઇટ પકડીને જઈ રહી હતી ત્યારે તેને અટકાવવામાં આવી હતી અને મામૂલી પૂછપરછ કરીને ઘરભેગી કરવામાં આવી હતી.
સુકેશ ચંદ્રશેખર સામે જે આરોપનામું ઘડવામાં આવ્યું છે તેમાં તેણે જેક્વેલિન ફર્નાન્ડિઝ માટે ખરીદેલી મોંઘીદાટ ભેટોની વિગતો પણ આપવામાં આવી છે. તેમાં ઝવેરાત, કિંમતી ક્રોકરી અને હીરાજડિત નેકલેસ ઉપરાંત ચાર પર્શિયન બિલાડીઓનો અને એક ઘોડાનો પણ સમાવેશ થાય છે. એક પર્શિયન બિલાડીની કિંમત નવ લાખ રૂપિયા હતી અને ઘોડાની કિંમત ૫૨ લાખ રૂપિયા હતી. સુકેશ જ્યારે જામીન પર છૂટ્યો ત્યારે તેણે જેક્વેલિનને મુંબઈથી દિલ્હી લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. જેક્વેલિન દિલ્હી આવી તે પછી તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ચેન્નાઇ ગયા હતા અને ત્યાંની હોટેલમાં રહ્યા હતા. આ ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચો જ આઠ કરોડ રૂપિયા જેટલો થયો હતો.
તિહાર જેલમાં રહીને પણ સુકેશ ચંદ્રશેખર લક્ઝરિયસ લાઇફ જીવતો હોવાનું બહાર આવ્યું છે. તેને બરાકમાં એકલો જ રાખવામાં આવ્યો હતો, જેમાં હકીકતમાં સંખ્યાબંધ કેદીઓને રાખવામાં આવતા હોય છે. આ બરાકની આજુબાજુ પણ પડદા તરીકે બેડશીટ લટકાવી દેવામાં આવી હતી, જેથી તે જેલમાં શું કરી રહ્યો છે, તેનું રેકોર્ડિંગ સીસીટીવી કેમેરામાં થઈ શકે નહીં. જેલના સત્તાવાળાઓ દ્વારા તેને આઇ ફોન લાવી આપવામાં આવ્યો હતો, જેમાં કોઈ બીજા જ દેશનું સિમકાર્ડ નાખવામાં આવ્યું હતું. આ ફોનનો ઉપયોગ તે ખંડણીના કોલ કરવા માટે કરતો હતો. ઘણી વખત જેલમાં સુકેશના મુલાકાતીઓને પણ પ્રવેશ આપવામાં આવતો હતો. જેલમાં રહીને આ બધી સવલતો ભોગવવા માટે સુકેશ તિહાર જેલના અધિકારીઓને પખવાડિયે ૬૦ થી ૭૫ લાખ રૂપિયાની લાંચ આપતો હતો.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ સુકેશને ગુનામાં મદદ કરવા બદલ તિહાર જેલના સાત અધિકારીઓ સહિત ૧૮ ઇસમોની પણ ધરપકડ કરી હતી. સુકેશે ગુનાની કમાણીનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં પણ કર્યું હતું. તેને ૬ મહિના માટે પેરોલ પર છોડવામાં આવ્યો ત્યારે તેની અને જેક્વેલિન ફર્નાન્ડિઝની પ્રેમકહાણી આગળ વધી હતી. સુકેશના વકીલે કોર્ટમાં કબુલાત આપી હતી કે સુકેશ બોલિવૂડની હિરોઈન જેક્વેલિન ફર્નાન્ડિઝ સાથે ડેટિંગ કરતો હતો.
જેક્વેલિન ફર્નાન્ડિઝે ઇનકાર કર્યો હતો કે તે સુકેશ ચંદ્રશેખર સાથે ડેટિંગ કરી રહી છે. તે પછી તરત તેનો સુકેશ સાથેનો ફોટો વાઇરલ થયો હતો, જેમાં સુકેશ અરીસામાં જોઈને સેલ્ફી લેતી વખતે જેક્વેલિનના ગાલ પર ચુંબન લઈ રહ્યો હતો. આ તસવીર આ વર્ષના એપ્રિલથી જૂન દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે સુકેશ વચગાળાના જામીન પર છૂટ્યો હતો. આ ત્રણ મહિના દરમિયાન તે ચાર વખત ચેન્નાઇમાં જેક્વેલિનને મળ્યો હતો. સુકેશે ફોટો પાડવા માટે જે આઇ ફોન પ્રો ૧૨ નો ઉપયોગ કર્યો હતો, તેનો ઉપયોગ તે જેલમાં પણ કરતો હતો. આ મોબાઇલ ફોનમાં ઇઝરાયલના સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ તસવીરો બહાર આવી તે પછી ઇડીના અધિકારીઓ દ્વારા જેક્વેલિનની સાત કલાક માટે પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે તેણે સુકેશ સાથે કોઈ પણ જાતની રિલેશનશિપમાં હોવાનો ઇનકાર કર્યો હતો. સુકેશ ચંદ્રશેખર પર આરોપ છે કે તેણે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ પાસેથી ચાર કરોડ રૂપિયા પડાવ્યા હતા. શિવિન્દર સિંહ જેલમાં હતા ત્યારે સુકેશે તેની પત્નીને વચન આપ્યું હતું કે તેની દિલ્હીમાં રાજકીય ઓળખાણ છે, જેનો ઉપયોગ કરીને તે શિવિન્દર સિંહને જેલમાંથી છૂટવામાં મદદ કરશે.
સુકેશ ચંદ્રશેખર જ્યારે તિહાર જેલમાં હતો ત્યારે તે પોતાની અસલી ઓળખ છુપાવીને ભળતા સિમકાર્ડનો ઉપયોગ કરીને જેક્વેલિન સાથે ફોનમાં વાત કરતો હતો. સુકેશના દાવા મુજબ તે કોઈ મહાન વ્યક્તિ હતો. તેણે જેલમાં રહીને જેક્વેલિનને ચોકલેટો, ફૂલોના ગુચ્છા અને મોંઘીદાટ ભેટસોગાદો મોકલવાનું ચાલુ કર્યું હતું. તેણે તિહાર જેલમાં રહીને જેક્વેલિન સાથે લગભગ બે ડઝન વખત ફોનમાં વાતો કરી હતી. સુકેશના કોલ રેકોર્ડના આધારે ઇડીના અધિકારીઓને તેના જેક્વેલિન સાથેના સંબંધોની જાણકારી મળી હતી. સુકેશે તિહાર જેલમાં રહીને નુરા ફતેહ નામની નવોદિત અભિનેત્રીને પણ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને મોંઘી ભેટો મોકલી હતી. ગયા ઓગસ્ટ મહિનામાં ઇડીએ ચેન્નાઇના દરિયાકિનારે આવેલા સુકેશના પોશ બંગલા પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી તેને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. સુકેશ પર ખંડણીના ૨૦ કેસો ચાલી રહ્યા છે.
સુકેશ ચંદ્રશેખરના ચેન્નાઇ ખાતે આવેલા સમુદ્રતટે આવેલા પોશ બંગલો પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે ત્યાંથી રોકડા ૮૨.૫ લાખ રૂપિયા ઉપરાંત ડઝન જેટલી લક્ઝરી કારો પણ મળી આવી હતી. પ્રવર્તન નિર્દેશાલયની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેણે આ રીતે સરકારી અમલદાર હોવાનો દેખાવ કરીને ૧૦૦ લોકોને છેતર્યા હતા. સુકેશ મૂળ બેંગલોરનો છે. તેનું નેટવર્ક તામિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ ફેલાયેલું છે. ચેન્નાઇમાં તો તે જ્યારે પણ મુસાફરી કરે ત્યારે લાલબત્તીવાળી ગાડીમાં જ મુસાફરી કરે છે. તેના ચમચાઓ ત્યારે એવો પ્રચાર કરતા હતા કે તે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરુણાનિધિનો પુત્ર છે.
સુકેશ જ્યારે હૈદરાબાદમાં જાય ત્યારે તે આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય.એસ.આર. રેડ્ડીનો ભત્રીજો હોવાનો દાવો કરતો હતો. તે જ્યારે બેંગલોરમાં જાય ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાના સેક્રેટરી હોવાનો દાવો કરતો હતો. તેણે કોચીમાં એક વેપારી પાસેથી તેના કાર્યક્રમમાં કેટરિના કૈફને લાવવા માટે ૨૦ લાખ રૂપિયા લીધા હતા. કેટરિના તો ન આવી, પણ તે કોઈ તેલુગુ હિરોઈનને લઇ આવ્યો હતો. ૨૦૧૭ માં તામિલનાડુના નેતા દિનકરનને બે પાંદડાંનું નિશાન મળે તે માટે તેણે ૬૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. મુંબઇના માફિયાઓ બોલિવૂડની હિરોઈનોને પોતાની પ્રેમજાળમાં ફસાવતા હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે. રાજ કપૂરની મશહૂર ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ની હિરોઈન મંદાકિની દાઉદ ઇબ્રાહિમની પત્ની બનીને તેની સાથે રહેતી હતી. દાઉદ જ્યારે દુબઇમાં રહેતો હતો ત્યારે બોલિવૂડની હિરોઇનો નિયમિત દુબઇ જતી હતી અને માફિયાઓની ડાન્સ પાર્ટીઓમાં સામેલ થતી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.