Gujarat

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્યુટી ફ્રી ઝોનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ સામે હાઇકોર્ટનો સ્ટે

ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદના ઇન્ટરનેશનલ વિમાની મથક (Airport) પર આવેલા કસ્ટમ ડ્યુટી ફ્રી ઝોનમાં દારૂના વેચાણ ઉપર નશાબંધી વિભાગે પ્રતિબંધ મુક્યો હતો. નશાબંધી (Prohibition) વિભાગના આ નિર્ણય સામે શોપ માલિકે હાઇકોર્ટમાં અરજી કરતા ગુજરાત હાઇકોર્ટે નશાબંધી વિભાગના પ્રતિબંધ પર સ્ટે આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે કસ્ટમના અધિકાર ક્ષેત્રમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં.

આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે મુંબઈના એક ટ્રાવેલ રિટેલરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્યુટી ફ્રી શોપ ખોલવા લાયસન્સ મેળવ્યું હતું. તમામ કાયદેસરતાના નિયમોનું પાલન કરી દારૂ વેચવાની મંજૂરી મેળવી હતી પરંતુ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યું ન હતું. જેને પગલે ૩૧મી ઓગસ્ટે દારૂના કાયદાની જોગવાઈ મુજબ આ લીકર શોપને સીલ કરી દારૂ વેચવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

બીજી તરફ શોપ માલિકે કોર્ટમાં અરજી કરી રજૂઆત કરી હતી કે પ્રોહિબિશન એક્ટની કલમ-147 હેઠળ જે શોપ કસ્ટમના કાર્ય અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તે વિસ્તારમાં પ્રતિબંધ લાગુ પડતો નથી. જેથી આ નિર્ણય સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. વધુમાં એનઆરઆઈ પ્રવાસી ઇન્ટરનેશનલ એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપમાંથી છ લીટર લીકર (દારૂ)ની બોટલ ખરીદી શકશે. તેમજ એરપોર્ટની બહાર પણ લઈ જઈ શકશે પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓ તે ખરીદી શકે નહીં.

જ્યારે અન્ય કોઈ પ્રવાસી વિદેશમાં વિઝીટર વિઝા ઉપર વિદેશ ગયા હોય અને તે જે તે દેશના એરપોર્ટના ડ્યુટી ફ્રી શોપમાંથી બે લીટર લીકર લાવવાની મંજૂરી છે પરંતુ તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ડ્યુટી ફ્રી શોપમાંથી લીકર ખરીદી શકશે નહીં. જો કોઈ પ્રવાસી કોઈ દેશમાંથી ત્યાંથી જ ત્રણ લિટર લીકર લાવશે તો અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા લીકરની કિંમત ઉપર 110 ટકા ડ્યુટી વસૂલવામાં આવશે. નિયમ પ્રમાણે બે લીટર લીકર લઈને વિઝીટર વિઝા પર આવતા પ્રવાસીને અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિસ્તારમાં અટકાવી શકાશે નહીં.

Most Popular

To Top