Charchapatra

શિક્ષકનુ યોગદાન સન્માનિય છે

૨૮ ઓગસ્ટનાં ગુજરાતમિત્રમાં ‘શિક્ષકોને જવાબદારીના પાઠ શીખવવાની જરૂર છે’ડો.નાનક ભટ્ટજીનો લેખ વાંચ્યો. જવાબદારીના પાઠ સમાજને,બાળકોને શીખવનાર શિક્ષકોને જવાબદારી શીખવવાની વાત ખૂંચી!નોકરીની શરૂઆતથી નિવૃત્તિ સુધીમાં શિક્ષકના શિરે કેટ કેટલી જવાબદારીઓ નાખવામાં આવે છે,એ સમાજ જાણે છે?હવેનાં શિક્ષકોએ માત્ર ભણાવવાનું જ કામ નથી કરવાનું. શિક્ષણ વિભાગ કે સરકાર શિક્ષણ સિવાય પણ ઘણા કામો સોંપે છે,જે શિક્ષક નિષ્ઠાપૂર્વક નિભાવે છે.’શિક્ષક માત્ર બાળકોનું જ નહીં,પરિવાર,સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે’: રાજ્યપાલશ્રીનું આ વિધાન છે.નિર્માણ કર્તા સન્માનિય છે.

અલબત્ત શિક્ષક શિક્ષક જ ક્યાં રહ્યો છે?એતો કારકુન બની ગયો છે.હા,કેટલાક ટ્યૂશનિયા શિક્ષકો અને વધુ આર્થિક ઉપાર્જન અર્થે અન્ય કામ કરતા શિક્ષકોને બાદ કરતા મોટાભાગનાં શિક્ષકો સોંપેલ કામ વિવેક સહ સુપેરે કરે જ છે.એટલું જ નહીં શાળાના બાળકોને વધુમાં વધુ જ્ઞાન પીરસવાનું અને મૂલ્ય શિક્ષણ આપવાનું કામ પણ નિષ્ઠાથી કરે જ છે.૩૫ વર્ષ પહેલા છાપામાં કટાર લેખ લખતાં લેખક ને જે મહેનતાણું મળતું તે ૨૦૨૪માં મળે છે? શિક્ષકો ને હાલ જે પગાર મળે છે તે મફતમાં તો નથી જ મળતો!સમાજની અપેક્ષા પરિણામ લક્ષી હોય,શિક્ષક શું કરે?પણ,સાવ એવું નથી.આજે પણ એટલીજ નિષ્ઠા,પ્રેમ,કરુણા,સહાનુભૂતિ અને નમ્રતાથી કામ કરતાં અનેક શિક્ષકો શાળાઓમાં છે.

શિક્ષક શાળામાં ભણાવતા જ નથી એટલે વાલી બાળકને ટ્યુશન ક્લાસમાં નથી મોકલતા.સાહેબ,વાલીની અપેક્ષા ઉંચી ટકાવારીની છે.દરેક વાલીએ પોતાના સંતાન ને ઊંચા પદ ઉપર જોવા છે.પંડિત બનાવી દેવા છે,એટલે ટ્યૂશન ક્લાસીસનો સહારો લે છે અથવા સંતાનને સમય નથી આપી શકતા એટલે, બાકી શિક્ષકો તો સોંપેલ અનેક કામોની વ્યસ્તતા વચ્ચે પણ ભણાવે જ છે.જ્ઞાન સહાયકો ને પૂછો,સેલ્ફ ફાયનાન્સ શાળાના શિક્ષકો ને પૂછો કે કેટલો પગાર મળે છે?નોકરી કાયમી છે?કેટલીય શાળાઓ શિક્ષક વગર ગબડે છે,સર. શિક્ષકને શિક્ષક,ગુરુ,માસ્તર જ રહેવા દો.એનું યોગદાન સન્માનિયછે.
સુરત     – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top