SURAT

ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 લોકોના ઉપયોગ માટે બંધ થશે, પ્લેટફોર્મ નંબર 2 અને 3 ફરી કાર્યરત

સુરત: (Surat) છેલ્લા 6 મહિનાથી ઉધના રેલવે સ્ટેશનના (Railway Station) પ્લેટફોર્મ નંબર 2 અને 3 રીડેવલપમેન્ટના કામ માટે બંધ હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 6 મહિના બાદ આવતી કાલથી બંને પ્લેટફોર્મ લોકોના ઉપયોગ માટે ખુલ્લા કરવામાં આવશે. ત્યાર બાદ પાંચ દિવસમાં પ્લેટફોર્મ નંબર 1 લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવનાર છે.

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના રેલવે સ્ટેશન પર રીડેવલમેન્ટનું કામ ચાલી રહ્યું છે. મોટું કોનકોર્સ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા 21 ડિસેમ્બર 2023થી 90 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ કરવા માટે પરવાનગી માંગી હતી. રેલવેએ પરવાનગી આપતા બંને પ્લેટફોર્મ 21 મી ડિસેમ્બરથી 90 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તે સમયે બંને પ્લેટફોર્મની ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 અને 5 પરથી ઓપરેટ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રવાસીઓને તો ભારે હાલાકી થઈ પરંતુ રેલવેને પણ ટ્રેનો ઓપરેટ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

90 દિવસમાં કામ પુર્ણ કરીને ફરીથી પ્લેટફોર્મ શરૂ કરવાના હતા પરંતુ 90 દિવસમાં કામ પુર્ણ થયું ન હતું. હવે કુલ 180 દિવસ બાદ કામ પુર્ણ થતા આવતી કાલથી પ્લેટફોર્મ નંબર 2 અને 3 લોકોના ઉપયોગ માટે ખુલ્લા કરવામાં આવશે. તેના પાંચ દિવસમાં પ્લેટફોર્મ નંબર 1 લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવનાર છે. તે પ્લેટફોર્મ પણ ત્રણેક મહિના માટે બંધ રહેશે. તેનું કામ પુર્ણ થયા બાદ પ્લેટફોર્મ નંબર 4 અને 5 લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવશે.

Most Popular

To Top