Charchapatra

સુરતી મોઢ વણિક સમાજનું ટેસ્ટી તપેલીનું શાક

વર્ષોથી ખાણીપીણીના શોખીન સુરતીલાલા માટે સુરતી મોઢ વણિક સમાજનું ટેસ્ટી તપેલીના શાકની અને ખત્રી સમાજના તપેલાની બોલબાલા રહી છે. જો કે કહેવું જોઈએ કે તપેલીના શાકમાં અને તપેલામાં ખાસ્સો ફેર છે. તપેલીનું શાક પ્યોર વેજ હોય છે. એમાં કાંદા બટાકા સાથે ચણાની દાળનાં મુઠિયાં અને એની સ્વાદિષ્ટ ગ્રેવી બહુ ચટાકેદાર બને છે. કેટલાંક લોકો એમાં રતાળુ પણ નાખીને તપેલીના શાકને વધુ અસરદાર બનાવે છે. સૌથી જો મહત્ત્વની કોઈ બાબત હોય તો એનો બજારમાં મળતો મોંઘા ભાવનો મસાલો. તપેલીના શાકની સોડમ વધારે છે. ઘડીભર જાણે એવુ લાગે કે ઘરમાં નોનવેજ બની રહ્યું છે.

પ્યોર વેજ તપેલીનું શાક ભગત અને જગત લોકોને પણ બહુ પસંદ પડે છે. તપેલું ખાવાનો નોનવેજ વર્ગ મર્યાદિત હોય છે. જ્યારે તપેલીનું શાક બહુ વિશાળ વર્ગ એની મજા લૂંટે છે. અહીં એક વાતની નોંધ લેવી પડે કે સુરતી મોઢ વણિક સમાજમાં પહેલા શુભ પ્રસંગ જેવા કે શ્રીમંત અને મુંડનના પ્રસંગે સવિશેષ બનાવવામાં આવતું હતું. લોકો શીખંડ પુરી ખાવા કરતાં પણ તપેલીના શાકની આંગળી ચાટીને મજા લેતા હતા. હવે તો આ શાક વારતહેવારે બને છે. નવી પેઢીને પણ તપેલીના શાકમાં મજા આવે છે. ઈતર સમાજના લોકો પણ સામે ચાલીને કહે છે કે તપેલીનું શાક બનાવો તો જરૂર યાદ કરજો. આ શાકની તમારી માસ્તરી છે. અમારા સમાજમાં મહિલાઓથી બનાવેલા શાકમાં તમારા જેવી મજા નથી આવતી. અમારા સુરતી મોઢ વણિક સમાજમાં ઘરની દીકરીઓ પણ માતાજીના રાજમા આ શાક બનાવવાનું શીખી લે છે.

 પછી એ એના સાસરામાં બનાવીને પરિવારમાં બધાને ખુશ કરે છે. મહિલા વર્ગ ખાસ્સી મહેનત કરીને પ્રેમથી આ મનભાવતુ તપેલીનુ શાક ખવડાવીને પોતે ખુશ રહે છે અને બીજા બધાને પણ ખુશ કરે છે.  તપેલીના શાક સાથે જુવારનો રોટલો ખાવાની મજા આવે છે. પુરી સાથે પણ ખવાય. ચોમાસાની ઋતુમાં કેટલાંક લોકો બાજરીના રોટલા પર ઘી લગાવીને તપેલીનું શાક ખાવાનું પસંદ કરે છે. ક્યારેક એવું લાગે છે કે સુરતીલાલાઓએ જાણે ખાવાપીવા માટે જનમ લીધો છે. ખાઓ પીઓ અને મોજમાં રહો. આ જ એમનો જીવનમંત્ર છે.
સુરત. -જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top