સુરત (Surat): ઈચ્છાપોર વિસ્તારના ડાયમંડ નગરની પાસેની સોસાયટીના બંગલામાંથી પીસીબીએ (PCB) ડુપ્લીકેટ દારૂ (Duplicate Liquor Factory) બનાવવાની ફેકટરી પકડાઈ છે. દારૂની ખેપ મારતી વખતે અવારનવાર પકડાઈ જતો હોય રાજસ્થાન (Rajashthan) જઈ દારૂ બનાવવાની રીત શીખી આવનાર સહિત બે આરોપીને પોલીસે પકડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે ઈચ્છાપોરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમે છે. તેથી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી વિવિધ બ્રાન્ડનો નકલી દારૂ મળી આવ્યો હતો. દારૂ સાથે કલ્પેશ રામચંદ્ર સામરીયા નામનો વ્યક્તિ પકડાયો હતો.
કલ્પેશ મૂળ જમીન દલાલ છે પરંતુ તે અવારનવાર પરપ્રાંતમાંથી દારૂ લાવી સુરતમાં વેચતો હતો. દારૂની ખેપ મારતી વખતે અવારનવાર પકડાઈ જતો હોય કલ્પેશે રાજસ્થાન જઈ દારૂ બનાવવાની પદ્ધતિ શીખી લીધી હતી. કલ્પેશે ત્યાર બાદ સુરતમાં દારૂ ફેકટરી નાંખી હતી. પોલીસે 9.28 લાખના મુદ્દામાલ સાથે કલ્પેશ તથા તેના સાગરિતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
PCB પીઆઇ સુમરાએ જણાવ્યું હતું કે, આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું છે. ઈચ્છાપોર વિસ્તારના ડાયમંડ નગર નામની સોસાયટીમાં બંગલો ભાડે રાખી બે રાજસ્થાની ઈસમો દ્વારા ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેકટરી ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. માનવ જિંદગી જોખમમાં મુકાય તેવો કેમીકલ્સ મિશ્રીત બનાવટી ઈંગ્લીશ દારૂની મીની ફેકટરી ઝડપાઇ છે.
પી.સી.બી. PI આર.એસ.સુવેરાએ વધુમાં જણાવ્યું હતું કે ઈચ્છાપોર ગામ એકઝીક્યુટીવ હોટલની પાછળ આવેલી ડાયમંડનગર કો.ઓ.હાઉસીંગ સોસા. બંગલા નં. 63માં વોચ ગોઠવી સંપૂર્ણ આયોજન સાથે રેઈડ કરવામાં આવી હતી. આ રેડમાં આરોપી (1) કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા (ઉં.વ. 42 ધંધો જમીન દલાલી, રહે. ઘર નં.બી-26 સરીતા દર્શન સોસાયટી, મારીયોટ હોટલ પાસે પાર્લે પોઈન્ટની નજીક ઉમરા સુરત મુળ વતન જલોદા ગામ તા.છોટી સાદડી જી. પ્રતાપગઢ રાજસ્થાન), (2) દુર્ગાશંકર ઉદયલાલ ખટીક (ઉં.વ. 34 ધંધો ડ્રાઈવીંગ રહે,ઘર નં.191 રવિનગર કૈલાસનગર ચોકડી પાસે પાંડેસરા સુરત મુળ વતન સાટોલા ગામ તા. છોટી સાદડી જી. પ્રતાપગઢ રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ બંગમાંથી કેમીકલ યુક્ત દારૂ ઇંગ્લીશ દારૂની બોટલોમાં ભરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. 4 મોબાઈલ ફોન, વિવિધ દારૂની ભરેલી બોટલો, પ્લાસ્ટીકની 10 લિટરની ખાલી ડોલ, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, પ્લાસ્ટીકનો જગ નંગ, 40 લિટરની કેપીસિટીવાળા પ્લાસ્ટીકના કેરબા, 120 લિટર બનાવટી ઈંગ્લીશ દારૂ, 200 લિટરની કેપીસિટીવાળા પ્લાસ્ટીકનું ડ્રમ, એલ્યુમિનીયમની આઈબી લખેલા બોટલ, એક આઈ-20 કાર સહિત રૂપિયા 2 લાખનો સામાન કબજે લેવાયો છે.
આરોપીઓની વધુ પુછપરછમાં બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કેમીકલ્સ અઠવાગેટ સર્કલ પાસે આવેલા સંદિપ ફ્લેટસ કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિ પેરેડાઈઝ એપાર્ટમેન્ટ દુકાન નં.8 માં સંતાડી રાખવામાં આવ્યો હોવાની માહિતી જાણવા મળતા પોલીસે ત્યાં પણ રેઈડ કરી બનાવટી દારૂ બનાવવાનું આલ્કોહોલ કેમિકલ્સ 1050 લિટર કિંમત રૂ 5.25 લાખ, બોટલ અને બુચ મળી કુલ્ કિંમત રૂ. 9,28,320ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
દમણથી દારૂ લાવતો પરંતુ ત્રણેક વાર પોલીસે પકડતા ફેક્ટરી શરૂ કરી
આરોપીઓની પુછપરછમાં કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા અગાઉ રાજસ્થાન તથા દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો. પરંતુ પોલીસે ત્રણેક વખત દારૂ સાથે ઝડપી પાડતા તેની ઉપર કેસો થયા હતા. જેથી તેણે રાજસ્થાન જઈ મિત્રો પાસેથી જાતે જ દારૂ બનાવવાનું શીખી સુરત આવ્યો હતો.
આર્થિક સંકળામણના લીધે જમીન દલાલ બુટલેગર બની ગયો
ત્યારબાદ પોશ વિસ્તારમાં બંગલો ઉંચા ભાડેથી રાખી બનાવટી દારૂ બનાવવા અંગેનું કેમીકલ્સ આલ્કોહોલ એસેન્સ, બુચ, સ્ટીકર વિગેરે ચીજવસ્તુઓ રાજસ્થાનમાં રહેતા વોન્ટેડ આરોપીઓ પાસેથી મંગાવી બંગલામાં મીની ફેકટરી ઉભી કરી દીધી હતી. આરોપી અગાઉ જમીન લે-વેચની દલાલીનુ કામ કરતો હતો અને પોતે પણ સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારની પોશ સોસાયટીમા રહેતો તેમજ પોતાને આર્થીક સંકડામણમાં હોવાથી ઓછા રોકાણમાં વધુ આર્થિક નફો મેળવવા આ ધંધો કરતો હોવાનું બહાર આવ્યું છે. ઇચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.